Gir Somanth: ગીર સોમનાથ જિલ્લાના ઉના શહેરમાં એક કરુણ ઘટના સામે આવી છે. જેમાં અહીંના લાઈબ્રેરી રોડ પર એક દુકાનની દિવાલ ધરાશાયી થતાં કામ કરી રહેલા બે શ્રમિકો કાટમાળ હેઠળ દટાઈને મોતને ભેટ્યા છે.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, ઉનાના લાઈબ્રેરી રોડ પર એક દુકાનમાં કડિયા કામ ચાલી રહ્યું હતુ. આ દરમિયાન બપોરના સમયે અચાનક દુકાનની દીવાલ ધરાશાયી થઈ ગઈ હતી.
આ પણ વાંચો
આ સમયે ત્યાં ચણતર કામ કરી રહેલા બે મજૂરો પર દીવાલનો કાટમાળ પડ્યો હતો. બીજી તરફ આ બનાવને પગલે આસપાસના લોકો તાત્કાલિક દોડી આવ્યા હતા અને કાટમાળ હટાવ્યો હતો.
લોકોએ કાટમાળ હેઠલ દટાયેલા બન્ને યુવકોને બહાર કાઢ્યા હતા. જો કે ગંભીર ઈજાના કારણે બન્નેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતુ. પ્રાથમિક તપાસમાં બન્ને મૃતકોની ઓળખ ઈરફાન હાજી મન્સૂરી અને મુસ્તાક અબ્દુલ કરીમ તરીકે થઈ છે. હાલ તો પોલીસે અકસ્માતે મોતના કાગળ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
