Gir Somnath: SIR કામગીરીના દબાણથી ત્રસ્ત કોડીનારના શિક્ષકનો આપઘાત; સ્યૂસાઇડ નોટમાં લખ્યું, સતત થાક અને માનસિક તણાવ અનુભવું છું

મૃતક શિક્ષકે પત્નીને સંબોધીને લખેલી આ અંતિમ ચિઠ્ઠીમાં ભારે હૃદય સાથે પોતાની વ્યથા રજૂ કરતા લખ્યું હતું કે, પ્રિય પત્ની સંગીતા મારાથી કોઈ પણ કાળે હવે આ SIR કામ થઈ શકે તેમ નથી.

By: Rakesh ShuklaEdited By: Rakesh Shukla Publish Date: Fri 21 Nov 2025 01:04 PM (IST)Updated: Fri 21 Nov 2025 01:04 PM (IST)
teacher-working-as-a-blo-dies-by-suicide-in-kodinar-gir-somnath-641999

Gir Somnath Teacher Suicide: મતદાર યાદી સુધારણા (SIR) કામગીરીના અસહ્ય ભારણ અને માનસિક તણાવથી કંટાળીને કોડીનાર તાલુકાના એક પ્રાથમિક શાળાના શિક્ષકે આપઘાત કરી લીધાની ચકચારભરી ઘટના સામે આવી છે. મૃતક શિક્ષક બૂથ લેવલ ઓફિસર તરીકે પણ ફરજ બજાવતા હતા. તેમની પાસેથી મળેલી સુસાઇડ નોટમાં તેમણે છેલ્લા કેટલાક દિવસોથી સતત થાક અને માનસિક તણાવ અનુભવતા હોવાનો અને કામગીરીનું દબાણ હવે સહન ન થતું હોવાનો ઉલ્લેખ કર્યો છે.

શિક્ષકે સ્યૂસાઇડ નોટમાં શું લખ્યું હતું?

મૃતક શિક્ષકે પત્ની સંગીતાને સંબોધીને લખેલી આ અંતિમ ચિઠ્ઠીમાં ભારે હૃદય સાથે પોતાની વ્યથા રજૂ કરતા લખ્યું હતું કે, પ્રિય પત્ની સંગીતા મારાથી કોઈ પણ કાળે હવે આ SIR કામ થઈ શકે એમ નથી અને હું છેલ્લા ઘણા દિવસોથી સતત થાક અને માનસિક તણાવ અનુભવું છું. તું તારું અને આપણા દિકરાનું ધ્યાન રાખજે. હું તમને બંનેને ખુબજ ચાહું છું. પણ હવે હું ખુબજ મજબુર બની ગયો છું અને મારી પાસ આ અંતિમ પગલું ભરવા સિવાય કોઈ રસ્તો નથી. મારો આ થેલો અહીં પડ્યો છે તેમાં બધું જ કાગળનું સાહિત્ય છે. તે સ્કુલે આપી દેજે.

શિક્ષક સંગઠનોમાં ઉગ્ર વિરોધ

આ ઘટનાના પગલે સમગ્ર રાજ્યના શિક્ષક આલમમાં શોક અને રોષની લાગણી ફેલાઈ ગઈ છે. શિક્ષક સંગઠનોએ SIR કામગીરીમાં શિક્ષકો પર અસહ્ય દબાણ લાવવા બદલ સરકારી તંત્રની આકરી ટીકા કરી છે અને જવાબદાર અધિકારીઓ સામે કડક કાર્યવાહીની માંગ કરી છે. સંગઠનોનું કહેવું છે કે ચૂંટણીલક્ષી બિન-શૈક્ષણિક કામગીરીના ભારણથી શિક્ષકો સતત તણાવ હેઠળ જીવી રહ્યા છે, જેના કારણે આવા દુઃખદ બનાવો બની રહ્યા છે.

જવાબદારો સામે કાર્યવાહીની માગ

અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ, ગુજરાત પ્રાંતના પ્રચાર અધ્યક્ષ રાકેશકુમાર ઠાકરે જણાવ્યું હતું કે, અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત પ્રાંતના પ્રચાર અધ્યક્ષ રાકેશકુમાર ઠાકરે ચૂંટણી પ્રક્રિયામાં કામગીરીના દબાણને કારણે ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકામાં શિક્ષકે આત્મહત્યા કરી હોવાની ઘટનાને વખોડી કાઢી છે. મહાસંઘે આ બાબતે સરકારનું ધ્યાન દોર્યું હતું અને 15મી તારીખે આવેદનપત્ર પણ આપ્યું હતું.

તેમણે જણાવ્યું હતું કે, ખેડા જિલ્લામાં પણ એક શિક્ષકના મૃત્યુનો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં પરિવારે દબાણના આક્ષેપો કર્યા છે. મહાસંઘ આ ઘટનાઓને માનસિક સંતુલન ગુમાવવા અને શિક્ષકોને હતાશ કરવાના પરિણામ તરીકે જુએ છે. તેઓએ આત્મહત્યા માટે દુષ્પ્રેરણા આપનાર અધિકારીઓને તાત્કાલિક જેલમાં ધકેલવાની માંગ કરી છે અને સરકારને શિક્ષક સમાજ સાથે હોવાનો સંદેશ આપવા જણાવ્યું છે.

સત્વરે આ દબાણને દૂર કરવાનો પ્રયત્ન કરે

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, શિક્ષકો પરનું દબાણ દૂર કરવા અને આ ઘટના માટે જવાબદાર અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવાની પણ માંગ કરવામાં આવી છે. મહાસંઘ આ મુદ્દે બેઠક કરીને સરકાર સામે લડી લેવાના મૂડમાં છે અને તાત્કાલિક શિક્ષકો પરનું દબાણ હટાવવાની માંગ કરે છે. ગુજરાતની તમામ વિધાનસભાના તમામ ચૂંટણી અધિકારીને બે હાથ જોડીને વિનંતી છે કે સત્વરે સત્વરે આ દબાણને દૂર કરવાનો પ્રયત્ન કરે. અન્યથા હવે પછી કોઈપણ શિક્ષકને કોઈપણ આવી ઘટના બનશે તેવા સંજોગોમાં એ પોતે જવાબદાર રહેશે અને એના માટે જે કંઈ કાયદેસરની કાર્યવાહી થતી હશે એ સંગઠન કરશે.