Valsad News: ડિરેકટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સની સુરત અને વાપીની ટીમે વલસાડમાં એક મોટી સફળતા મેળવી છે. DRIએ નેશનલ હાઇવેથી થોડે દૂર, ઝાડીઓ વચ્ચે આવેલા એક બંધ કાચા મકાનમાં ગેરકાયદેસર રીતે ચાલતી સિન્થેટિક ડ્રગ્સ બનાવવાની આખી ફેક્ટરીનો પર્દાફાશ કર્યો છે.
આ રેઇડ દરમિયાન અધિકારીઓએ સાયકોટ્રોપિક પદાર્થ એવા 'અલ્પાઝોલમ' ડ્રગ્સનો મોટો જથ્થો અને તેને બનાવવા માટે ઉપયોગમાં લેવાતો કાચો માલ જપ્ત કર્યો છે. જપ્ત કરાયેલા કુલ માલની બજાર કિંમત આશરે રૂપિયા 22 કરોડ જેટલી આંકવામાં આવી છે.
આરોપીઓની ધરપકડ
DRI અધિકારીઓને મળેલી ગુપ્ત માહિતીના આધારે આ ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતું. સ્થળ પરથી નીચે મુજબનો ડ્રગ્સ અને કાચો માલ જપ્ત કરવામાં આવ્યો છે. તૈયાર અલ્પાઝોલમ ડ્રગ્સ 9.55 કિલો, અર્ધ-તૈયાર માલ 104.15 કિલો અને ડ્રગ્સ બનાવવાનો કાચો માલ 431 કિલો. કાચા માલમાં મુખ્યત્વે પી નઆઇટ્-નેક્લોરોબેજીન, ફોસ્ફોરસ પેંટાસલ્ફાઈડ, ઈથાઇલ એસીટેટ અને હાઈડ્રોકલોરિક એસિડ જેવા રસાયણોનો સમાવેશ થાય છે.
આ ગેરકાયદેસર ફેક્ટરીના સંચાલન સાથે સંકળાયેલા ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. ડીઆરઆઇએ તેમને કોર્ટ સમક્ષ રજૂ કરતા કોર્ટે તેમના બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. ડીઆરઆઇ દ્વારા હવે આ રેકેટના મૂળ સુધી પહોંચવા, તેના આર્થિક સ્રોત અને ડ્રગ્સના વિતરણ નેટવર્ક વિશે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. ગુજરાતમાં આ પ્રકારના સિન્થેટિક ડ્રગ્સના ગેરકાયદે ઉત્પાદન પર આ એક મોટી કાર્યવાહી છે.
