વલસાડમાં મેઘતાંડવ: 24 કલાકમાં 25 ઈંચ વરસાદથી જળબંબાકાર; કારખાના-શાળાઓ બંધ, વારોલી પુલ તૂટ્યો અને હેલિકોપ્ટરથી બચાવ કામગીરી શરૂ

વલસાડ જિલ્લામાં ભારે પૂરની સ્થિતિ. ઉમરગામમાં 25 ઈંચ વરસાદથી જળબંબાકાર. વારોલી પુલ તૂટ્યો, કારખાના-શાળાઓ બંધ. NDRF અને કોસ્ટગાર્ડનું રેસ્ક્યૂ ઓપરેશન ચાલુ.

By: Jignesh TrivediEdited By:Jignesh TrivediPublish Date: Fri, 24 Jul 2026 02:47 AM (IST)Updated: Fri, 24 Jul 2026 02:47 AM (IST)
valsad-floods-25inch-rain-bridge-collapse-helicopter-rescue

Valsad Flood: દક્ષિણ ગુજરાતના વલસાડ જિલ્લામાં છેલ્લા ચાર દિવસથી સતત વરસી રહેલા ધોધમાર અવિરત વરસાદે માળખાકીય વ્યવસ્થા અને જનજીવન અસ્તવ્યસ્ત કરી નાખ્યું છે. ખાસ કરીને ઉમરગામ તાલુકામાં મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરતાં માત્ર 12 કલાકમાં 25 ઈંચ જેટલો આકાશી વરસાદ ખાબક્યો હતો. સમગ્ર જિલ્લામાં નદી-નાળાઓ ઉભરાઈ જતાં અને પૂર જેવી ગંભીર પરિસ્થિતિ સર્જાતાં વહીવટી તંત્ર દ્વારા આર્મી, દમણ કોસ્ટ ગાર્ડ, NDRF અને SDRFની મદદથી બચાવ અને રાહત કામગીરી હાથ ધરવામાં આવી છે.

હેલિકોપ્ટરથી દિલધડક રેસ્ક્યૂ: વીજ પોલ પર રાત વિતાવી

પૂરના ધસમસતા પ્રવાહના કારણે અનેક વિસ્તારોમાં એનડીઆરએફની બોટ પણ પહોંચી શકે તેમ ન હોવાથી વલસાડ વહીવટી તંત્ર દ્વારા દમણ કોસ્ટ ગાર્ડના હેલિકોપ્ટરની મદદ લેવામાં આવી હતી.

વાપીના સલવાવ ખાતે હ્યુન્ડાઈ શો રૂમ નજીક એક યુવક જીવ બચાવવા માટે ગઈકાલથી ઈલેક્ટ્રિક વીજ પોલ પર ચઢી ગયો હતો. આખી રાત ફસાયેલા આ યુવકને વાપી મામલતદાર કે.પી. કટારીયાની ઉપસ્થિતિમાં કોસ્ટ ગાર્ડના હેલિકોપ્ટર મારફતે સશરીર બહાર કાઢવામાં આવ્યો હતો.

તો હિંગળાજ ગામે ઝીંગાના તળાવ એરિયામાં રાતથી ફસાયેલા 20 થી 25 લોકોને એસડીઆરએફની ટીમે બોટ મારફતે સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા.

naidunia_image

12,754 લોકો શેલ્ટર હોમમાં ટ્રાન્સફર, 352 નાગરિકોનું કરાયું સફળ રેસ્ક્યૂ

વલસાડ જિલ્લા પૂર નિયંત્રણ કક્ષ પાસેથી મળતી તાજી વિગતો મુજબ, જિલ્લા કલેક્ટર નીતિન સાંગવાનના સીધા માર્ગદર્શન હેઠળ રાહત કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. પૂરના પાણી ઘૂસી જતાં નીચાણવાળા વિસ્તારોમાંથી 12,754 જેટલા લોકોને સુરક્ષિત શેલ્ટર હોમમાં ખસેડવામાં આવ્યા છે. જ્યાં વહીવટી તંત્ર દ્વારા તેમના રહેવા અને જમવાની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી છે.

