Valsad: એક એવા મહિલા પેશન્ટ કે જે પોતાના પગ પર ચાલી શકતા ન હતા, ત્રણથી ચાર માણસોએ ભેગા મળી પકડીને ચલાવવુ પડતુ હતું. પોતાના પગ પર ચાલી શકે તે માટે વલસાડ, નવસારી અને સુરત સહિતની અનેક ખાનગી હોસ્પિટલોના પગથિયા ઘસી નાંખ્યા અને પૈસાનું પાણી પણ કરી નાંખ્યુ. આમ છતાં કોઈ પરિણામ મળ્યુ નહતું.
એક દિવસ એમના દીકરાએ મોબાઈલમાં વલસાડની સરકારી આયુર્વેદ હોસ્પિટલમાં દર્દીને નિઃશુલ્ક સાજા થવાની રીલ જોઈ અને માતાને સારવાર અર્થે તુરંત લઈ આવી હોસ્પિટલમાં દાખલ કરી અને માત્ર પાંચ જ દિવસમાં મહિલા ચાલતી થઈ જતા જાણે આયુર્વેદ ચિકિત્સા પધ્ધતિએ ચમત્કાર સર્જયો હોય એવો સુખદ અનુભવ થયો હતો. આમ આ કેસ પરથી એવુ ચોક્કસપણે કહી શકાય છે કે, આપણી પ્રાચીન આયુર્વેદ ચિકિત્સા પદ્ધતિ 21મી સદીના આધુનિક યુગમાં પણ ચમત્કાર સર્જે છે.
વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના નાની વહીયાળ ગામમાં મહેંદી ફળિયા ખાતે રહેતા અને એમ.એ., બી.એડ. થયેલા 51 વર્ષીય રેખાબેન અશોકભાઈ પટેલ અગાઉ સુરત ખાતે સ્કૂલમાં ફરજ બજાવતા હતા. છેલ્લા એક માસથી તેઓને હાથ- પગ ખૂબ જ દુખતા હતા. જેથી તેમને સારવાર અર્થે વલસાડ, ધરમપુર, નવસારી અને સુરતની અનેક ખાનગી હોસ્પિટલોમાં અનેકવાર સારવાર કરાવી પણ કોઈ ફરક પડ્યો ન હતો. આ દરમિયાન અંદાજે ચાર લાખ રૂપિયા જેટલો ખર્ચો પણ થઈ ગયો હતો, પરંતુ રિઝલ્ટ મળ્યુ ન હતું.

આખરે ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ સંચાલિત વલસાડની સરકારી આયુર્વેદ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ થયા હતા. હાલ તેઓ કોઈપણ વ્યકિતના સહારા વિના સ્વતંત્ર ચાલી શકે છે. ત્યારે આવો જાણીએ તેમના જ શબ્દોમાં વલસાડની સરકારી આયુર્વેદ હોસ્પિટલની સાફલ્ય ગાથાની કહાની.
મને એવુ લાગતુ હતું કે, મને લકવો લાગી જશે, આજીવન પથારીવશ રહીશ
દર્દી રેખાબેન પટેલ જણાવે છે કે, છેલ્લા એક મહિનાથી હું ચાલી શકતી ન હોવાથી લોકોના સહારે જેમ તેમ ચાલતી હતી, મને મનમાં એવુ થતુ હતું કે, મને આજીવન લકવો લાગી જશે. હું પથારીમાંથી ઉઠી શકીશ નહી. ખાનગી હોસ્પિટલોમાં MRI, એક્સ રે, CBC, બાયોપ્સી સહિતના તમામ રિપોર્ટ કરાવ્યા પણ તબીબો મારી બિમારી પકડી શકતા નહતા.
વલસાડની જ એક અદ્યતન હોસ્પિટલના ડોકટરે તો મને ત્યાં સુધી કહ્યું કે, દર 10 દિવસે તમારે પ્લાઝમા ટ્રાન્સપ્લાન્ટ કરાવવું પડશે. જેના પાછળ અંદાજે રૂ. બે લાખનો ખર્ચ થઈ શકે છે. અગાઉ રૂ. 4 લાખનો ખર્ચ થયો અને હવે રૂ. 2લાખનો ખર્ચ સામે આવીને ઉભો હતો. ઘરનો આર્થિક ખર્ચ માત્ર એક દીકરા પર હતો. આર્થિક કટોકટીને કારણે મેં સારા થવાની આશા છોડી દીધી હતી.

જો કે એક દિવસે મારા દીકરા સોહમે મોબાઈલમાં વલસાડની સરકારી આયુર્વેદ હોસ્પિટલમાં દર્દીને નિઃશુલ્ક સાજા થવાની રિલ્સ જોઈ બાદમાં માસી સાથે વાત થતા તેમણે પણ તેમનો પોઝિટિવ અનુભવ જણાવતા હું આયુર્વેદ હોસ્પિટલમાં વ્હીલચેર પર આવી હતી અને મારી સારવાર શરૂ થતા આજે હું કોઈના પણ સહારા વિના મારા પગ પર સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે ચાલી શકુ છું. દાદર પણ ચઢી ઉતરી શકુ છું.
