H1B Visa Alert: યુનાઇટેડ સ્ટેટ્સમાં સ્થાનિક ફ્લાઇટ્સ અથવા પરિવહનના અન્ય માધ્યમોનો ઉપયોગ કરીને મુસાફરી કરી રહેલા બિન-નાગરિકોની અટકાયત કરવાના કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા છે. યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યુરિટી દ્વારા કરવામાં આવી રહેલી આ અચાનક ચકાસણીને પગલે ઇમિગ્રેશન વકીલોએ H-1B વિઝા ધારકો સહિત તમામ વિદેશી નાગરિકોને અત્યંત સાવધ રહેવાની અને દેશમાં પોતાની કાયદેસરની સ્થિતિ સાબિત કરતા દસ્તાવેજો હંમેશા સાથે રાખવાની કડક સલાહ આપી છે.
કયા રાજ્યોમાં નોંધાયા બનાવો?
અમેરિકન ઇમિગ્રેશન લોયર્સ એસોસિએશન (AILA) ના જણાવ્યા અનુસાર, દેશના અનેક રાજ્યોના એરપોર્ટ અને ટ્રાન્સપોર્ટ હબ પર આવી ઘટનાઓ નોંધાઈ છે. જેમાં મુખ્યત્વે કેલિફોર્નિયા, કોલોરાડો, ફ્લોરિડા, ઇલિનોઇસ, કેન્સાસ, મિશિગન, ન્યુ જર્સી, ટેક્સાસ અને વર્જિનિયા જેવા રાજ્યોનો સમાવેશ થાય છે.
ઇમિગ્રેશન એટર્નીના મતે, ઘણા ગ્રાહકો એવું માને છે કે માત્ર વર્ક પરમિટ એટલે કે રોજગાર અધિકૃતતા દસ્તાવેજ (EAD) હોવો પૂરતો છે. પરંતુ કાયદાકીય રીતે EAD કામ કરવાની પરવાનગી આપે છે, તે પોતે યુએસમાં કાનૂની રહેઠાણનો દરજ્જો (Legal Residency Status) આપતું નથી.
મુસાફરી કરતી વખતે કયા દસ્તાવેજો સાથે રાખવા?
અમેરિકામાં એક સ્થળેથી બીજા સ્થળે મુસાફરી કરતી વખતે વકીલોએ નીચે મુજબના દસ્તાવેજો પોતાની સાથે રાખવાની ભલામણ કરી છે:
- 1) માન્ય પાસપોર્ટ (Passport)
- 2) સૌથી તાજેતરનું ફોર્મ I-94 (Form I-94)
- 3) ગ્રીન કાર્ડ (જો લાગુ પડતું હોય તો)
- 4) પેન્ડિંગ ઇમિગ્રેશન અરજીઓની રસીદો (Receipt Notices)
- 5) વર્ક પરમિટ કાર્ડ (EAD Card)
- 6) વર્તમાન રોજગારનો પુરાવો (Employment Verification Letter / Pay Stubs)
ભારતીય ઇમિગ્રન્ટ્સ માટે આનો અર્થ શું છે?
અમેરિકામાં H-1B વિઝા પર કામ કરતા વ્યાવસાયિકોમાં ભારતીયોનો હિસ્સો સૌથી મોટો છે. જ્યારે કોઈ કંપની કર્મચારી માટે ગ્રીન કાર્ડની પ્રક્રિયા શરૂ કરે છે, ત્યારે કર્મચારી ફોર્મ I-485 (અડજસ્ટમેન્ટ ઓફ સ્ટેટસ) ફાઇલ કરે છે. આ સમયગાળા દરમિયાન કર્મચારી પાસે બે વિકલ્પો હોય છે: કાં તો તેઓ સમયાંતરે પોતાનો H-1B વિઝા સ્ટેટસ રિન્યૂ કરતા રહે અથવા H-1B છોડીને માત્ર પેન્ડિંગ I-485 અને EAD ના આધારે કામ કરે.
H-1B સ્ટેટસ જાળવી રાખવું શા માટે જરૂરી છે?
પ્રખ્યાત ઇમિગ્રેશન વકીલ સાયરસ ડી. મહેતા અને કરેન વોલમેનના જણાવ્યા અનુસાર, જો કદાચ ઇમિગ્રેશન વિભાગ (USCIS) દ્વારા ગ્રીન કાર્ડ અરજી ફગાવી દેવામાં આવે અને વ્યક્તિ પાસે માન્ય H-1B સ્ટેટસ ન હોય, તો તેને દેશનિકાલ (Deportation) ની કાર્યવાહીનો સામનો કરવો પડી શકે છે. પરંતુ જો H-1B સ્ટેટસ ચાલુ હોય, તો વ્યક્તિ કાયદેસર રીતે યુએસમાં રહીને કામ ચાલુ રાખી શકે છે.
વર્તમાન પરિસ્થિતિ અને તકેદારી
સદભાગ્યે, અત્યાર સુધી ભારતીય સમુદાયના સભ્યો સાથે આવી કોઈ અટકાયતની ઘટના સામે આવી નથી, કારણ કે મોટાભાગના ભારતીયો I-485 પેન્ડિંગ હોવા છતાં પોતાનું H-1B વિઝા સ્ટેટસ જાળવી રાખે છે. તેમ છતાં, વર્તમાન કડક વાતાવરણને જોતાં, જે વ્યક્તિઓનો I-94 સમાપ્ત થઈ ગયો છે અથવા જેઓ વિઝા એક્સટેન્શનની રાહ જોઈ રહ્યા છે, તેમને એરપોર્ટ નજીક જવાનું કે બિનજરૂરી મુસાફરી કરવાનું ટાળવા સલાહ આપવામાં આવી છે.
