એમેઝોન વેરહાઉસમાં હૃદયદ્રાવક ઘટના: કર્મચારીના મૃતદેહ પાસે જ સાથીદારો કામ કરતા રહ્યા; મેનેજમેન્ટ પર લાગ્યા ગંભીર આક્ષેપો

'ધ વેસ્ટર્ન એજ'ના અહેવાલ મુજબ, આ ઘટના 6 એપ્રિલ, સોમવારના રોજ બની હતી. 46 વર્ષીય કર્મચારી વેરહાઉસમાં ફરજ બજાવતી વખતે અચાનક પડી ગયો હતો.

By: Mukesh JoshiEdited By: Mukesh Joshi Publish Date: Tue 14 Apr 2026 03:21 PM (IST)Updated: Tue 14 Apr 2026 03:21 PM (IST)
heartbreaking-incident-in-amazon-warehouse-colleagues-kept-working-near-the-dead-body-of-employee-serious-allegations-against-management-727832

Amazon Employee: વિશ્વની સૌથી મોટી ઈ-કોમર્સ કંપની એમેઝોન (Amazon) ફરી એકવાર તેના વેરહાઉસમાં કામ કરવાની પદ્ધતિ અને કર્મચારીઓની સુરક્ષાને લઈને વિવાદોના ઘેરાવામાં આવી છે. અમેરિકાના ઓરેગોન રાજ્યના ટ્રાઉટડેલમાં આવેલા એમેઝોનના PDX9 વિતરણ કેન્દ્રમાં એક 46 વર્ષીય કર્મચારીનું કામ દરમિયાન કરુણ મૃત્યુ થયું હતું. આ ઘટનામાં સૌથી આઘાતજનક બાબત એ છે કે, કર્મચારીના મૃત્યુ બાદ પણ લાંબા સમય સુધી વેરહાઉસમાં કામ રોકવામાં આવ્યું ન હતું અને અન્ય કર્મચારીઓ તેના મૃતદેહ પાસે જ કામ કરવા મજબૂર બન્યા હતા.

કર્મચારી એક કલાક સુધી ધ્યાન વગર પડી રહ્યો

'ધ વેસ્ટર્ન એજ'ના અહેવાલ મુજબ, આ ઘટના 6 એપ્રિલ, સોમવારના રોજ બની હતી. 46 વર્ષીય કર્મચારી વેરહાઉસમાં ફરજ બજાવતી વખતે અચાનક પડી ગયો હતો. આશ્ચર્યની વાત એ છે કે, તે એક કલાકથી વધુ સમય સુધી ત્યાં જ પડ્યો રહ્યો અને કોઈનું ધ્યાન ગયું નહીં. આ દરમિયાન, નજીકમાં કામ કરતા અન્ય કર્મચારીઓ સતત ટ્રકમાં પેકેજો લોડ કરવાનું અને છાજલીઓમાંથી વસ્તુઓ ઉપાડવાનું કામ ચાલુ રાખતા હતા.

સુપરવાઇઝરનો સંવેદનહીન જવાબ

કર્મચારીઓએ આક્ષેપ કર્યો છે કે ઘટનાની જાણ થયા પછી પણ ટોચના મેનેજરોએ તાત્કાલિક કામ બંધ કરવાનો આદેશ આપ્યો ન હતો. એક સાથી કર્મચારીએ જણાવ્યું કે જ્યારે તેમણે આ અંગે વાત કરી ત્યારે સુપરવાઇઝરે અત્યંત સંવેદનહીન રીતે કહ્યું, "બસ પાછળ ફરીને ન જોવો અને કામ ચાલુ રાખો!"

પેરામેડિક્સની ટીમ ઘટનાસ્થળે પહોંચી અને તપાસ કરી ત્યાં સુધી વેરહાઉસનો તે ભાગ ખુલ્લો જ હતો. ત્યારબાદ જ તે ચોક્કસ એરિયાને બંધ કરવામાં આવ્યો હતો. આ ઘટનાને કારણે વેરહાઉસના અન્ય કર્મચારીઓ ઊંડા આઘાતમાં છે. ઘણાએ ફરિયાદ કરી છે કે તેમને ઊંઘવામાં તકલીફ પડી રહી છે અને તેઓ તે ઇમારતમાં પાછા જવા માટે ગભરાઈ રહ્યા છે.

ભારે ગરમી અને અસુરક્ષિત સ્થિતિના આક્ષેપો

મૃત્યુનું ચોક્કસ કારણ હજુ જાણવા મળ્યું નથી, પરંતુ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ રેડિટ પર કર્મચારીઓએ અનેક ચોંકાવનારી વિગતો શેર કરી છે. પોર્ટલેન્ડ ફાયર એન્ડ રેસ્ક્યુએ આ ઘટનાને 'કાર્ડિયાક અરેસ્ટ' (હૃદય રોગનો હુમલો) તરીકે નોંધ્યું હોવાનું જાણવા મળ્યું છે. કર્મચારીઓએ દાવો કર્યો છે કે તે દિવસે વેરહાઉસની અંદર અસહ્ય ગરમી અને ભીડ હતી.

કેટલાક યુઝર્સે લખ્યું કે ઇમારતની અંદર વેન્ટિલેશનની સ્થિતિ અત્યંત ખરાબ છે. સાઉન્ડ કર્ટેન્સ લગાવ્યા બાદ હવાની અવરજવર ખોરવાઈ ગઈ છે અને હીટિંગ સિસ્ટમ બંધ ન થવાને કારણે અંદરનું તાપમાન ખૂબ વધી ગયું હતું. એક કર્મચારીએ તો ત્યાં સુધી કહ્યું કે તેણે અગાઉ પંખા કામ ન કરતા હોવાની ફરિયાદ કરી હતી, કારણ કે ગરમીને કારણે તેને ઉબકા અને ચક્કર આવતા હતા.

એમેઝોનનો સત્તાવાર પ્રતિભાવ

આ ઘટના અંગે એમેઝોનના પ્રવક્તા સેમ સ્ટીફન્સને શોક વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, "અમારી ટીમના સભ્યના અવસાનથી અમને ઊંડો આઘાત લાગ્યો છે. અમે તેમના પરિવારના સંપર્કમાં છીએ અને તેમને જરૂરી તમામ સહાય પૂરી પાડી રહ્યા છીએ. વેરહાઉસના કર્મચારીઓ માટે અમે શોક સલાહકારો (Grief Counselors) અને વધારાનો સપોર્ટ પૂરો પાડ્યો છે." જોકે, કંપનીના આ નિવેદન છતાં, કામના સ્થળે માનવીય અભિગમનો અભાવ અને 'ટાર્ગેટ' પૂરા કરવાના દબાણે એમેઝોન સામે ફરી એકવાર સવાલો ઉભા કર્યા છે.