Strait of Hormuz Blockade: અમેરિકાએ હોર્મુઝ સ્ટ્રેટમાં ઈરાનની કરી નાકાબંધી, 8 તેલ ટેન્કરો અટકાવ્યા; તેલના ભાવમાં ભડકો

અમેરિકા દ્વારા અટકાવવામાં આવેલા જહાજોમાં ચીનની ‘શાંઘાઈ શુઆંગરુન શિપિંગ કંપની’નું ‘રિચ સ્ટારી’ ટેન્કર પણ સામેલ છે.

By: Mukesh JoshiEdited By: Mukesh Joshi Publish Date: Wed 15 Apr 2026 02:24 PM (IST)Updated: Wed 15 Apr 2026 02:24 PM (IST)
america-blocks-iran-in-strait-of-hormuz-stops-8-oil-tankers-oil-prices-surge-728403

Strait of Hormuz Blockade: વૈશ્વિક રાજકારણ અને ઉર્જા બજારમાં અત્યારે ભારે ખળભળાટ મચી ગયો છે. અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા તણાવે હવે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. યુનાઇટેડ સ્ટેટ્સે વ્યૂહાત્મક રીતે અત્યંત મહત્વપૂર્ણ ગણાતી હોર્મુઝ સ્ટ્રેટમાં ઈરાન વિરુદ્ધ નાકાબંધી (Blockade) વધુ તીવ્ર બનાવી છે. યુદ્ધવિરામની વાટાઘાટો નિષ્ફળ ગયા બાદ અમેરિકાએ લીધેલા આ આકરા પગલાને કારણે વિશ્વભરમાં ઈંધણના ભાવ આસમાને પહોંચવાની દહેશત ઉભી થઈ છે.

ડોનાલ્ડ ટ્રમ્પનો આકરો આદેશ

સપ્તાહના અંતે ઈરાન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા શાંતિ વાટાઘાટો કોઈ પણ નિષ્કર્ષ વગર તૂટી પડ્યો હતો. ત્યારબાદ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે હોર્મુઝ સ્ટ્રેટમાં સ્થિત તમામ ઈરાની બંદરોની નાકાબંધી કરવાનો સ્પષ્ટ આદેશ જારી કર્યો હતો. આ આદેશના અમલીકરણ માટે અમેરિકી સેનાએ આક્રમક વલણ અપનાવ્યું છે.

અમેરિકી સેન્ટ્રલ કમાન્ડ (CENTCOM) ના જણાવ્યા અનુસાર, નાકાબંધી શરૂ થયાના ટૂંક સમયમાં જ અમેરિકી નૌકાદળે ઈરાન સાથે જોડાયેલા આઠ તેલ ટેન્કરોને અટકાવ્યા છે. આ ટેન્કરો કાં તો ઈરાની બંદરો પર જઈ રહ્યા હતા અથવા ત્યાંથી માલ ભરીને રવાના થયા હતા. જોકે, રાહતની વાત એ રહી કે આ તમામ ટેન્કરોના ક્રૂએ અમેરિકી નેવીના આદેશનું પાલન કર્યું અને કોઈપણ બળપ્રયોગ વગર પાછા વળી ગયા હતા.

ચીની ટેન્કર પણ સકંજામાં

અમેરિકા દ્વારા અટકાવવામાં આવેલા જહાજોમાં ચીનની ‘શાંઘાઈ શુઆંગરુન શિપિંગ કંપની’નું ‘રિચ સ્ટારી’ ટેન્કર પણ સામેલ છે. નોંધનીય છે કે આ કંપની પર અમેરિકાએ પહેલાથી જ પ્રતિબંધો લાદેલા છે. આ નાકાબંધીને સંપૂર્ણ રીતે લાગુ કરવા માટે અમેરિકાએ હોર્મુઝમાં 15થી વધુ યુદ્ધ જહાજો અને હજારો સૈનિકો તૈનાત કર્યા છે, જેમાં યુએસ મરીન કોર્પ્સ અને સ્પેશિયલ ઓપરેશન ફોર્સના કમાન્ડો પણ સામેલ છે.

ઈરાનની અર્થવ્યવસ્થા પર સર્જિકલ સ્ટ્રાઈક જોવા મળી

અમેરિકાના મતે ઈરાનની અર્થતંત્રનો 90% આધાર દરિયાઈ વેપાર પર રહેલો છે. નાકાબંધી લાગુ થયાના માત્ર 36 કલાકમાં જ ઈરાનનો દરિયાઈ વેપાર લગભગ ઠપ થઈ ગયો છે. આ ઉપરાંત, અમેરિકી નૌકાદળ હોર્મુઝ સ્ટ્રેટમાં નાખવામાં આવેલી દરિયાઈ ખાણો (Sea Mines) સાફ કરવાનું કામ પણ કરી રહી છે. ઈરાન પાસે આ ટેકનોલોજીનો અભાવ હોવાથી આ માર્ગ પર શિપિંગ ટ્રાફિક સંપૂર્ણપણે અટકી પડ્યો છે.

વૈશ્વિક અર્થતંત્ર પર ખતરો

હોર્મુઝ સ્ટ્રેટ એ વિશ્વનો સૌથી મહત્વનો તેલ માર્ગ છે, જ્યાંથી દુનિયાનો ૨૦% તેલ પુરવઠો પસાર થાય છે. આ માર્ગ બંધ થવાથી આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવમાં તોતિંગ ઉછાળો આવ્યો છે. તેમજ દાયકાઓનું સૌથી ભયાનક ઉર્જા સંકટ ઊભું થવાની સંભાવના છે. પરિવહન ખર્ચ વધતા મોંઘવારીમાં મોટો વધારો થઈ શકે છે.

અમેરિકાએ સ્પષ્ટ કર્યું છે કે જ્યાં સુધી ઈરાન તેમની તમામ શરતો સ્વીકારી હોર્મુઝ સ્ટ્રેટને સુરક્ષિત રીતે ફરીથી ખોલવા માટે તૈયાર નહીં થાય, ત્યાં સુધી આ નાકાબંધી ચાલુ રહેશે.