Australia Social Media Ban: આજથી નવો કાયદો લાગુ, 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ

Australia Social Media Ban: ઓસ્ટ્રેલિયા 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકો અને કિશોરો માટે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પ્રતિબંધ મૂકનાર વિશ્વનો પ્રથમ દેશ બની ગયો છે.

By: Dharmendra ThakurEdited By: Dharmendra Thakur Publish Date: Wed 10 Dec 2025 09:43 AM (IST)Updated: Wed 10 Dec 2025 09:43 AM (IST)
social-media-ban-for-teens-in-australia-latest-updates-details-652751

Australia Social Media Ban: ઓસ્ટ્રેલિયાએ ટેકનોલોજીની દુનિયામાં એક ઐતિહાસિક અને કડક પગલું ભર્યું છે. ઓસ્ટ્રેલિયા 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકો અને કિશોરો માટે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પ્રતિબંધ મૂકનાર વિશ્વનો પ્રથમ દેશ બની ગયો છે. આ નવો કાયદો આજથી એટલે કે બુધવાર, 10 ડિસેમ્બરથી સત્તાવાર રીતે અમલમાં આવ્યો છે. આ નિર્ણયને પગલે હવે ત્યાંના કિશોરો Facebook, Instagram, YouTube અને TikTok જેવી લોકપ્રિય એપ્લિકેશન્સનો ઉપયોગ કરી શકશે નહીં.

નિયમ ભંગ બદલ કોને થશે દંડ?

સરકારના આ નવા આદેશ મુજબ, પ્રતિબંધના અમલીકરણની સંપૂર્ણ જવાબદારી સોશિયલ મીડિયા કંપનીઓના શીરે રહેશે. જો કોઈ 16 વર્ષથી ઓછી ઉંમરનું બાળક સોશિયલ મીડિયાનો ઉપયોગ કરતું પકડાશે, તો તેના માટે બાળક કે તેના માતા-પિતાને કોઈ દંડ કરવામાં આવશે નહીં, પરંતુ સંબંધિત સોશિયલ મીડિયા કંપની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

કંપનીઓને એકાઉન્ટ ડિલીટ કરવા આદેશ

ઓસ્ટ્રેલિયન સરકારે સોશિયલ મીડિયા જાયન્ટ્સને સ્પષ્ટ આદેશ આપ્યો છે કે તેઓએ સગીર વયના યૂઝર્સને એકાઉન્ટ તાત્કાલિક અસરથી ડિલીટ કરવા પડશે અને નવા એકાઉન્ટ બનતા અટકાવવા પડશે. રોઇટર્સના અહેવાલ મુજબ, ઓસ્ટ્રેલિયામાં કાર્યરત 10 સૌથી મોટા સોશિયલ મીડિયા પ્લેટફોર્મને આ સૂચના આપવામાં આવી છે.

₹296 કરોડ સુધીના દંડની જોગવાઈ

જો કોઈ સોશિયલ મીડિયા કંપની આ નવા કાયદાનું પાલન કરવામાં નિષ્ફળ જશે, તો તેને ભારે આર્થિક નુકસાન વેઠવું પડશે. કાયદા હેઠળ, નિયમ ભંગ કરનાર કંપનીને 49.5 Million Australian Dollar (ભારતીય ચલણ મુજબ આશરે ₹296 Crore) સુધીનો જંગી દંડ થઈ શકે છે.

લોકોની મિશ્ર પ્રતિક્રિયા

ઓસ્ટ્રેલિયા સરકારના આ નિર્ણયને લઈને લોકોમાં મિશ્ર પ્રતિસાદ જોવા મળી રહ્યો છે. એક તરફ મોટી ટેક કંપનીઓ અને ડિજિટલ રાઈટ્સના હિમાયતીઓ આ કાયદાની ટીકા કરી રહ્યા છે, તો બીજી તરફ મોટી સંખ્યામાં વાલીઓ સરકારના આ પગલાંને આવકારી રહ્યા છે અને તેને બાળકોના માનસિક સ્વાસ્થ્ય માટે જરૂરી ગણાવી રહ્યા છે.