Gir Lion Video: ગીરમાં સિંહની પજવણીનો વીડિયો વાયરલ કરનાર 8 શખ્સો વન વિભાગના સકંજામાં, ટેક્નિકલ સર્વેલન્સથી ઝડપાયા

ગીરમાં સિંહની પજવણી અને પ્રતિબંધિત વિસ્તારમાં ગેરકાયદેસર પ્રવેશના વાયરલ વીડિયો મામલે વન વિભાગે કડક કાર્યવાહી કરી છે. ટેકનિકલ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી 8 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જેઓ વેરાવળ અને પ્રભાસ પાટણના રહેવાસી છે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Tue, 14 Jul 2026 07:56 PM (IST)Updated: Tue, 14 Jul 2026 07:56 PM (IST)
gir-somnath-news-8-held-for-lion-harassing-video-goes-viral

Gir Somnath: તાજેતરમાં સોશિયલ મીડિયા ખાસ કરીને ઇન્સ્ટાગ્રામ પર સિંહની પજવણી કરતા અને ગીરના પ્રતિબંધિત વન વિસ્તારમાં ગેરકાયદેસર રીતે પ્રવેશ કરતા વીડિયો મોટા પ્રમાણમાં વાયરલ થયા હતા. આ ગંભીર બાબતે ગીર (પૂર્વ) વન વિભાગે લાલ આંખ કરી છે અને હ્યુમન તથા ટેકનિકલ ઇન્ટેલિજન્સની મદદથી 8 આરોપીઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

જસાધાર રેન્જ ફોરેસ્ટ ઓફિસર દ્વારા જણાવ્યા મુજબ, ગીર (પૂર્વ) વન વિભાગના નાયબ વન સંરક્ષક વિકાસ યાદવ અને મદદનીશ વન સંરક્ષક કપિલ ભાટીયાના માર્ગદર્શન હેઠળ જસાધાર રેન્જના અધિકારીઓ દ્વારા છેલ્લા 15 થી 20 દિવસથી સઘન તપાસ ચાલી રહી હતી.

આ તપાસ દરમિયાન વેરાવળ શહેરની સ્થાનિક પોલીસનો સાથ મેળવીને કુલ 8 વ્યક્તિઓની અટકાયત કરવામાં આવી છે. પકડાયેલા આ તમામ આરોપીઓ વેરાવળ અને પ્રભાસ પાટણ વિસ્તારના રહેવાસી હોવાનું સામે આવ્યું છે.

 

પકડાયેલ આરોપીઓની ઓળખ પંજા મોહમદ અમીનભાઈ, મહમદજાબીલ અબુલ કાલાવાણીયા, કાજી ફારૂકનાઝહુસૈન ઝાકીરહુસૈન, બ્લોચ અયાઝ અનવર, કાલવત ઝેનુલ આબેદીનમહમદ, ભાદરકા સોફિયાન ઈકબાલભાઈ, સબીરહુસૈન ઈસા મોહમદ ભાદરકા અને ભાદરકા સોહિલ સુલેમાન તરીકે થઈ છે. આ તમામ આરોપીઓ વિરુદ્ધ વન્યજીવ સંરક્ષણ સંબંધિત કાયદાની જોગવાઈઓ મુજબ સખત કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

આ ઘટનાને પગલે ગીર (પૂર્વ) વન વિભાગે લોકોને અપીલ કરી છે કે, સોશિયલ મીડિયા પર સિંહ કે અન્ય વન્યપ્રાણીઓને હેરાન કરતા હોય અથવા પ્રતિબંધિત વિસ્તારમાં ગેરકાયદેસર પ્રવેશ કરતા હોય તેવા કોઈ પણ વિડીયોને પ્રોત્સાહન ન આપવું, લાઈક કે શેર ન કરવું.

જો આવી પ્રવૃત્તિ ધ્યાને આવે તો તાત્કાલિક નજીકના વન વિભાગને જાણ કરવી જેથી જવાબદારો સામે પગલાં લઈ શકાય. ગીરના અમૂલ્ય વન્યજીવ વારસાનું રક્ષણ એ સૌની સામૂહિક જવાબદારી છે.