US Immigration Rule Change: અમેરિકામાં જન્મના આધારે મળતી સ્વચાલિત નાગરિકતા (બર્થરાઈટ સિટિઝનશિપ)ના નિયમોમાં મોટા ફેરફાર કરવાની દિશામાં મહત્વનું કદમ ઉઠાવવામાં આવ્યું છે. અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે દેશમાં 'બર્થ ટૂરિઝમ' પર રોક લગાવવા અને નાગરિકતાના દાયરાને સીમિત કરવા માટે બે નવા કાર્યકારી આદેશો (Executive Orders) પર હસ્તાક્ષર કર્યા છે.
આ નવા ઓર્ડરનો મુખ્ય હેતુ એવા વિદેશી નાગરિકો પર લગામ લગાવવાનો છે, જેઓ માત્ર પોતાના બાળકને અમેરિકી નાગરિકતા અપાવવાના ઈરાદાથી પ્રવાસી વિઝા પર અમેરિકા આવે છે.
શું છે આ બે નવા એક્ઝિક્યુટિવ ઓર્ડર?
ટ્રમ્પ વહીવટીતંત્ર દ્વારા સાઈન કરવામાં આવેલા બે કડક આદેશોમાં નીચે મુજબની જોગવાઈઓ સામેલ છે-
બર્થ ટૂરિઝમ પર કડક નિયંત્રણો
પ્રથમ આદેશ હેઠળ ગર્ભવતી વિદેશી મહિલાઓ પર વિઝા નિયંત્રણો વધુ સખત બનાવવામાં આવશે. જે મહિલાઓ માત્ર બાળકને જન્મ આપવા માટે ટૂરિસ્ટ વિઝા પર અમેરિકા પ્રવેશે છે, તેમના બાળકોને હવેથી અમેરિકામાં જન્મતાની સાથે મળતી નાગરિકતા નહીં આપવામાં આવે.
અન્ય ચોક્કસ શ્રેણીઓ પર પ્રતિબંધ
બીજા આદેશ મુજબ, આતંકવાદી પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા અથવા શંકાસ્પદ બેકગ્રાઉન્ડ ધરાવતા માતા-પિતાના બાળકોને નાગરિકતાથી વંચિત રાખવામાં આવશે. આ ઉપરાંત, વિદેશી સરકારોના રાજદ્વારીઓ (Diplomats), સરકારી કર્મચારીઓ અને આંતરરાષ્ટ્રીય સંગઠનોમાં કામ કરતા અધિકારીઓના અમેરિકામાં જન્મેલા બાળકો માટે પણ બર્થરાઈટ સિટિઝનશિપનો નિયમ લાગુ પડશે નહીં.
સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ ફરી લેવાયો નિર્ણય
અગાઉ જૂન મહિનામાં અમેરિકાની સુપ્રીમ કોર્ટે બર્થરાઈટ સિટિઝનશિપને જાળવી રાખવાનો નિર્ણય આપ્યો હતો. સુપ્રીમ કોર્ટે ટ્રમ્પ તંત્રના એ પ્રયાસોને ફગાવી દીધા હતા, જેમાં અમેરિકામાં બિન-કાયદેસર કે અસ્થાયી રૂપે રહેતા લોકોના બાળકોને સ્વચાલિત નાગરિકતા આપવાનો ઇનકાર કરાયો હતો. કોર્ટે સ્પષ્ટ કહ્યું હતું કે દેશમાં હાજર કોઈપણ અસ્થાયી કે બિન-કાયદેસર નિવાસીના બાળકને બંધારણ મુજબ નાગરિકતા મેળવવાનો અધિકાર છે.
સુપ્રીમ કોર્ટના આ નિર્ણયને ટ્રમ્પે 'અત્યંત દુર્ભાગ્યપૂર્ણ' ગણાવ્યો હતો અને દાવો કર્યો હતો કે આ જોગવાઈથી દેશને મોટું નુકસાન થઈ રહ્યું છે. સુપ્રીમ કોર્ટના ઝટકા છતાં, ટ્રમ્પ વહીવટીતંત્રનું માનવું છે કે આ વખતે તૈયાર કરવામાં આવેલા બંને નવા એક્ઝિક્યુટિવ ઓર્ડર સંપૂર્ણપણે બંધારણીય દાયરામાં છે અને તેને કાનૂની પડકાર સામે ટકાવી શકાશે.
