પાલતુ પશુઓના શિકાર પર નભે છે સિંહ, માન્યતા પડી ખોટી; નવા સંશોધનમાં થયો મોટો ખુલાસો, જાણો

ગુજરાતના દરિયાકાંઠે વસતા એશિયાટિક સિંહોના શિકારમાં પાલતુ પશુના હિસ્સા અંગે થયેલા સંશોધનમાં અલગ જ વિગતો સામે આવી છે.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Sat, 18 Jul 2026 11:19 AM (IST)Updated: Sat, 18 Jul 2026 11:19 AM (IST)
gujarat-coastal-lions-prey-study-asiatic-lion-hunt-nilgai-wild-boar-gir-forest
દરિયાકાંઠાના વિસ્તારોમાં રહેતા સિંહ

Gujarat Lions Prey Research: સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે, દરિયાકાંઠાના વિસ્તારોમાં રહેતા સિંહો પાલતું પશુઓનો શિકાર કરવા ગીર વન્યજીવ અભયારણ્યની બહાર નીકળે છે. પરંતુ, આંતરરાષ્ટ્રીય જર્નલ 'Conservation' માં પ્રકાશિત થયેલા એક નવા સંશોધને આ માન્યતાને સંપૂર્ણ ખોટી સાબિત કરી છે. નવા અભ્યાસ મુજબ, ગુજરાતના દરિયાકાંઠે વસતા એશિયાટિક સિંહો પાલતુ પશુઓ કરતા નીલગાય અને જંગલી ભૂંડ જેવા વન્ય જીવોના શિકાર પર વધુ નિર્ભર છે.

શું કહે છે નવા સંશોધનના તારણો?

આંતરરાષ્ટ્રીય પીઅર-રિવ્યુડ જર્નલ કન્ઝર્વેશનમાં પ્રકાશિત થયેલા "ડાયેટરી પેટર્ન ઓફ એશિયાટિક લાયન્સ ઈન ધ કોસ્ટલ ઇકોસિસ્ટમ ઓફ સૌરાષ્ટ્ર, ગુજરાત, ઈન્ડિયા" શીર્ષક ધરાવતો આ અભ્યાસ મોહન રામ, આરાધના સાહુ, નિત્યાનંદ શ્રીવાસ્તવ અને અન્ય નિષ્ણાતો દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે. 

આ અભ્યાસમાં માર્ચ અને એપ્રિલ 2024 દરમિયાન જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર અને પોરબંદરના દરિયાકાંઠાનાવિસ્તારોમાંથી એકત્રિત કરાયેલા સિંહોના મળના 160 નમૂનાનું (scat samples) વિશ્લેષણ કરવામાં આવ્યું હતું.

naidunia_image

સિંહોના શિકારમાં વન્યજીવોનો હિસ્સો

જૂનાગઢ વન વર્તુળના વન સંરક્ષક અને અભ્યાસના સહ-લેખક મોહન રામના જણાવ્યા અનુસાર, દરિયાકાંઠાના સિંહો દ્વારા કરવામાં આવતા કુલ શિકારમાંથી લગભગ 70 ટકા હિસ્સો વન્યજીવોનો હોય છે. આ શિકારમાં નીલગાયનો હિસ્સો સૌથી વધુ 51% છે, જ્યારે જંગલી ભૂંડ બીજા ક્રમે આવે છે. પાલતુ પશુઓનો હિસ્સો માત્ર 31 ટકા જેટલો જ જોવા મળ્યો.

ખેડૂતના સાચા મિત્રસિંહ, કેવી રીતે?

ગીર જંગલની બહાર સૌરાષ્ટ્રના દરિયાકાંઠે અંદાજે 100 જેટલા સિંહો વસવાટ કરે છે. આ સિંહો ખેતીના પાકને ભારે નુકસાન પહોંચાડતા નીલગાય અને જંગલી ભૂંડોનો શિકાર કરીને ખેડૂતોને મોટો ફાયદો કરાવી રહ્યા છે. ગુજરાતના વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાએ આ અંગે જણાવ્યું કે, સિંહો કુદરતી રીતે આ પ્રાણીઓની વસ્તી પર નિયંત્રણ રાખીને પાકનું નુકસાન ઘટાડે છે અને ખેડૂતોને મદદરૂપ થાય છે.

naidunia_image

રખડતા પશુઓ સિંહોનો સરળ શિકાર

સંશોધકો પહેલાં એવું માનતા હતા કે દરિયાકાંઠાના વિસ્તારોમાં વન્ય જીવોની અછતને કારણે સિંહો પાલતુ પશુઓ પર વધુ નિર્ભર રહેશે, પરંતુ તારણો તદ્દન વિપરીત આવ્યા છે. ખરેખર તો દરિયાકાંઠાના વિસ્તારોમાં નીલગાય અને ભૂંડની પુષ્કળ વસ્તી સિંહોને કુદરતી શિકાર પર નભવામાં મદદ કરે છે, જેથી પાલતુ પશુઓ પર દબાણ ઘટે છે. 

આ અભ્યાસમાં એ પણ નોંધવામાં આવ્યું કે સિંહો જે પાલતુ પશુઓનો શિકાર કરે છે, તેમાં મોટાભાગના રખડતા, ત્યજી દેવાયેલા, પાંકડા ઢોર કે જંગલી બનેલા હોય છે, જે સિંહો માટે સહેલા શિકાર બની રહે છે.

naidunia_image

સંરક્ષણની સફળતા અને 'પ્રોજેક્ટ લાયન'

વર્ષ 2025 ની 16 મી સિંહ વસ્તી ગણતરી મુજબ, ગુજરાતમાં હાલમાં 891 એશિયાટિક સિંહો છે, જે ગુજરાતની વન્યજીવ સંરક્ષણની નીતિને સફળ સાબિત કરે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરાયેલ 'પ્રોજેક્ટ લાયન' અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળના સતત પ્રયાસોના આ હકારાત્મક પરિણામો છે.

દરિયાકાંઠાની ઈકોસિસ્ટમ હવે દક્ષિણ-પશ્ચિમ દરિયાઈ પટ્ટી, દક્ષિણ-પૂર્વ દરિયાઈ પટ્ટી અને ભાવનગરની દરિયાઈ પટ્ટી એમ સિંહોની ત્રણ મહત્વની સેટેલાઈટ વસ્તીને આશરો આપે છે. માનવ વસ્તી વચ્ચે રહેતા હોવા છતાં સિંહો કુદરતી શિકાર પર નિર્ભર રહ્યા છે, જે ગુજરાતના આ સંરક્ષણ મોડેલને વિશ્વભરમાં વન્યજીવોના સંરક્ષણ માટે એક ઉત્તમ દાખલો બનાવે છે.