Veraval Inspirational Story: સામાન્ય રીતે જીવનમાં નાની એવી મુસીબત આવે તો પણ લોકો નાસીપાસ થઈ જતા હોય છે. પરંતુ જ્યારે ઘરની મુખ્ય છત્રછાયા અને આર્થિક ટેકો જ અચાનક છીનવાઈ જાય ત્યારે પરિવાર પર કેવું સંકટ આવી પડે તે અનુભવવું અત્યંત મુશ્કેલ હોય છે. આવી જ એક હૃદયસ્પર્શી અને હિંમત આપનારી કહાની ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ શહેરમાંથી સામે આવી છે.
અચાનક પિતાનું અવસાન અને આર્થિક સંકટનો પહાડ
વેરાવળના કોળીવાડા વિસ્તારમાં રહેતા ચંદુભાઈ પરમાર રોડ સાઈડની નાની કેબિનમાં સીવણકામ કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હતા. થોડા સમય પહેલાં અચાનક હૃદયરોગના હુમલા (Heart Attack)ને કારણે તેમનું અવસાન થતાં ઘર પર આર્થિક મુસીબત આવી પડી. ઘરના મોભી ગુમાવ્યા બાદ પરિવારની આર્થિક સ્થિતિ ડામાડોળ થઈ ગઈ હતી.
પંખા-લાઇટ વગરની પતરાંની કેબિનમાં દીકરીનો સશક્ત સંગ્રામ
પિતાના અવસાન બાદ ફાઈન આર્ટ્સમાં અભ્યાસ કરતી તેમની દીકરી રક્ષા પરમાર પરિવારની વાસ્તવિક 'રક્ષા' બનીને આગળ આવી. રક્ષાએ પિતા પાસેથી શીખેલી સીવણકામની કળાનો ઉપયોગ કરી પુરુષ આધિપત્ય ધરાવતા બજાર વચ્ચે કામ શરૂ કર્યું.
પંખા કે લાઇટ વગરની માત્ર 5×5 ફૂટની પતરાંની કેબિનમાં બેસીને તે કામ કરે છે. સવારે અને અડધો દિવસ સીવણકામ કર્યા બાદ બપોર પછી તે પોતાનો ફાઇન આર્ટ્સનો અભ્યાસ અને ચિત્રકામ ચાલુ રાખે છે.
"મારે મારા પરિવારને સ્થિરતા આપવી હતી"
રક્ષાના માતા ભાવનાબેન પરમારે જણાવ્યું- રક્ષા ઉંમરમાં ખૂબ નાની છે પરંતુ તેની સમજણ બહુ મોટી છે. મોજ-મજા કરવાની ઉંમરે તે ઘર માટે સીવણકામ કરીને આર્થિક રીતે ઘરને સશક્ત રાખી રહી છે.
તો એક સ્થાનિક કિશોરભાઈ વાયલુએ કહ્યું કે- સ્વ. ચંદુભાઈ તેમના દરજીકામ માટે ખૂબ જાણીતા હતા. તેમના વારસા પર બેસીને રક્ષાબહેન મોટું કામ કરી રહ્યાં છે. અમે તેમના જુસ્સાને બિરદાવવા અમારું સીવણકામ તેમની પાસે જ કરાવવાનો આગ્રહ રાખીએ છીએ.
નારી નેતૃત્વ દિવસનું સાચું અને પ્રેરણાદાયી ઉદાહરણ
રાજ્યભરમાં યોજાઈ રહેલા 'નારી વંદન ઉત્સવ' અને 'નારી નેતૃત્વ દિવસ' ની ઉજવણી વચ્ચે રક્ષા પરમારે સમાજ સામે મહિલા સશક્તિકરણનું ઉત્તમોત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. તે માત્ર આત્મનિર્ભર નથી બની રહી પરંતુ અન્ય મહિલાઓને પણ વિપરીત સંજોગો સામે લડીને આત્મનિર્ભર બનવાની પ્રેરણા આપી રહી છે.
