Mahashivratri 2026 Somnath: મહાશિવરાત્રિના પર્વના અનુસંધાને સોમનાથમાં તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. ભક્તિ, ભોજન અને ભજનના આ ત્રિવેણી સંગમમાં ડૂબકી લગાવવા આવતા શ્રદ્ધાળુઓ માટે સોમનાથ ટ્રસ્ટના સંકલનમાં રહી અને વહીવટી તંત્રની તમામ તૈયારીઓ પૂર્ણતાના આરે છે. આ પર્વમાં ભાવિકોને સોમનાથના આંગણે ઓરિસ્સાથી પધારેલા સેન્ડ આર્ટિસ્ટની કલાકૃતિઓ પણ માણવા મળશે.
એક શિલ્પમાં શિવ પરિવાર, બીજા શિલ્પમાં શિવ તાંડવ દર્શાવાશે
કલાકૃતિઓ અંગે સેન્ડ આર્ટિસ્ટ નારાયણ સાહૂએ જણાવ્યું હતું કે, અમે ખૂબ જ ખુશ છીએ કે અમને મહાશિવરાત્રિના આ પર્વ પર સોમનાથ આવવાનું સદનસીબ પ્રાપ્ત થયું છે. અહીં અમને ત્રણ સ્કલ્પચર આર્ટ બનાવવાની તક મળી છે. એક શિલ્પમાં ભગવાન શિવ, માતા પાર્વતી, ગણેશજી અને કાર્તિકેય સ્વામીની મૂર્તિઓ કંડારવામાં આવી છે. બીજા શિલ્પમાં ભવ્ય સોમનાથ મંદિરની આબેહૂબ પ્રતિકૃતિ રેતીમાંથી તૈયાર કરવામાં આવી રહી છે. ત્રીજી કૃતિમાં ભગવાન શિવનું રૌદ્ર સ્વરૂપ એટલે કે 'શિવ તાંડવ' દર્શાવવામાં આવશે.

એક શિલ્પ તૈયાર કરવામાં 24 કલાક જેટલો સમય
છેલ્લા 20 વર્ષથી રેત શિલ્પકળા સાથે જોડાયેલા મુખ્ય કલાકાર નારાયણ સાહુએ જણાવ્યું હતું કે, તેઓ અને તેમના બે સાથી કલાકારો સુબલ મહારાણા અને જીતેન્દ્ર મહારાણા ખાસ ઓરિસ્સાથી અહીં આવ્યા છે. આ ત્રણેય કલાકારો મળીને ત્રણ દિવસના સમયગાળામાં ત્રણ ભવ્ય શિલ્પોનું નિર્માણ કરી રહ્યા છે. કલાકારોએ દિવસ-રાત સતત કામ કરીને એક શિલ્પ તૈયાર કરવામાં 24 કલાક જેટલો સમય ફાળવ્યો છે, જ્યારે નાની કૃતિઓ તૈયાર કરવામાં 12 કલાકનો સમય લાગે છે.
આ પણ વાંચો
60 ટન રેતી અને 2થી 3 હજાર લિટર પાણીનો ઉપયોગ
તેમણે આ કલાકૃતિઓ તૈયાર કરવામાં ભારે જહેમત અને ચોકસાઈની જરૂર પડે છે. નારાયણ સાહુના જણાવ્યા અનુસાર, આ પ્રોજેક્ટ માટે અંદાજે 60 ટન રેતી અને 2થી 3 હજાર લિટર પાણીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. રેત શિલ્પ બનાવવામાં સૌથી મોટો પડકાર રેતી અને પાણીનું સંતુલન જાળવવાનો હોય છે. વિશેષ વાત એ છે કે આમાં કોઈપણ પ્રકારના રસાયણો (કેમિકલ) કે અન્ય કૃત્રિમ સામગ્રીનો ઉપયોગ કરવામાં આવતો નથી, તે માત્ર કુદરતી રેતી અને પાણીથી જ આકાર પામે છે.

કલેક્ટરે મહાશિવરાત્રી પૂર્વે સ્થળ-સમીક્ષા અને તૈયારીઓનું નિરીક્ષણ કર્યું
દ્વાદશ જ્યોતિર્લિંગમાંના પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથમાં મહાશિવરાત્રી પૂર્વે ભક્તોનો અવિરત પ્રવાહ વધી રહ્યો છે. ત્યારે, જિલ્લા કલેકટર એન.વી. ઉપાધ્યાયે મંદિર પરિસરમાં યોજાનાર સાંસ્કૃતિક કાર્યક્રમ, ત્રિવેણી અને હેલિપેડ સહિત આસપાસના સ્થળોની મુલાકાત લઈ અને વ્યવસ્થાઓ અંગે સમીક્ષા કરી હતી.કલેક્ટરે 14 અને 15 ફેબ્રુઆરી દરમિયાન યોજાનાર ભક્તિસભર સાંસ્કૃતિક કાર્યક્રમોની બેઠક વ્યવસ્થા, મહાશિવરાત્રી નિમિત્તે શ્રદ્ધાળુઓ પ્રસાદ લઈ શકે એ માટે ભંડારાની વ્યવસ્થા તેમજ યાત્રાળુઓ સરળતાથી દર્શન કરી શકે તે માટેની વ્યવસ્થાઓ અને ફ્રિસ્કિંગ પોઈન્ટ સહિતની સુરક્ષા વ્યવસ્થા મુદ્દે તૈયારીઓનું નિરીક્ષણ કરી શીર્ષ અધિકારીઓને માર્ગદર્શિત કર્યા હતાં.
કલેક્ટરે જણાવ્યું હતું કે, મહાશિવરાત્રીના પર્વના અનુસંધાને 14 અને 15ના રોજ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં14ના રોજ સુપ્રસિદ્ધ ગાયક કલાકાર કૈલાશ ખેર, પાર્થ ઓઝા અને ઉર્વશીબેન રાદડિયા અને 15ના રોજ ગુજરાતના ખ્યાતનામ કલાકાર જીગરદાન ગઢવી, ઋષભ આહીર, રુજુ જાદવ અને યશ બારોટ શિવ મહિમા સહિતની સંગીત પ્રસ્તુતિઓ રજૂ કરશે. આ ઉપરાંત મંદિરમાં આશરે ચાર થી પાંચ લાખ શ્રદ્ધાળુઓ દર્શન કરે એવી શક્યતાને અનુલક્ષી પોલીસ સાથે સંકલન કરી અને યાત્રાળુઓને વધારે સમય સુધી લાઈનમાં ઉભા ન રહેવું પડે એવી વ્યવસ્થા માટે ટ્રસ્ટ સાથે સંકલન કરવામાં આવ્યું છે.
