Valsad News: વલસાડ જિલ્લાના પારડી તાલુકામાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં એક યુવક સાથે તાંત્રિક વિધિના નામે મોટી રકમની છેતરપિંડી થઈ છે. પારડીના પ્રિતેશકુમાર પટેલ, જેઓ વ્યવસાયે મિકેનિક છે, તેમને રૂપિયા પાંચ કરોડ બનાવી આપવાની લાલચ આપીને એક ઠગે કુલ રૂપિયા 2,15,000 પડાવી લીધા છે.
પ્રિતેશકુમારના મામાના જમાઈના ઓળખીતા અનવર થેબાએ પોતાને તાંત્રિક વિદ્યામાં માહેર ગણાવીને પ્રિતેશભાઈનો સંપર્ક કર્યો હતો. અનવરે તેમને જણાવ્યું હતું કે જો તેઓ રૂપિયા 11 લાખ આપે, તો તે તાંત્રિક વિધિ દ્વારા પાણીમાં કાગળ નાંખીને 2,15,000 5 કરોડની નોટો બનાવી આપશે. જોકે, પ્રિતેશભાઈ એકસાથે મોટી રકમ આપી શકે તેમ ન હોવાથી, અનવરે તેમને તબક્કાવાર પૈસા આપવા માટે કહ્યું.
ધાર્મિક વિધિના નામે વિશ્વાસઘાત
અનવરે ધીમે ધીમે પ્રિતેશભાઈ પાસેથી પૈસા કઢાવવાનું શરૂ કર્યું. તેણે ઘરમાં નડતર હોવાનું બહાનું કાઢીને અમદાવાદની દરગાહ પર વિધિ કરી હોવાનું જણાવ્યું. આ બહાના હેઠળ અનવરે વધુ રૂપિયા 1,00,000ની માંગણી કરી. આ રીતે, વિશ્વાસમાં આવીને પ્રિતેશભાઈએ તબક્કાવાર કુલ રૂપિયા 2,15,000 અનવરને મોકલાવ્યા હતા.
છેવટે, અનવરે પ્રિતેશભાઈને એક કોથળી પધરાવી, જેમાં 80 બંડલો હોવાનું જણાવ્યું હતું. જ્યારે પ્રિતેશભાઈએ આ કોથળી ખોલીને તપાસી, ત્યારે તેમને મોટો આઘાત લાગ્યો. કોથળીમાં દરેક બંડલના ઉપરના ભાગે રૂપિયા 500ની એક-બે અસલી નોટ મૂકવામાં આવી હતી, પરંતુ બાકીની નીચેની તમામ નોટો 'મનોરંજન બેન્ક'ની નકલી નોટો નીકળી હતી. પોતાની સાથે થયેલી ઠગાઈનો અહેસાસ થતાં પ્રિતેશકુમારે તાત્કાલિક પોલીસનો સંપર્ક કર્યો અને અનવર થેબા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસે હવે આ તાંત્રિક ઠગ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.
