કેનેડામાં સ્વામિનારાયણ મંદિરની દીવાલ પર ભારત વિરોધી સૂત્રો લખવાનો મામલો સામે આવ્યો છે. એટલું જ નહીં મંદિરની દીવાલોમાં પણ તોડફોડ કરવામાં આવી છે. ભારત સરકારે આનો વિરોધ કર્યો છે. આ ઘટનાની નિંદા કરતા ઓટાવામાં ભારતીય હાઈ કમિશને કેનેડાના વહીવટીતંત્રને આ બાબતની તપાસ કરવા અને આરોપીઓ સામે ઝડપી પગલાં લેવા વિનંતી કરી છે. આ કામ કઈ સંસ્થાનું છે તે અંગે કોઈ માહિતી પ્રાપ્ત થઈ નથી.
ખાલિસ્તાનના સમર્થનમાં નારા લખવામાં આવ્યા હતા
મળતી માહિતી મુજબ મંદિરની દીવાલો પર ભારત વિરુદ્ધ ખાલિસ્તાનના સમર્થનમાં નારા લખવામાં આવ્યા હતા. આ મામલો સામે આવ્યા બાદ કેનેડાના સાંસદ સોનિયા સિદ્ધુએ ટ્વીટ કરીને લખ્યું કે, ટોરોન્ટોના સ્વામિનારાયણ મંદિરમાં બનેલી ઘટનાથી હું દુઃખી છું. અમે બહુસાંસ્કૃતિક અને બહુધાર્મિક દેશમાં રહીએ છીએ જ્યાં દરેક વ્યક્તિ સુરક્ષિત અનુભવવાને પાત્ર છે. જવાબદાર લોકો સામે પગલાં લેવા જોઈએ.
ભારત સરકારે વાંધો ઉઠાવ્યો
સ્વામિનારાયણ મંદિરની દીવાલો પર ભારત વિરોધી સૂત્રો લખવાને લઈને ભારત તરફથી સખત વાંધો ઉઠાવવામાં આવ્યો છે. ભારતીય હાઈ કમિશને ટ્વીટ કર્યું, ટોરોન્ટોમાં સ્થિત સ્વામી નારાયણ મંદિરને નુકસાન પહોંચાડવાની અને ભારત વિરોધી વાતો લખવાની ઘટનાની અમે સખત નિંદા કરીએ છીએ. કેનેડિયન સત્તાવાળાઓને આ કેસમાં આરોપીઓ સામે ઝડપી અને કડક કાર્યવાહી કરવા વિનંતી કરવામાં આવે છે.
ભાજપના નેતાએ પાકિસ્તાન પર આરોપ લગાવ્યો
કેનેડાના ટોરોન્ટોમાં સ્વામિનારાયણ મંદિરમાં ભારત વિરોધી સૂત્રો લખવાના મુદ્દે ભાજપના નેતા મનજિંદર સિંહ સિરસાએ પણ પ્રતિક્રિયા આપી છે. સિરસાએ કહ્યું, હું ધાર્મિક સ્થળો પર કરવામાં આવી રહેલી આવી ઘટનાઓની સંપૂર્ણ નિંદા કરું છું. આવી ઘટનાઓ પાછળનો હેતુ દેશમાં તણાવ અને નફરત ફેલાવવાનો છે. પાકિસ્તાન આવું સતત કરી રહ્યું છે. અમેરિકા આવી બાબતોમાં કડક પગલાં લે છે પરંતુ કમનસીબે કેનેડા એવું નથી કરતું. હું કેનેડા સરકારને અપીલ કરું છું કે આ બાબતે કડક પગલાં લેવામાં આવે.
BAPSનું નિવેદન
સ્વામિનારાયણ સંસ્થાના આધ્યાત્મિક વડા પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે કહ્યું કે, કેનેડાના ટોરન્ટો શહેર ખાતે BAPS સ્વામિનારાયણ મંદિરના પ્રવેશદ્વાર પર કેટલાંક અસામાજિક તત્ત્વોએ કરેલ ભારત વિરોધી ગ્રાફિટી લખાણોથી અમે આઘાત અને શોક અનુભવીએ છીએ. વિશ્વભરમાં વ્યાપેલા અન્ય BAPS મંદિરોની જેમ જ, આ BAPS મંદિર પણ શાંતિ, સંવાદિતા, સમરસતા, સંસ્કાર, નિસ્વાર્થ જનસેવા તેમજ વૈશ્વિક હિન્દુ મૂલ્યોનું ધામ છે. આવા સંસ્કૃતિ-ધામ પર આવેલી આ વિકટ વેળાએ BAPS સર્વે હરિભક્તો અને શુભેચ્છકોને શાંતિ જાળવવા હાર્દિક અપીલ કરી છે. આવો, સૌનું ભલું થાય એ ભાવના સાથે આપણે વ્યક્તિગત રીતે અને પોતપોતાના ઘરમંદિરમાં પ્રાર્થના કરીએ કે પરમાત્મા આપણને સૌને સૌનું ભલું કરવાની અને ભલું ઇચ્છવાની વધુ શક્તિ અને પ્રેરણા આપે.
