VMC Election 2026: વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણીના માહોલ વચ્ચે શહેરના રાજકારણમાં ભારે ગરમાવો આવ્યો છે. વોર્ડ નંબર 6ના મહિલા ઉમેદવાર પાર્વતીબેન સોલંકીના પતિ પ્રભુભાઈ સોલંકીની હરિયાણા પોલીસે અટકાયત કરતા મામલો ગરમાયો છે.
પ્રભુભાઈ જ્યારે ચૂંટણીનું ફોર્મ ભરવા ગયા હતા, ત્યારે જ પોલીસ તેમને ગાડીમાં બેસાડીને લઈ ગઈ હોવાની વિગતો સામે આવી છે. આ ઘટના બાદ પાર્વતીબેન સોલંકીએ વડોદરા ક્રાઈમ બ્રાન્ચ ખાતે પહોંચી ભારે હોબાળો મચાવ્યો હતો અને આત્મહત્યાની ચીમકી ઉચ્ચારી હતી.
ફોર્મ ભરવા ગયા અને પોલીસ ત્રાટકી
વોર્ડ-6ના કોંગ્રેસના ઉમેદવાર પાર્વતીબેન સોલંકીના પતિ પ્રભુભાઈ સોલંકી સાથે પોતાની રાજકીય પ્રક્રિયા માટે ફોર્મ ભરવા ગયા હતા, ત્યારે હરિયાણા (ગુડગાંવ) પોલીસની ટીમ ત્યાં ત્રાટકી હતી. કોઈ પણ જાણકારી આપ્યા વિના પોલીસે તેમને સીધા ગાડીમાં બેસાડી દીધા હતા. આ અચાનક થયેલી કાર્યવાહીથી સમર્થકો અને પરિવારમાં દોડધામ મચી ગઈ હતી.
'મારા પતિ નિર્દોષ છે, ન્યાય નહીં મળે તો આત્મહત્યા કરીશ'
પતિની અટકાયતના સમાચાર મળતા જ પાર્વતીબેન સોલંકી વડોદરા ક્રાઈમ બ્રાન્ચ ખાતે પહોંચ્યા હતા. જ્યાં તેમણે પોલીસ સામે રોષ ઠાલવતા જણાવ્યું કે, મારા પતિનો કોઈ જ ગુનો નથી, તેમને જબરદસ્તી ઉઠાવી લેવામાં આવ્યા છે. પોલીસ અધિકારીઓ અમને કોઈ પણ જાતની સ્પષ્ટતા કે માહિતી આપી રહ્યા નથી.
વધુમાં તેમણે ભાવુક થઈને ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, જો મારા પતિને મુક્ત કરવામાં નહીં આવે અથવા સાચી વિગત આપવામાં નહીં આવે, તો હું અહીં જ આત્મહત્યા કરી લઈશ અને તેના માટે જવાબદાર અધિકારીઓના નામ આપીશ. ક્રાઈમ બ્રાન્ચના પટાંગણમાં જ મહિલા ઉમેદવારના આક્રમક તેવરને જોતા પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો હતો.
નકલી ગોલ્ડ સ્મગલિંગનું કનેક્શન?
પ્રાથમિક તપાસ અને સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, પ્રભુભાઈ સોલંકીની ધરપકડ પાછળ હરિયાણાના ગુડગાંવમાં નોંધાયેલો એક ગુનો જવાબદાર હોવાનું મનાય છે. હરિયાણા પોલીસ લાંબા સમયથી નકલી ગોલ્ડ સ્મગલિંગ (બનાવટી સોનાની તસ્કરી) ના રેકેટની તપાસ કરી રહી હતી, જેમાં પ્રભુભાઈનું નામ ખુલ્યું હોવાની શક્યતા છે. આ મામલે સ્થાનિક પોલીસની મદદ લઈને હરિયાણા પોલીસે આ ઓપરેશન પાર પાડ્યું હોવાનું ચર્ચાઈ રહ્યું છે.
ચૂંટણી ટાણે જ ઉમેદવારના પતિની ધરપકડ થતા આ મામલો હવે રાજકીય વળાંક લઈ રહ્યો છે. પોલીસ આ અંગે વધુ તપાસ કરી રહી છે અને પ્રભુભાઈને ટ્રાન્ઝિટ રિમાન્ડ પર હરિયાણા લઈ જવાની તજવીજ હાથ ધરવામાં આવી શકે છે.
