UpdatedIST

Gir Somnath: કોડીનારના આદપોકાર ગામમાં કરુણાંતિકા, કૂંડમાં ખાબકેલી દીકરીઓને બચાવવા જતાં માતા પણ ડૂબી; ત્રણેયના મોત

સ્થાનિક તરવૈયાઓએ માતાને પાણીમાંથી બહાર કાઢીને ગંભીર હાલતમાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડી, જ્યાં ટૂંકી સારવારના અંતે માતાએ પણ દમ તોડ્યો

By: Sanket ParekhEdited By: Sanket Parekh Publish Date: Wed 18 Feb 2026 08:02 PM (IST)Updated: Wed 18 Feb 2026 08:02 PM (IST)
tragic-incident-in-gir-somnath-mother-dies-while-saving-two-daughters-from-water-tank-694534
HIGHLIGHTS
  • શિવજી મંદિર નજીક રમતા-રમતા વારાફરતી બે બહેનો ઊંડા કૂંડમાં ગરકાવ થઈ

Gir Somnath: ગીર-સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના આદપોકાર ગામમાં કરુણ ઘટના સામે આવી છે. જેમાં પાણીના કૂંડમાં પડેલી બે બાળકીઓને બચાવવા જતાં માતા પણ ડૂબી ગઈ હતી. જેમાં ત્રણેય જણાના મોત નીપજ્યા છે. આ ઘટનાના પગલે ગામમાં ગમગીની છવાઈ જવા પામી છે.

આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, આદપોકાર ગામમાં આવેલા શિવ મંદિર નજીક રિતિકા (10) અને એન્જલ (6) નામની બે બાળકીઓ રમતા-રમતા પાણીના કૂંડમાં ખાબકી હતી. આ બાબતની જાણ થતાં બાળકીઓની માતા ઈલાબેન (40) પણ બચાવવા માટે કૂંડમાં ઉતરી હતી. જેના કારણે ત્રણેય જણા ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા.

આ ઘટનાની જાણ થતાં ગ્રામજનો સહિત સ્થાનિક પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. જેમણે પાણીમાં ડૂબી ગયેલા ત્રણેય જણાને બચાવવાનો પ્રયાસ હાથ ધર્યો હતો. જો કે કૂંડમાંથી રિતિકા અને એન્જલની માત્ર લાશ જ હાથ લાગી હતી. જ્યારે માતા ઈલાબેનને ગંભીર હાલતમાં સારવાર અર્થે કોડીનારની હોસ્પિટલ ખસેડવામાં આવી હતી, જ્યાં ટૂંકી સારવારના અંતે તેનું પણ મોત નીપજ્યું હતુ.

એકસાથે માતા અને બન્ને દીકરીઓ મોતને ભેટતા પરિવારજનોના માથે આભ તૂટી પડ્યું હતુ. હાલ તો પોલીસે આ ઘટના અકસ્માત છે કે પછી આપઘાત તે જાણવા માટે પરિવારજનોની પૂછપરછ કરવા સહિત આગળની દિશામાં તપાસના ચક્રો ગતિમાન કર્યાં છે.