Gir Kesar Mango Season: સામાન્ય દિવસોમાં દિવાળી પછી નવેમ્બરના મધ્યમાં ગીર પંથકના આંબા પર મોર આવવાના શરુ થતા હોય છે. પરંતુ આ વર્ષે નવેમ્બર મહિનો પૂર્ણ થયો હોવા છતાં મોટાભાગના બગીચાઓમાં મોર જોવા મળતા નથી. જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના બાગાયત વિભાગના જણાવ્યા પ્રમાણે, હવામાન બદલાવાના કારણે અને બદલાયેલા ઋતુચક્રની સીધી અસર કેસર કેરીના ઉત્પાદન સમય પર પડી છે.
કેસર કેરીની સીઝન મોડી પડશે
જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના બાગાયત મહાવિદ્યાલયના ડીનના જણાવ્યા પ્રમાણે, આંબામાં યોગ્ય સમયે મોર માટે બે પરિબળો મહત્વના છે. જેમાં તાપમાન અને રેસ્ટિંગ પિરિયડ, ફ્લાવરિંગ માટે દિવસનું તાપમાન 25 ડિગ્રી અને રાત્રીનું 15 ડિગ્રી આસપાસ હોવું જોઈએ, જે હાલમાં જોવા મળતું નથી. બીજું, સામાન્ય રીતે ઓગસ્ટમાં વરસાદ વિદાય લે પછી અઢી મહિના ઝાડને આરામ મળે છે. પરંતુ આ વર્ષે ઓક્ટોબર-નવેમ્બરમાં પણ વરસાદ થતા આ સાયકલ તૂટી છે. પરિણામે ફ્લાવરિંગ લેટ છે. એક તરફ ફ્લાવરિંગનો અભાવ છે ત્યાં મેંદરડા તાલુકાના માલણકા ગામના ખેડૂતની વાડીમાં આંબાઓ પર નાની કેરીઓ લટકી રહી છે.
