Elon Musk Family: વિશ્વના સૌથી ધનિક લોકોમાંના એક એલોન મસ્કે તાજેતરમાં ખુલાસો કર્યો છે કે તેમના જીવનસાથી અડધા ભારતીય છે. મસ્કનું આ નિવેદન વિશ્વભરમાં ચર્ચાનો વિષય બન્યું છે. તેમના જીવનસાથી શિવોન ઝિલિસ પણ ચર્ચામાં છે.
એલોન મસ્ક ઝેરોધાના સહ-સ્થાપક નિખિલ કામતના પોડકાસ્ટ પર દેખાયા. પોડકાસ્ટ દરમિયાન મસ્કે કહ્યું- મારી પાર્ટનર શિવોન અડધી ભારતીય છે. તેને દત્તક લેવામાં આવી હતી અને કેનેડામાં તેનો ઉછેર થયો હતો.
એલોન મસ્કે તો ખુલાસો પણ કર્યો કે તેમના એક પુત્રના નામમાં શેખર શબ્દ છે. તેમણે તેનું નામ ઇન્ડો-અમેરિકન ખગોળશાસ્ત્રી સુબ્રમણ્યમ ચંદ્રશેખરના નામ પરથી રાખ્યું છે. મસ્કે કહ્યું- શિવોન અને મારા એક પુત્રના નામમાં શેખર શબ્દ છે.

શિવોન ઝિલિસ કોણ છે ?
એલોન મસ્ક અને શિવોન ઝિલિસને ચાર બાળકો છે. શિવોન ઝિલિસ મસ્કની ન્યુરોટેકનોલોજી કંપની, ન્યુરાલિંકમાં એક્ઝિક્યુટિવ છે અને બંને લાંબા સમયથી સંબંધમાં છે. જોકે બંનેના હજુ લગ્ન થયા નથી.
યેલ યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યો
શિવોન ઝિલિસનો જન્મ 1986માં કેનેડાના ઓન્ટારિયોમાં થયો હતો. તેની પાસે કેનેડિયન અને અમેરિકન બંને નાગરિકતા છે. શિવોને યેલ યુનિવર્સિટીમાંથી અર્થશાસ્ત્ર અને ફિલસૂફીનો અભ્યાસ કર્યો હતો. 2008માં સ્નાતક થયા પછી શિવોને IBMમાં પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી.
શિવોન બ્લૂમબર્ગ એલપીના વેન્ચર કેપિટલ આર્મ, બ્લૂમબર્ગ બીટામાં જોડાયા. આ સમય દરમિયાન શિવોન અનેક સ્ટાર્ટઅપ્સ પર કામ કર્યું. શિવોને મશીન ઇન્ટેલિજન્સ રોકાણમાં પણ કુશળતા મેળવી અને સ્થાપક સભ્ય બન્યાં.

ફોર્બ્સની યાદીમાં સમાવેશ
શિવોન યુનિવર્સિટી ઓફ ટોરોન્ટોમાં ક્રિએટિવ ડિસ્ટ્રક્શન લેબમાં ફેલો હતા. આ સમય દરમિયાન તેમણે ડીપ ટેક અને એઆઈ સ્ટાર્ટઅપ્સના સલાહકાર તરીકે સેવા આપી હતી. 2015માં એઆઈમાં તેમના ગ્રાઉન્ડબ્રેકિંગ કાર્ય માટે ફોર્બ્સની 30 અંડર 30 યાદીમાં તેમનું નામ સામેલ થયું હતું.
2016માં મસ્ક સાથે મુલાકાત થઈ
2016માં શિવોન ઝિલિસ ઓપન એઆઈમાં જોડાયા, જેની સહ-સ્થાપના એલોન મસ્ક દ્વારા કરવામાં આવી હતી. તે ઓપન એઆઈના ડિરેક્ટર બોર્ડના સૌથી નાના સભ્ય હતા. આ સમય દરમિયાન શિવોન એલોન મસ્કને મળ્યા. ત્યારબાદ શિવોન ન્યુરાલિંક અને ટેસ્લામાં જોડાયા.

2017માં ન્યુરાલિંકનો ભાગ બન્યાં
2017માં શિવોન મસ્કની ન્યુરોટેકનોલોજી કંપની ન્યુરાલિંકમાં જોડાયા, જે કંપની બ્રેન મશીનો બનાવવા પર કામ કરી રહી છે. તે ટૂંક સમયમાં ન્યુરાલિંકના ખાસ પ્રોજેક્ટ્સની ડિરેક્ટર બની. 2023માં તે શીલ્ડ એઆઈના બોર્ડમાં જોડાઈ જે એક સંરક્ષણ ટેકનોલોજી કંપની છે જે વિમાનમાં એઆઈને એકીકૃત કરવા પર કામ કરે છે.