NDRF અને SDRFની ટીમોએ વિવિધ તાલુકાઓમાં પાણીના તીવ્ર પ્રવાહ વચ્ચે ફસાયેલા 352 લોકોને સલામત રીતે રેસ્ક્યૂ કરી બહાર કાઢ્યા છે. કપરી પરિસ્થિતિમાં સ્થાનિક સેવાભાવી સંસ્થાઓ પણ તંત્રની મદદે આવી છે અને પૂરપીડિતો માટે 300થી વધુ ફૂડ પેકેટનું વિતરણ કરવામાં આવ્યું છે.

naidunia_image

500થી વધુ લોકોનું સ્થળાંતર

આ ઉપરાંત જિલ્લાના જુદા જુદા તાલુકાઓમાંથી અત્યાર સુધીમાં 1500થી વધુ ફસાયેલા લોકો પૈકી 500થી વધુ નાગરિકોને સુરક્ષિત આશ્રયસ્થાનોમાં ખસેડવામાં આવ્યા છે.

naidunia_image

બ્રિજનો સ્પાન તણાયો: વાહનવ્યવહાર બંધ

ઉમરગામ તાલુકામાં સોળસુંબા–ભાઠી–કરમબેલી રોડ પર વારોલી નદી ઉપર આવેલા 180 મીટર લાંબા મેજર બ્રિજને પૂરના પાણીના અસાધારણ દબાણને કારણે ભારે નુકસાન પહોંચ્યું છે.

નદીમાં આવેલા ઐતિહાસિક પૂરના પ્રવાહના કારણે બ્રિજનો મધ્યભાગ મૂળ સ્થિતિમાંથી ઊંચકાઈને પાણીમાં તણાઈ ગયો છે, જ્યારે બીજો એક સ્પાન ખસી ગયો છે. સદનસીબે આ બનાવમાં કોઈ જાનહાનિ થઈ નથી. માર્ગ અને મકાન વિભાગ દ્વારા રસ્તો બેરિકેડ કરીને બંધ કરી દેવાયો છે.

વૈકલ્પિક માર્ગ

ભાઠી અને સંજાણ તરફ જવા માટે વાહનચાલકોને સંજાણ-આમગામ રોડ, ભીલાડ-સંજાણ-ઉમરગામ સ્ટેટ હાઈવે અને સોળસુંબા-ગંગાદેવી રેલવે ફાટક વાળા માર્ગનો ઉપયોગ કરવા અપીલ કરાઈ છે, જેનાથી અંદાજે 9 કિમીનો ફેરાવો થશે.

 naidunia_image

ઔદ્યોગિક એકમો, કારખાના અને શાળાઓ બંધ રાખવા આદેશ

પરિસ્થિતિની ગંભીરતા અને શ્રમયોગીઓ તેમજ વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે:

કારખાનાઓ બંધ: વલસાડના તમામ કારખાના અને ઔદ્યોગિક એકમોને તા. 24/07/2026ના રોજ કામગીરી બંધ રાખવા સૂચના અપાઈ છે. માત્ર તાકીદની સેવાઓ માટે ન્યૂનતમ સ્ટાફ રાખવા અને શ્રમયોગીઓને સુરક્ષિત ઘરે પહોંચાડવા જણાવાયું છે.

શાળાઓમાં રજા: અતિભારે વરસાદની આગાહીને પગલે શુક્રવારે પણ તમામ શૈક્ષણિક સંસ્થાઓ (શાળા, કોલેજ, ITI) બંધ રહેશે. બાળકોનું શિક્ષણ ન બગડે તે માટે ઓનલાઈન અભ્યાસ કરાવવા જિલ્લા શિક્ષણાધિકારીએ સૂચન કર્યું છે.

