Vadodara News: વડોદરા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી પાણીની લાઈનમાં ભંગાણ અને લીકેજની સમસ્યા સતત ઉભી રહી છે. સોનારકુઈથી ભીમપુરા જતા માર્ગ પર આવેલા બંને બ્રિજ વચ્ચે પાણીની મુખ્ય લાઈનમાં થયેલા ભંગાણના કારણે શુદ્ધ પીવાનું પાણી રસ્તા પર વહી રહ્યું છે. સતત વહેતા પાણીથી રોડની બાજુમાં કાદવ સર્જાયો છે, જેના કારણે સ્થાનિક લોકોને અવરજવર કરવામાં ભારે તકલીફ પડી રહી છે. ઘણા વિસ્તારોમાં પાણી ભરાઈ જતા ઘરોની બહાર પશુઓ બાંધવાની જગ્યા પણ પાણીથી ભરાઈ ગઈ છે. સ્થાનિકોએ તંત્રને તાત્કાલિક સમારકામ કરવા ફરીયાદ કરી છે.
આ વચ્ચે વડોદરા શહેરમાં પાણીની લાઈનોમાં ભંગાણ અને લીકેજની સમસ્યા યથાવત રહેતાં પાલિકાની બેદરકારી ફરી એક વખત સામે આવી છે. શહેરના મુજમહુડા વિસ્તારમાં ટાટા શોરૂમ નજીક મુખ્ય પાણીની લાઈનમાં પડેલા ભંગાણે તો જાણે ચોમાસાનું દૃશ્ય ઊભું કરી દીધું છે. રોડ પર નદીની માફક પાણી વહેતા લોકોએ વીડિયોઝ અને તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી શહેરની ઇન્ફ્રાસ્ટ્રક્ચર વ્યવસ્થા ક્યારે સુધરશે તેવો પ્રશ્ન ઉઠાવ્યો છે.
વિસ્તારના રહેવાસીઓનું કહેવું છે કે છેલ્લા એક અઠવાડિયાથી અહીં પાણી લીક થઈ રહ્યું હતું, પરંતુ પાલિકાના અધિકારીઓએ આંખ આડા કાન કર્યા હતા. રહેવાસી રાકેશભાઈએ કટાક્ષ કર્યો કે અહીં મહાનુભાવો રહે છે છતાં કોઈનું ધ્યાન પડતું નથી. પીવાનું પાણી ગટરમાં વહી જાય છે, જે વેરા નાણાનો ભરપૂર વેડફાટ છે.
રહેવાસીઓનું કહેવું છે કે શહેરમાં જ્યાં ત્યાં ખાડાઓ ખોદી નાખવામાં આવે છે. ગટર, લાઈટ કે અન્ય કામગીરી માટે પરંતુ તેમને સમયસર પુરવામાં આવતા નથી. પરિણામે લોકો વાહનવ્યવહાર દરમિયાન ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. મુજમહુડા વિસ્તારમાં લીકેજનો પ્રશ્ન એક અઠવાડિયાથી ચાલી રહ્યો હોવા છતાં હજુ સુધી રિપેર કામ શરૂ થયું નથી.
રહીશોનો ભય છે કે હવે અનેક દિવસો સુધી રસ્તો ખાડાની સ્થિતિમાં જ રહેશે. શુદ્ધ પીવાનું પાણી રસ્તા પર વહેવડાવવાથી પાણીનો તો વેડફાટ થઈ જ રહ્યો છે, પરંતુ સમારકામ પાછળ લાખો રૂપિયાનો ખર્ચ પણ વેડફાઈ રહ્યો છે. શહેરની બગડી રહેલી ઇન્ફ્રાસ્ટ્રક્ચર વ્યવસ્થા સામે લોકોમાં રોષ ઠાલવ્યો છે અને તંત્ર તરફથી તાત્કાલિક પગલાં લેવાની માંગ કરી રહ્યા છે.
