Somnath Temple Shravan Maas 2026: પવિત્ર શ્રાવણ માસ દરમિયાન પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવના દર્શનાર્થે ઉમટી પડતા લાખો શ્રદ્ધાળુઓ માટે શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા સુવિધાઓનું બહુસ્તરીય અને ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. શ્રાવણ 2026માં સોમનાથ તીર્થમાં ભક્તિભાવ સાથે પુણ્ય, પૂજા અને પ્રસાદનો અદભુત ત્રિવેણી સંગમ રચાવા જઈ રહ્યો છે.
કોઈ ભક્ત પૂજા વગર નહીં રહે!
દર વર્ષે શ્રાવણ માસમાં સોમનાથમાં ભક્તોનો ભારે ધસારો જોવા મળે છે. આ વર્ષે ભક્તોનો ઉત્સાહ એટલો અભૂતપૂર્વ છે કે શ્રાવણ શરૂ થવાના એક માસ પૂર્વે જ આખા મહિનાના તમામ દિવસો માટે પાઘ પૂજા અને છેલ્લી ધ્વજા પૂજાઓ સંપૂર્ણપણે બુક થઈ ચૂક્યા છે. આ ઉપરાંત સેંકડોની માત્રામાં સોમેશ્વર પૂજા પણ એડવાન્સ બુક થઈ ગઈ છે.
આવી સ્થિતિમાં, સોમનાથ આવનાર સામાન્યમાં સામાન્ય ભક્ત પણ પૂજાના પુણ્યલાભથી વંચિત ન રહી જાય તેવા ઉમદા અને કલ્યાણકારી હેતુથી શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા સંપૂર્ણ માસ માટે વિશેષ 51 કુંડી મહામૃત્યુંજય મહાયજ્ઞ અનુષ્ઠાનનું આયોજન કરવામાં આવ્યું છે.
માત્ર ₹51માં મહામૃત્યુંજય યજ્ઞનો લાભ
સામાન્ય પરિવારનો માનવી પણ દેવાધિદેવની પૂજા-અર્ચના કરી શકે તે માટે ટ્રસ્ટે અત્યંત સરાહનીય નિર્ણય લીધો છે. ભક્તો વિવિધ નોંધણી કેન્દ્રો પરથી માત્ર ₹51 જેવી નજીવી કિંમતે યજ્ઞ અનુષ્ઠાનની નોંધણી કરાવી શકશે.આ યજ્ઞમાં ભક્તો પોતાના હાથે મહામૃત્યુંજય મંત્રની કુલ 51 આહુતિઓ અર્પણ કરશે.
હવન માટે જરૂરી તમામ આહુતિ દ્રવ્ય (પવિત્ર હવન સામગ્રી) શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા નોંધણી સમયે જ વિનામૂલ્યે પૂરી પાડવામાં આવશે.
જાણો બુકિંગ વ્યવસ્થા
ભક્તો મંદિરની બહાર આવેલા સ્વાગત કક્ષ, મંદિરની અંદરના ભાગે આવેલા કાઉન્ટર તેમજ ટ્રસ્ટની સત્તાવાર વેબસાઇટ somnath.org પરથી ટૂંક સમયમાં યજ્ઞના સ્લોટનું ઓનલાઈન બુકિંગ કરાવી શકશે.
9 ટાઈમ સ્લોટ અને 3 વિશાળ યજ્ઞશાળાઓ
ભક્તોને કોઈપણ પ્રકારની અગવડતા ન પડે અને દર્શન-પૂજા વ્યવસ્થિત રીતે થઈ શકે તે માટે સમય અને સ્થળનું માઇક્રો-પ્લાનિંગ કરવામાં આવ્યું છે.
| વિગત | આયોજનની રૂપરેખા |
| 9ટાઈમ સ્લોટ | સવારે ૮ થી ૯, ૯ થી ૧૦, ૧૦ થી ૧૧, ૧૧ થી ૧૨, બપોરે ૧ થી ૨, ૨ થી ૩, ૩ થી ૪, ૪ થી ૫, અને સાંજે ૫ થી ૬. |
| ૩ વિશાળ યજ્ઞશાળાઓ | (૧) દક્ષિણ દ્વાર નજીક, (૨) બાણસ્તંભ નજીક, અને (૩) શો પેવેલિયન પાસે ભવ્ય યજ્ઞશાળાઓ ઊભી કરાશે. |
| પરંપરાગત પરિવેશ | યજ્ઞમાં બેસવા માટે ધોતીનો પરંપરાગત પોશાક અનિવાર્ય છે. ભક્તો માટે ટ્રસ્ટ દ્વારા વિશેષ 'ધોતી કાઉન્ટર' શરૂ કરાયા છે. |
સોમનાથ એટલે મહામૃત્યુંજયની અમોઘ ભૂમિ
પૌરાણિક કથાઓ અનુસાર, સોમનાથ એ મહામૃત્યુંજય મંત્રની સિદ્ધ ભૂમિ છે. આ જ પવિત્ર ધરતી પર ચંદ્રદેવે પ્રજાપતિ દક્ષના શ્રાપમાંથી મુક્તિ મેળવવા માટે મહામૃત્યુંજય મંત્રના કરોડો જાપ કર્યા હતા, જેનાથી પ્રસન્ન થઈને શિવજીએ તેમને ક્ષય રોગમાંથી મુક્તિ આપીને પોતાના મસ્તક પર સ્થાન આપ્યું હતું.
શ્રી સોમનાથ ટ્રસ્ટ તમામ શિવભક્તોને હૃદયપૂર્વક આહવાન કરે છે કે, શ્રાવણ માસના પવિત્ર દિવસોમાં ધોતીનો પરંપરાગત પરિવેશ ધારણ કરી, સોમનાથ મહાદેવના સાનિધ્યમાં મહામૃત્યુંજય મંત્રોના નાદ સાથે સ્વાહાની આહુતિ આપીને ધન્યતા અનુભવે.
