Gir Somnath News: તાલાલા તાલુકાના જાવંત્રી ગીર ગામે એક આદિવાસી પરિવારના ઘર પર શુક્રવારની રાત્રે કેટલાક શખ્સોએ હુમલો કર્યો હતો. કોર્ટના હુકમ મુજબ પરિવારને સોંપેલ ખેતીની જમીન પરત લેવા આઠ શખ્સોએ દેશી બંદૂક, પેટ્રોલ ભરેલી કાચની બોટલ લઈ હુમલો કરી ઘરને આગ લગાવી હતી. આ બનાવથી આખા ગામમાં ભયનો માહોલ ઉભો થયો હતો.
આદિવાસી પરિવારની જમીન પર કબજો
આંકોલવાડી ગીર પોલીસ સ્ટેશન ખાતે કાસમભાઈ રમઝાનભાઈ બાદરાણીએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. પોલીસ ફરિયાદમાં જણાવ્યા અનુસાર, જાવંત્રી ગીર ગામના બસીરભાઈ જીવાભાઈ બાદરાણીની લીમધ્રા ગીર સીમ વિસ્તારમાં સર્વે નંબર 114 ની ખેતીની 54 વીઘા જમીન આવેલી છે. વર્ષો પહેલા આ જમીન જમાલભાઈ ચકુરભાઈ મોરીના પરિવારે ભાગીયું રાખ્યા બાદ જમીન પર કબજો જમાવી લીધો હતો.
કોર્ટે મૂળ માલિકને જમીન સોંપવા કર્યો હુકમ
આથી જમીન પરત લેવા મૂળ માલિકે કોર્ટમાં દાવો દાખલ કર્યો હતો. જેમાં ગત 23 ડિસેમ્બર, 2023 ના રોજ જમીન પરનો કબજો ખાલી કરી મૂળ ખાતેદાર માલિકને પરત સોંપવા કોર્ટે હુકમ કર્યો હતો. જેના અંતર્ગત 19 ડિસેમ્બર, 2026 ના રોજ જમીનનો કબજો મૂળ ખેડૂતને સોંપ્યો હતો. ત્યારબાદ જાવંત્રી ગામના લીમશ્રા સીમ વિસ્તારમાં આવેલ આ જમીનના મકાનમાં પરિવાર રહેવા જતો રહ્યો હતો.
આઠ લોકોના ટોળાએ કર્યો જીવલેણ હુમલો
જોકે, ગત 20 ફેબ્રુઆરી, શુક્રવારના રોજ મોડી રાત્રે 10 વાગ્યાના અરસામાં આઠ લોકોનું ટોળું વાડી પર આવી ચડયું હતું. આ શખ્સોએ દેશી જામગરી બંદૂકમાંથી ફાયરિંગ કરી જમીન ખાલી કરી બધા જતા રહો નહીં તો જીવતા સળગાવી દેવાની ધમકી આપી હતી. જે બાદ કાચના સીસામાં રાખેલ પેટ્રોલમાંથી કાકડી બનાવી મકાન ઉપર ફેંકી આગ લગાવી દીધી હતી.
ઘરમાં આગ લાગતા પરિવારમાં નાસભાગ મચી હતી. બીજી તરફ અવાજ સાંભળી ગામના સરપંચ અલ્તાફભાઈ બ્લોચ તથા અન્ય લોકો સ્થળ પર દોડી આવ્યા હતા. સરપંચે આ બનાવ અંગે વેરાવળ ફાયર બ્રિગેડને જાણ કરી હતી. બીજી તરફ 108 બોલાવી ઈજાગ્રસ્ત તમામ લોકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યા હતા.
આ પણ વાંચો: કોડીનારના આદપોકાર ગામમાં કૂંડમાં ખાબકેલી દીકરીઓને બચાવવા જતાં માતા પણ ડૂબી; ત્રણેયના મોત
માતા-પુત્ર સહિત ત્રણ વ્યક્તિ ઈજાગ્રસ્ત
આ બનાવમાં 75 વર્ષીય હુસેનાબેન અબ્દુલભાઈ બાદરાણી ગંભીર ઇજા થતાં વેરાવળથી વધુ સારવાર માટે જૂનાગઢ રીફર કર્યા છે. જ્યારે 29 વર્ષીય રેહાનાબેન ઉમરભાઈ બાદરાણી તથા તેમના 7 વર્ષીય પુત્ર તાહિદ ઉકાભાઈ ચોટિયારાને સારવાર માટે વેરાવળ હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. આગમાં અસરગ્રસ્ત પરિવારની ઘરવખરી બળી જતાં નાશ પામી છે.
પાંચ આરોપીઓને પોલીસે રાઉન્ડ અપ કર્યા
આ બનાવ અંગે પોલીસે કાસમભાઈ બાદરાણીની ફરિયાદના આધારે મમદ હુસેન કાસમભાઈ મોરી, રફીક કાસમભાઈ મોરી, અકરમ કાસમભાઈ મોરી તથા અન્ય ચારથી પાંચ અજાણ્યા શખ્સો સામે ગુનો દાખલ કર્યો છે. આ ટોળાં પૈકી પાંચ આરોપીઓને પોલીસે રાઉન્ડ અપ કરી તપાસ શરૂ કરી છે. આ કેસમાં આંકોલવાડી મહિલા PSI દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. વધુમાં, FSL ટીમે પણ બનાવના સ્થળેથી સેમ્પલ એકત્ર કર્યા છે.
