Gir Somnath: ભારતની અડગ આસ્થા, સાહસ અને સ્વાભિમાનનું પ્રતિક એવા પ્રથમ જ્યોતિર્લિંગના આંગણે મહાશિવરાત્રિની પૂર્વ સંધ્યાએ કલા અને સંસ્કૃતિના દ્વારા આરાધનાના અલૌકિક ‘સોમનાથ મહોત્સવ’ને ખૂલ્લો મૂકતાં પહેલા ઢળતી સાંજે ત્રિવેણી સંગમ ઘાટ ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ મંજૂલાબહેન મૂછાર, સાંસદ રાજેશભાઈ ચુડાસમા સહિત મહાનુભાવોએ ‘સંગમ આરતી’ કરી હતી.

હિરણ, કપિલા અને સરસ્વતી નદીનું જ્યાં પવિત્ર મિલન થાય છે, તેવા અરબી સમુદ્રના ત્રિવેણી સંગમ સ્થળ પર સાંસદ સહિતના મહાનુભાવોએ આદ્યાત્મિક અને દિવ્ય માહોલમાં ‘સંગમ આરતી’ કરી હતી. સોમપુરા તીર્થ પુરોહિતોની વેદની ઋચાઓના ગાન સાથે ત્રિવેણી ઘાટ પરનો માહોલ સંપૂર્ણ રીતે આધ્યાત્મિકતાના રંગે રંગાયો હતો.
આ સંગમ આરતીમાં ધારાસભ્ય ભગવાન બારડ, વેરાવળ-પાટણ સંયુક્ત નગરપાલિકા પ્રમુખ પલ્લવી જાની, ગુજરાત ટૂરીઝમ મેનેજિંગ ડિરેક્ટર પ્રભવ જોશી, પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના ચેરમેન રમેશ મેરજા, જિલ્લા કલેક્ટર એન.વી.ઉપાધ્યાય, જિલ્લા પોલીસ વડા જયદિપસિંહ જાડેજા, ઝવેરીભાઇ ઠકરાર સહિતના અગ્રણીઓ, સાધુ-સંતો અને શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

