Kesar Mango in Talala Gir, 13 April 2026: ગુજરાતમાં ધીમે-ધીમે કેસર સહિતની કેરીની આવક શરૂ થઇ ગઇ છે. જોકે કેરી રસિકો સૌથી વધુ રાહ તાલાલાની કેસર કેરીની કરતા હોય છે. ત્યારે કેસર કેરી રસિકો માટે સારા સમાચાર છે. તાલાલા માર્કેટિંગ યાર્ડ દ્વારા જણાવવામાં આવ્યું છેકે, આગામી 19 એપ્રિલ 2026થી યાર્ડમાં કેસર કેરીની હરાજી શરુ કરવામાં આવશે.
આ વર્ષે કેરીમાં ઘટાડો જોવા મળી શકે
તાલાલા માર્કેટિંગ યાર્ડના ચેરમેન સંજયભાઇ શિંગાળાએ જણાવ્યું હતું કે, 19 એપ્રિલ 2026, રવિવારના રોજ ફળોનો રાજા કેસર કેરીની હરાજીનો વિધિવત પ્રારંભ તાલાળા માર્કેટિંગ યાર્ડમાં થઈ રહ્યો છે ત્યારે વેપારીઓ, દલાલોને પધારવા અનુરોધ છે. હવે વાત કરવામાં આવે કેસર કેરીની વાત કરવામાં આવે તો કેસર કેરીની આવકનો ગત સાલનો અંદાજ જે 4,49,000 બોક્સ જેવો હતો જે આ વર્ષે થોડો ઘટવાની સંભાવના છે.
આ વખતે કેરીની સિઝન લંબાઇ શકે છે
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ગત વર્ષે જે 45 દિવસ જેવી સીઝન ચાલી'તી તે આ વર્ષે થોડી વધવાની પણ સંભાવના છે. જેનું કારણ એ પણ ગણી શકાય કે કેસર કેરીનો પાક ત્રણ તબક્કામાં આવેલો છે. જેના હિસાબે કેસર કેરીની સીઝન લંબાઈ તો પણ નવાઈની વાત નહીં. ભાવની વાત કરવામાં આવે તો કેસર કેરીના ભાવ ગત વર્ષની સરખામણીમાં થોડા સારા રહેવાની પણ સંભાવના છે. કેસર કેરીનો મુખ્ય આધાર વાતાવરણ ઉપર હોય છે. વાતાવરણની અસરના કારણે કેસર કેરીના ઉત્પાદનમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. આગામી દિવસોમાં કેરીની સિઝન કેટલી લાંબી ચાલશે અને ઉત્પાદન કેવું રહેશે તેનો મુખ્ય આધાર સંપૂર્ણપણે વાતાવરણ પર નિર્ભર છે. કમોસમી વરસાદ અને આબોહવાકીય ફેરફારો કેરીના પાક માટે મુખ્ય ભૂમિકા ભજવશે.
આ પણ વાંચો
ગયા વર્ષે કેટલો રહ્યો હતો 10 કિલોના બોક્સનો ભાવ
ગયા વર્ષની વાત કરીએ તો તાલાલા માર્કેટ યાર્ડમાં વર્ષ 2025-26માં કેસર કેરીની કુલ આવક 44,945 ક્વિન્ટલ થઇ હતી. એટલે કે 10 કિલોના કેસર કેરીના બોક્સની આવક 4,49,450 રહી હતી. કેરીના ભાવની વાત કરીએ તો સરેરાશ રૂ. 5600 પ્રતિ ક્વિન્ટલ ભાવ બોલાયો હતો. જ્યારે 10 કિલોના બોક્સનો સરેરાશ ભાવ 560 રૂપિયાની આસપાસ રહ્યો હતો.
વર્ષ 2024-2025 દરમિયાન તાલાલા યાર્ડમાં કેસર કેરીની કુલ આવક 59,070 ક્વિન્ટલ નોંધાઈ હતી. જેમાં કેરીના સરેરાશ ભાવ પ્રતિ ક્વિન્ટલ રૂ. 7,000 સુધી પહોંચ્યા હતા. જો 10 કિલોના એક બોક્સના ભાવની વાત કરીએ તો, તેનો સરેરાશ ભાવ રૂ.700 રહ્યો હતો. આ આંકડા દર્શાવે છે કે પાછલા વર્ષે ઓછી આવક હોવા છતાં ખેડૂતોને તેમના પાકના ખૂબ જ સારા અને ઉંચા ભાવ પ્રાપ્ત થયા હતા.
વર્ષ 2000થી 2025 સુધીના રસપ્રદ આંકડા
| વર્ષ (Year) | કુલ આવક (ક્વિન્ટલમાં) | કુલ બોક્સની આવક (10 કિલો) | ક્વિન્ટલના સરેરાશ ભાવ (રૂ.) | 10 કિલો બોક્સના સરેરાશ ભાવ (રુ.) |
| 2000-2001 | 51,510 | 5,15,100 | 825 | 82 |
| 2001-2002 | 43,143 | 4,31,430 | 750 | 75 |
| 2002-2003 | 91,411 | 9,14,110 | 850 | 85 |
| 2003-2004 | 59,518 | 5,95,180 | 1450 | 145 |
| 2004-2005 | 1,30,000 | 13,00,000 | 1300 | 130 |
| 2005-2006 | 1,17,000 | 11,70,000 | 850 | 85 |
| 2006-2007 | 1,09,617 | 10,96,179 | 900 | 90 |
| 2007-2008 | 1,00,389 | 10,03,389 | 1400 | 140 |
| 2008-2009 | 96,142 | 9,64,125 | 1290 | 129 |
| 2009-2010 | 63,184 | 6,31,840 | 2080 | 208 |
| 2010-2011 | 1,48,702 | 14,87,025 | 1430 | 143 |
| 2011-2012 | 83,129 | 8,32,187 | 2100 | 210 |
| 2012-2013 | - | સેલ થયેલ નથી | - | - |
| 2013-2014 | 1,18,508 | 11,85,086 | 2540 | 254 |
| 2014-2015 | 94,170 | 9,41,702 | 2100 | 210 |
| 2015-2016 | 71,733 | 7,17,335 | 2400 | 240 |
| 2016-2017 | 1,06,686 | 10,66,860 | 2830 | 283 |
| 2017-2018 | 1,06,775 | 10,67,755 | 2650 | 265 |
| 2018-2019 | 83,084 | 8,30,340 | 3100 | 310 |
| 2019-2020 | 77,539 | 7,75,395 | 3450 | 345 |
| 2020-2021 | 68,793 | 6,87,931 | 3750 | 375 |
| 2021-2022 | 58,559 | 5,85,595 | 3550 | 355 |
| 2022-2023 | 50,532 | 5,03,321 | 7400 | 740 |
| 2023-2024 | 1,11,354 | 11,13,540 | 7250 | 725 |
| 2024-2025 | 59,070 | 5,90,700 | 7000 | 700 |
| 2025-2026 | 44,945 | 4,49,450 | 5600 | 560 |