474 માર્ગો બંધ: રસ્તાઓ ધોવાઈ જવા અને પાણી ભરાવાને કારણે પંચાયત હસ્તકના 442 અને સ્ટેટ હસ્તકના 32 મળી એકંદરે 474 રસ્તાઓ પર વાહનવ્યવહાર સ્થગિત કરી દેવાયો છે.

naidunia_image

મધુબન ડેમની સ્થિતિ

છેલ્લા 24 કલાક દરમિયાન ઉમરગામ તાલુકામાં રાત્રિના 12 કલાકમાં 25 ઈંચ અને દિવસના 10 કલાકમાં 14 ઈંચ વરસાદ નોંધાયો છે.

કપરાડા સ્થિત દમણગંગા (મધુબન) ડેમમાં ઉપરવાસમાંથી સતત પાણીની આવક થતાં મોડી રાત્રે તબક્કાવાર 3 લાખ ક્યુસેક સુધી પાણી છોડવામાં આવ્યું હતું. હાલ ડેમના 10 દરવાજા ખુલ્લા રખાયા છે.

ડેમમાંથી પાણી છોડાતાં કપરાડા, વાપી અને ઉમરગામના કાંઠાના ગામો જેવા કે લવાછા, ચણોદ, કચીગામ, બોરીગામ વગેરે વિસ્તારોમાંથી લોકોને અગાઉથી સુરક્ષિત સ્થળે ખસેડાયા છે.

 naidunia_image

ઔરંગા-સ્વર્ગવાહિની નદીઓ અને હાલર તળાવ ઓવરફ્લો

વલસાડની ઔરંગા નદી અને ધરમપુરની સ્વર્ગવાહિની નદી બન્ને કાંઠે ઓવરફ્લો થતાં આસપાસના નીચાણવાળા વિસ્તારો જળબંબાકાર બન્યા છે. આ સિવાય વલસાડ શહેરના મધ્યમાં આવેલું હાલરનું તળાવ પણ છલકાઈ જતાં તેના પાણીનો તંત્ર દ્વારા તાત્કાલિક નિકાલ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

naidunia_image

વૃક્ષો ધરાશાયી અને વ્યાપક નુકસાન

સુસવાટા મારતા પવનને કારણે જિલ્લામાં 6 જેટલા મોટા વૃક્ષો રસ્તા પર ધરાશાયી થતાં વાહનવ્યવહાર ખોરવાયો હતો, જેને વન વિભાગની ટીમે ટ્રી-કટિંગ કરીને તાત્કાલિક ખુલ્લો કરાવ્યો હતો.

આ આપત્તિમાં 18 પશુઓના કરૂણ મોત નીપજ્યા છે. આ ઉપરાંત 27 કાચા મકાનો, 11 પાકા મકાનો અને 1 કેટલ શેડને વ્યાપક નુકસાન પહોંચ્યું છે.

એક્શન પ્લાન

બચાવ કામગીરીને વેગ આપવા રાજ્ય સરકારે તાત્કાલિક અસરથી 10 નાયબ કલેક્ટર અને મામલતદાર કક્ષાના અધિકારીઓને વલસાડ જિલ્લામાં ફાળવી દીધા છે. નવી દિલ્હીથી NDRFની 2 વધારાની ટીમો, આર્મીના 70 જવાનો, 5 બોટ અને 25 ફાયર ફાઈટર્સની ટીમ વલસાડ પહોંચી રહી છે.

naidunia_image

જિલ્લા પ્રભારી મંત્રી નરેશ પટેલ અને કલેક્ટર નીતિન સાંગવાને ઔરંગા નદીના પૂર પ્રભાવિત વિસ્તારોની રૂબરૂ મુલાકાત લીધી હતી. કલેક્ટરે નાગરિકોને બિનજરૂરી ઘરની બહાર ન નીકળવા અને માત્ર અધિકૃત માહિતી પર વિશ્વાસ કરવા અપીલ કરી છે.