સમગ્ર વિશ્વ હાલમાં ક્લાયમેટ ચેન્જ અને ભયાનક ગરમીનો સામનો કરી રહ્યું છે. યુરોપના દેશોમાં બળબળતા તાપમાન અને ભીષણ ગરમીના કારણે જંગલોમાં લાગેલી આગ અટકવાનું નામ નથી લઈ રહી. આ દરમિયાન ગ્રીસથી એક અત્યંત દર્દનાક અકસ્માતના સમાચાર સામે આવ્યા છે, જ્યાં જંગલની આગ બુઝાવવાના રેસ્ક્યૂ ઓપરેશન દરમિયાન બે હેલિકોપ્ટર હવામાં જ એકબીજા સાથે અથડાઈ ગયા હતા.
હવામાં જ બે હેલિકોપ્ટર વચ્ચે અથડામણ
ગ્રીસની રાજધાની એથેન્સના પશ્ચિમમાં આવેલા એટિકા વિસ્તારમાં ‘પ્સાથા’ નજીક આ હોનારત સર્જાઈ હતી. પાણી ફેંકવાના ઓપરેશન દરમિયાન એક હેલિકોપ્ટર ખૂબ જ ઓછી ઊંચાઈ પર ઊડી રહ્યું હતું. આ દરમિયાન નીચેના હેલિકોપ્ટરનો મેઈન રોટર (પંખો) ઉપરના હેલિકોપ્ટરના નીચલા ભાગ સાથે અથડાઈ ગયો હતો.
રોટર અથડાતાં જ એક હેલિકોપ્ટરમાં હવામાં જ ભીષણ આગ લાગી ગઈ હતી અને તે જમીન પર પટકાયું હતું. આ અકસ્માતમાં 2 લોકોના કરૂણ મોત નીપજ્યા છે. બીજા હેલિકોપ્ટરના ક્રૂ સભ્યોનો આબાદ બચાવ થયો છે.
100થી વધુ ઘરો ખાખ, 10,000 હેક્ટર જમીન બળીને ભસ્મીભૂત
ગ્રીસમાં તીવ્ર પવનના કારણે જંગલની આગે અત્યંત વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે.આગ પહાડી વિસ્તારો ઓળંગીને 'વેનિજા' રહેણાંક વિસ્તાર સુધી પહોંચી ગઈ છે અને નજીકની આર્મી ફાઈરિંગ રેન્જ સુધી ફેલાઈ ગઈ છે, જેના કારણે ત્યાં પડેલા દારૂગોળામાં પણ વિસ્ફોટ થવા લાગ્યા છે.અત્યાર સુધીમાં 100 થી વધુ મકાનો જળીને રાખ થઈ ગયા છે અને 10,000 હેક્ટરથી વધુ જમીન તબાહ થઈ ગઈ છે. તંત્ર માટે હાલ સૌથી મોટો પડકાર 30,000 ની વસ્તી ધરાવતા દરિયાકાંઠાના શહેર 'મેગારા' (Megara)ને ઉગારવાનો છે, જેના માટે ઈમરજન્સી ઇવેક્યુએશન (ખાલી કરાવવા) માટેના આદેશો જારી કરાયા છે.
ગ્રીસના પ્રધાનમંત્રી કિરીયાકોસ મિચોટાકિસે જણાવ્યું હતું કે- અમુક સમયે કુદરતની તાકાત અને હવામાનનો કોપ માનવીય આયોજન કરતાં પણ મોટો સાબિત થાય છે.
ડેન્યુબ નદી સુકાઈ: હંગેરીમાં 40 વર્ષમાં પહેલીવાર પરમાણુ પ્લાન્ટ બંધ
યુરોપમાં રેકોર્ડતોડ ગરમી અને દુષ્કાળના કારણે મોટી નદીઓના જળસ્તરમાં ઐતિહાસિક ઘટાડો થયો છે.
હંગેરી, સર્બિયા અને રોમાનિયામાંથી પસાર થતી પ્રસિદ્ધ ડેન્યુબ નદી (Danube River)નું પાણી સુકાઈ જતાં હંગેરીના એકમાત્ર ન્યુક્લિયર પાવર પ્લાન્ટને છેલ્લા 40 વર્ષમાં પહેલીવાર બંધ કરવાની નોબત આવી છે. હંગેરીના 100 થી વધુ શહેરો અને ગામડાઓમાં પીવાના પાણીના વપરાશ પર કડક નિયંત્રણો મૂકવામાં આવ્યા છે.
અમેરિકાના વોશિંગ્ટનમાં સ્ટેટવાઈડ ઈમરજન્સી જાહેર
બીજી તરફ, અમેરિકાના વોશિંગ્ટન રાજ્યના જંગલોમાં પણ ભીષણ આગ ફાટી નીકળી છે. આગ 80,000 હેક્ટરથી વધુ વિસ્તારમાં ફેલાઈ જતાં ગવર્નર બોબ ફર્ગ્યુસને સમગ્ર રાજ્યમાં 'સ્ટેટવાઈડ ઈમરજન્સી' જાહેર કરી દીધી છે.
આગ પર કાબૂ મેળવવા માટે અમેરિકાના 14 રાજ્યોની ટુકડીઓ ઉપરાંત ઓસ્ટ્રેલિયાથી પણ ખાસ ફાયરફાઈટર્સની ટીમ બોલાવવામાં આવી છે.
