UpdatedIST

Valsad: રાજુ કરપડાના સમર્થનમાં મૂળીના 50થી વધુ AAP હોદ્દેદારોએ આપ્યું રાજીનામું; ખેડૂતોએ કહ્યું, "તમે જ્યાં જશો, ત્યાં અમે તમારી સાથે"

રાજુ કરપડાએ મૂળી તાલુકાના ખેડૂતો અને કાર્યકર્તાઓ સાથે બેઠક યોજી હતી, વાંચો સમગ્ર વિગત...  

By: Purvalak DabhiEdited By: Purvalak Dabhi Publish Date: Mon 16 Feb 2026 11:57 AM (IST)Updated: Mon 16 Feb 2026 11:57 AM (IST)
valsad-muli-50-aap-member-resign-in-support-of-farmer-leader-raju-karpada-693012
HIGHLIGHTS
  • રાજુ કરપડાએ મૂળી તાલુકાના ખેડૂતો સાથે બેઠક યોજી હતી
  • 50થી વધુ હોદ્દેદારોએ સ્વેચ્છાએ આપમાંથી રાજીનામું આપ્યું
  • સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતો સાથે સંમેલન યોજવાની જાહેરાત

Farmer leader Raju Karpada: ખેડૂત નેતા રાજુ કરપડાએ આમ આદમી પાર્ટીમાંથી રાજીનામુ આપ્યા બાદ પહેલી બેઠક યોજી હતી. રાજુ કરપડાએ મૂળી તાલુકાના ખેડૂતો સાથે બેઠક યોજી હતી. આ તકે મૂળી તાલુકાના ખેડૂતો અને કાર્યકર્તાઓએ રાજુ કરપડા સાથે હંમેશા રહેવાની જાહેરાત કરી હતી. વધુમાં, 50થી વધુ હોદ્દેદારોએ સ્વેચ્છાએ ગુજરાત આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું હતું.

મૂળીમાં ખેડૂતો સાથે રાજુ કરપડાની બેઠક

આમ આદમી પાર્ટીમાંથી (AAP) રાજીનામું આપ્યા બાદ ખેડૂત નેતા રાજુ કરપડાએ મૂળી તાલુકાના કાર્યકર્તાઓ અને ખેડૂતો સાથે પોતાની પ્રથમ બેઠક યોજી હતી. આ બેઠકમાં રાજકીય ગરમાવો જોવા મળ્યો હતો. રાજુ કરપડાના સમર્થનમાં 50થી વધુ હોદ્દેદારોએ પક્ષમાંથી રાજીનામું આપી દીધું હતું.

50થી વધુ હોદ્દેદારોએ 'આપ'માંથી રાજીનામું આપ્યું 

રાજુ કરપડાએ ખેડૂતો સાથે કરેલી આ બેઠકમાં મૂળી તાલુકાના 50થી વધુ હોદ્દેદારોએ સ્વેચ્છાએ આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું હતું. આ ઘટનાક્રમ બાદ રાજુ કરપડાએ દાવો કર્યો હતો કે, મૂળી તાલુકામાંથી હવે 'AAP' નો સફાયો થઈ ગયો છે.

ખેડૂતોનું પ્રચંડ સમર્થન: "સુખ અને દુઃખમાં સાથે રહીશું" 

આ બેઠકમાં ઉપસ્થિત રહેલા ખેડૂતો અને કાર્યકર્તાઓએ રાજુ કરપડા પ્રત્યે અતૂટ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. ખેડૂતોએ જણાવ્યું હતું કે, "અમે તમારી સાથે સુખમાં હતા, તો દુઃખમાં પણ સાથે જ રહીશું. અત્યાર સુધી અનેક નેતાઓ અને ધારાસભ્યો આવ્યા, પરંતુ ખેડૂતો માટે અવાજ ઉઠાવનાર રાજુભાઈ જેવું કોઈ નથી. કાર્યકર્તાઓએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે, "તમે જે પક્ષમાં લઈને જશો ત્યાં અમે તમારી સાથે છીએ".

ભવિષ્યની રણનીતિ અને ખેડૂત સંમેલન

આમ આદમી પાર્ટીમાંથી રાજીનામુ આપ્યા બાદ હવે પોતાના ભવિષ્યના રાજકીય પગલાં વિશે વાત કરતા રાજુ કરપડાએ જણાવ્યું હતું કે, "અત્યારે મેં કોઈ પણ રાજકીય પક્ષ સાથે જોડાવાનું નક્કી નથી કર્યું. હું ખેડૂતો સાથે મળીશ અને મારા ખેડૂતો જેમ મને કહેશે તેમ હું આગળના સમયમાં નિર્ણય લઈશ".

વધુમાં, રાજુ કરપડાએ જાહેરાત કરી હતી કે આગામી સમયમાં સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતો સાથે મળીને એક વિશાળ ખેડૂત સંમેલન યોજવામાં આવશે. રાજુ કરપડાએ જ્ઞાતિ-જાતિના વાડાથી ઉપર ઉઠીને "હું ખેડૂત છું, હું મજદૂર છું" તેવી ભાવના સાથે સમાજને એક કરવા પર ભાર મૂક્યો હતો.