હોસ્પિટલના ડો. સુમિત પટેલ સહિતના તમામ સ્ટાફે ખાનગી હોસ્પિટલને ટક્કર મારે તેવી ખૂબ જ સરસ સુવિધા પૂરી પાડી મને સ્વસ્થ કરી એ મારા માટે એક સપના સમાન છે. જે બદલ હું રાજ્ય સરકારની સુવિધાસભર આયુર્વેદ હોસ્પિટલ અને સરકારશ્રીનો આભાર વ્યક્ત કરુ છું.
વલસાડની આયુર્વેદ હોસ્પિટલના મેડિકલ ઓફિસર ડો. સુમિત પટેલે જણાવ્યું કે, દર્દી રેખાબેન પટેલને અચાનક પગમાં ભારે નબળાઈ આવવાથી ચાલવામાં સંપૂર્ણ અસમર્થતા આવી હતી. પોતે ઊભા રહી શકતા ન હતાં અને દૈનિક ક્રિયાઓ માટે પણ સહાય જરૂરી હતી. તપાસ દરમિયાન નર્વ સિસ્ટમ સંબંધિત ગંભીર સમસ્યાના સંકેતો મળ્યા.
આયુર્વેદિક દ્રષ્ટિએ દર્દીની સ્થિતિને “મજ્જાગત વાત (આમ સંયુક્ત) તથા ઓજક્ષય” તરીકે નિદાન કરી દર્દીને પંચકર્મ ઉપચાર આપવામાં આવી, જેમાં મુખ્યત્વે અભ્યંગ (ઔષધીય તેલ માલિશ), સ્વેદન (વરાળનો શેક) અને બસ્તિ, તેમજ પત્રપીંડ સ્વેદની સારવાર કરવામાં આવી સાથે વાત-શામક, આમ-પાચક અને મજ્જા પોષક ઔષધો, યોગ્ય આહાર અને નિયંત્રિત જીવનશૈલી અપનાવવામાં આવી.
ઉપચાર શરૂ થયા બાદ માત્ર એક અઠવાડિયામાં દર્દીની સ્થિતિમાં નોંધપાત્ર સુધારો થયો અને જે દર્દી અગાઉ ચાલવામાં અસમર્થ હતા તેઓ હવે સહાય વગર ચાલતા થયા છે. આ ઘટના દર્શાવે છે કે, યોગ્ય સમયે કરવામાં આવેલી પંચકર્મ આધારિત આયુર્વેદિક ઉપચારથી ગંભીર ન્યુરોલોજિકલ સમસ્યાઓમાં પણ અસરકારક અને ઝડપી સુધારો શક્ય બને છે. રેખાબેનને જે બિમારી થઈ હતી તે સામાન્યપણે ૧૦ માંથી ચાર પાંચ વ્યકિતમાં જોવા મળે છે પણ સમયપર સારવારથી તંદુરસ્ત જીવન જીવી શકાય છે.
વલસાડમાં છેલ્લા બે વર્ષમાં 62118 દર્દીએ OPD અને 1552એ IPD સારવારનો લાભ લીધો
વલસાડ જિલ્લા આયુર્વેદ અધિકારી વૈદ્ય ડો.ઉર્વીબેન પટેલ જણાવે છે કે, દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આયુર્વેદ ઉપર વિશેષ ભાર મુકાયો છે. તા. 1 ફેબ્રુઆરી રવિવારે રજૂ થયેલા કેન્દ્રિય બજેટમાં પણ આયુર્વેદ ઉપર ભાર મુકી 3 એઈમ્સ ખુલશે તેની જાહેરાત કરાઈ છે.
રાજ્ય સરકાર દ્વારા પણ જાહેર જનતાની સુવિધા માટે વલસાડના તિથલ રોડ પર સરકારી આયુર્વેદ હોસ્પિટલ કાર્યરત છે, જેમાં ઓપીડી પણ ચાલે છે અને જરૂર જણાય તેવા દર્દીને દાખલ કરી સંપૂર્ણ સ્વસ્થ થાય ત્યાં સુધી સારવાર પણ આપવામાં આવે છે. આ સિવાય વિરેચન, વમન, બસ્તી, વંધ્યત્વ નિવારણ અને ગર્ભસંસ્કારની સારવાર આપવામાં આવે છે. આ સિવાય હોમીયોપેથીની સારવાર પણ ચાલે છે. વર્ષ દરમિયાન ગામે ગામ કેમ્પ ચાલે છે.
આયુર્વેદ અને યોગનો સમન્વય કરી આહાર અને ઋતુ દિનચર્યાની સમજ આપવામાં આવે છે. છેલ્લા બે વર્ષમાં 62118 દર્દીએ ઓપીડી, 1552 આઈપીડી અને 87826 દર્દીએ પંચકર્મની સારવાર મેળવી સ્વસ્થ જીવન જીવી રહ્યા છે. વધુમાં વધુ લોકો આ સરકારી આયુર્વેદ હોસ્પિટલની સારવારનો લાભ લે અને તંદુરસ્ત જીવન જીવે એવો અનુરોધ કરુ છું.
