Fishermen Return Gujarat From Iran: ઈરાન અને અમેરિકા (Iran-America War) વચ્ચે ચાલી રહેલા યુધ્ધ વચ્ચે ઈરાનમાં માછીમારી કરવા માટે ગયેલા વલસાડ અને નવસારી જિલ્લાના માછીમારો ફસાયા હતા.
જેઓને ભારત સરકાર દ્વારા પરત પોતાના માદરે વતન લાવવામાં સફળતા મળતા આજે સોમવારે વલસાડ સરકીટ હાઉસ ખાતે સવારે પ્રથમ બસમાં 38 અને બપોરે બીજી બસમાં 34 મળી કુલ 72 માછીમારો બે બસમાં આવી પહોંચ્યા હતા.
રાજ્યના નાણાં, શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના કેબિનેટ મંત્રી કનુભાઈ દેસાઈ, વલસાડ ધારાસભ્ય ભરત પટેલ અને જિલ્લા કલેકટર ભવ્ય વર્મા અને મત્સ્યોદ્યોગ વિભાગના ઉચ્ચ અધિકારીઓએ ઉપસ્થિત રહી હારતોરા સાથે તમામ માછીમારોનું ઉષ્માભેર સ્વાગત કર્યુ હતું. પોતાના ગામની ધરતી પર પગ મુકતાની સાથે જ તમામ માછીમારોએ ‘ભારત માતા કી જયના નારા લગાવી પરિવારને મળવાની ખુશી વ્યક્ત કરી હતી.રોજી રોટી માટે પોતાના વતનથી સાત સમુંદર પાર ગયેલા વલસાડ – નવસારી જિલ્લાના માછીમારો સુખરૂપે માછીમારી કરી રહ્યા હતા.
ઈરાન- અમેરિકા વચ્ચે યુધ્ધ ફાટી નીકળતા તેઓની હાલત કફોડી બની હતી. પોતાની હાલત અંગેના વીડિયો બનાવી માછીમારોએ નવસારી જિલ્લાના ધોલાઈ બંદર સ્થિત માછીમારી વ્યવસ્થાપન સમિતિ ટ્રસ્ટના હોદ્દારોને મોકલ્યા હતા તેઓએ આ બાબતે નવસારી લોકસભા બેઠકના સાંસદ અને કેન્દ્રિય જલશક્તિ મંત્રી સીઆર ટીલ અને વલસાડ- ડાંગના સાંસદ લોકસભાના દંડક ધવલ પટેલને બંને જિલ્લાના માછીમારોને પરત લાવવા માટે ધારદાર રજૂઆતો કરી હતી.
જેને પગલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ અને સીધા માર્ગદર્શન હેઠળ કેન્દ્રિય વિદેશ મંત્રી એસ જયશંકરે ઈરાન સરકાર સાથે વાટાઘાટો કરી હતી. જેના સફળ પડઘા પડતા યુધ્ધની ભીષણ પરિસ્થિતિ વચ્ચે વલસાડ નવસારી જિલ્લાના માછીમાર ભાઈઓ સહી સલામત રહે તેવા તમામ પ્રયત્નો કરવામાં આવ્યા હતા.
આખરે તા. 11મી એપ્રિલના રોજ સવારે 10 કલાકે 72 માછીમારોને ઈરાનથી ભારત આવવા ફલાઈટમાં બેઠા હતા અને રાત્રિના 9 કલાકે ચેન્નાઈથી બે બસમાં વલસાડ આવવા રવાના થયા હતા. જેઓ સોમવારે સવારે 9 કલાકે વલસાડ સર્કિટ હાઉસ આવી પહોંચ્યા હતા.
જ્યાં જિલ્લા વહીવટી તંત્ર તરફથી કલેકટર ભવ્ય વર્મા, નિવાસી અધિક કલેકટર એમ.ડી.ચુડાસમા, ફિશરીઝ ડિપાર્ટમેન્ટના ઇન્ચાર્જ કમિશ્નર મિતેશ પંડ્યા, ડેપ્યુટી ડાયરેકટર કેઆર પટણી અને વલસાડ જિલ્લાના મદદનીશ મત્સ્યોદ્યોગ નિયામક બિંદુબેન પટેલ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
ઈરાન પર બોમ્બ ધડાકા થયા ત્યારે સમુદ્રમાં બોટનું જીપીએસ બંધ થઈ ગયુ
ઈરાનથી પરત આવેલા વલસાડના ઉંટડી ગામના માછીમાર રાજેશ પટેલે જણાવ્યું કે 28 ફેબ્રુઆરીએ અચાનક ઈરાન પર બોમ્બ ધડાકા થયા હતા ત્યારે અમે દરિયામાં હતા અને અમારી બોટનું જીપીએસ સહિતના સાધનો બંધ થઈ ગયા હતા.
