અમેરિકામાં કરી પત્નીની હત્યા, મૃતદેહ સળગાવ્યો, ભારતીય મૂળના આરોપીની ધરપકડ; જાણો સમગ્ર મામલો

આરોપીએ ગુનો છુપાવવા અને પોલીસ અને તપાસ એજન્સીઓને ગેરમાર્ગે દોરવા માટે ખોટો દાવો કર્યો હતો.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Fri, 23 Oct 2026 12:07 PM (IST)Updated: Fri, 23 Oct 2026 12:07 PM (IST)
indian-origin-man-gurvinder-gill-arrested-for-wife-jasmine-gill-murder-in-california

US Crime News: અમેરિકાના કેલિફોર્નિયામાં ભારતીય મૂળના 28 વર્ષીય યુવક ગુરવિંદરગિલની પોતાની 30 વર્ષીય પત્ની જેસ્મીન ગિલની નિર્મમ હત્યા કરવા અને મૃતદેહ સળગાવી દેવાના આરોપસર ધરપકડ કરવામાં આવી છે. આરોપીએ ગુનો છુપાવવા અને પોલીસ અને તપાસ એજન્સીઓને ગેરમાર્ગે દોરવા માટે ખોટો દાવો કર્યો કે, પત્નીનું અમેરિકન ઇમિગ્રેશન એન્ડ કસ્ટમ્સ એન્ફોર્સમેન્ટ (ICE) એજન્ટો દ્વારા અપહરણ કે અટકાયત કરવામાં આવી છે.

કેલિફોર્નિયાના સેક્રામેન્ટો સ્થિત ઘરમાં રહેતા આ દંપતી વચ્ચે છેલ્લા કેટલાક સમયથી છૂટાછેડા અને બાળકની કસ્ટડીને લઈને ગંભીર વિવાદ ચાલી રહ્યો હતો. ગુરવિંદરે શરૂઆતમાં પોલીસને જેસ્મીનને ICE દ્વારા કસ્ટડીમાં લેવાયાની માહિતી આપી, પરંતુ તપાસ અધિકારીઓએ જ્યારે ICE એજન્સીની પૂછપરછ કરી ત્યારે આ પ્રકારની કોઈ કાર્યવાહી થઈ ન હોવાનું સ્પષ્ટ થયું હતું.

આ હત્યાકાંડનો ખુલાસો સેક્રામેન્ટો કાઉન્ટી શેરીફ ઓફિસ દ્વારા હાથ ધરવામાં આવેલી સઘન તપાસ દરમિયાન થયો હતો. મૂળ ભારતની વતની જેસ્મીન ગિલ ગુમ થઈ હોવાની જાણ તેના પિતરાઈ ભાઈએ પોલીસને કરી, જેને છેલ્લીવાર 30 સપ્ટેમ્બરે સેક્રામેન્ટોના ઘરમાં જોવામાં આવી હતી. તપાસકર્તાઓને જેસ્મીનના ગુમ થવા અંગે ગુરવિંદર દ્વારા આપવામાં આવેલા નિવેદનમાં ઘણી વિસંગતતાઓ અને ભૂલો મળી આવી, જેનાથી શંકા દ્રઢ બની હતી.

આ દરમિયાન, 1 ઓક્ટોબરે એલડોરાડો કાઉન્ટીમાંથી પોલીસને સળગેલી હાલતમાં માનવ શરીરના અવશેષો મળી આવ્યા હતા, જે તપાસ બાદ જેસ્મીનના જ હોવાનું પુરવાર થયું હતું. પૂરતા પુરાવા મળ્યા બાદ પોલીસે 14 ઓક્ટોબરે આરોપી ગુરવિંદર ગિલની ધરપકડ કરી લીધી અને 16 ઓક્ટોબરે શેરીફ ઓફિસે સત્તાવાર રીતે કેસની વિગતો જાહેર કરી હતી.

જેસ્મીનના પરિવારજનોએ આ ઘટના પર શોક વ્યક્ત કરતા જણાવ્યું કે, તે એક સુંદર અને વધુ સારી જિંદગી જીવવાની હકદાર હતી. બીજી તરફ, આ કેસમાં પોતાને ખોટી રીતે ઘસડવામાં આવતા અમેરિકી એજન્સી ICE દ્વારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોસ્ટ કરીને આરોપી ગુરવિંદર ગિલની આકરા શબ્દોમાં ટીકા કરી હતી. એજન્સીએ આરોપીને માનસિક અસ્થિર ગણાવતા જણાવ્યું કે, આવા ગુનેગારોના કારણે રાત-દિવસ મહેનત કરીને અપરાધીઓને પકડતી એજન્સીની છબી ખરડાય છે.