UpdatedIST

GUJiPEDiA: 'મને વ્હાલી મારી ગુજરાતી..', માતૃભાષાના જતન માટે હાઈ-પ્રોફાઈલ જૉબ છોડીને 5 દીકરીઓએ શરૂં કર્યું અનોખું સ્ટાર્ટઅપ

મૂળાક્ષરની માવજત, એનિમેશન વિડિયો, વાર્તા અને બાળગીતો, ઉખાણાં અને જોક્સ તથા સોશિયલ મીડિયાના સકારાત્મક ઉપયોગ થકી આ સ્ટાર્ટઅપ જોડી રહ્યું છે બાળકોનું માતૃભાષા સાથે સંધાન

By: Sanket ParekhEdited By: Sanket Parekh Publish Date: Sat 21 Feb 2026 09:19 PM (IST)Updated: Sat 21 Feb 2026 09:19 PM (IST)
5-women-quit-high-paying-jobs-to-save-gujarati-language-the-inspiring-story-of-gujipedia-696351
HIGHLIGHTS
  • 'ગુજિપીડિયા' સ્ટાર્ટઅપ પર ગુજરાતના 50થી વધુ દિગ્ગજ સાહિત્યકારોનો અતૂટ ભરોસો

Mother Language Day, GUJiPEDiA: કહેવાય છે કે 'જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત'. જો કે આજના આધુનિક યુગમાં અને ખાસ કરીને મેટ્રો શહેરોમાં સ્થિતિ કંઈક અલગ જોવા મળી રહી છે.

દિલ્હી જેવા શહેરમાં ઉચ્ચ હોદ્દા પર નોકરી કરતા એક ગુજરાતી યુવતી ઋચા પંડયાને જ્યારે અનુભવ થયો કે, પોતાના જ લોકો માતૃભાષા બોલવામાં સંકોચ અનુભવે છે, ત્યારે તેમણે એક ક્રાંતિકારી નિર્ણય લીધો. જેના પરિણામ સ્વરૂપ જન્મ થયો એક એવા સ્ટાર્ટઅપનો જેનું નામ છે— GUJiPEDiA (ગુજિપીડિયા).

દિલ્હીની લક્ઝરી જોબ છોડી માતૃભાષાનો પક્ષ લીધો
આ સ્ટાર્ટઅપના સ્થાપક ઋચા પંડયા જ્યારે દિલ્હીમાં સારા પેકેજ સાથે નોકરી કરી રહ્યા હતા, ત્યારે તેમણે જોયું કે, ગુજરાતી પરિવારોમાં નવી પેઢી માતૃભાષાથી દૂર થઈ રહી છે. લોકો ગુજરાતી બોલવામાં શરમ અનુભવતા હતા. આ વાત તેમને હૃદયસોંસરવી ઉતરી ગઈ.

તેમણે નક્કી કર્યું કે, હવે માતૃભાષાના મૂળિયાં મજબૂત કરવા જ પડશે. જેના પરિણામે લાખોનું પેકેજ અને લક્ઝરી લાઈફ છોડીને તેમણે ‘ગુજિપીડિયા’ની શરૂઆત કરી.

5 દીકરીઓની શક્તિ અને 50થી વધુ સાહિત્યકારોનો સાથ
ગુજિપીડિયાની સૌથી મોટી વિશેષતા એ છે કે, આ સંપૂર્ણ સ્ટાર્ટઅપ 5 દીકરીઓ ઋચા પંડ્યા, આર્ચી શેઠ, રાજવી શેઠ, અંશુ શેઠ અને અનુષ્કા શેઠ દ્વારા સંચાલિત છે. આ ટીમની મહેનત અને વિઝન પર આજે ગુજરાતના 50થી વધુ દિગ્ગજ સાહિત્યકારો અતૂટ ભરોસો મૂકે છે. આ સાહિત્યકારોના માર્ગદર્શન હેઠળ ગુજરાતી ભાષાને જીવંત રાખવા અને બાળકો સુધી પહોંચાડવા માટે આ પ્લેટફોર્મ સેતુરૂપ બન્યું છે.

હસતાં-રમતાં ગુજરાતી શીખવા માટેની 12 કેટેગરી
બાળકોને ભાષા બોજ ન લાગે તે માટે ગુજિપીડિયાએ વૈજ્ઞાનિક અને મનોરંજક અભિગમ અપનાવ્યો છે. અહીં ગુજરાતી શીખવા માટે 12 અલગ-અલગ કેટેગરી આપવામાં આવી છે, જેમાં, મૂળાક્ષરની માવજત માટે અક્ષરોને ઓળખવાની નવી રીત, રંગો, પશુ-પંખી અને કુદરતની ઓળખ આપતા એનિમેશન શોર્ટ વિડિયો, સંસ્કાર અને ભાષાનો સંગમ સમાન વાર્તા અને બાળગીતો,મગજની કસરત સાથે મનોરંજન માટે ઉખાણાં અને જોક્સ તથા સોશિયલ મીડિયાનો સકારાત્મક ઉપયોગ કરીને આ સ્ટાર્ટઅપ બાળકોનું ફરી માતૃભાષા સાથે સંધાન જોડી રહ્યું છે.

આજકાલ બાળકો સોશિયલ મીડિયા પાછળ ઘણો સમય વિતાવે છે. ગુજિપીડિયાએ આ પડકારને તકમાં બદલી નાખ્યો છે. ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક જેવા માધ્યમો પર તેઓ ટૂંકા એનિમેશન દ્વારા મૂળાક્ષરો અને ગુજરાતી શબ્દો શીખવે છે, જેથી બાળક સ્ક્રીન જોતું હોય ત્યારે પણ કંઈક શ્રેષ્ઠ શીખે છે.

માત્ર શીખવવું જ નહીં, પણ બાળકોની પ્રતિભાને વિશ્વ સ્તરે ઓળખ અપાવવાનું કામ પણ ગુજિપીડિયા કરે છે. આ પ્લેટફોર્મ દ્વારા તેજસ્વી બાળકોનું નામ 'ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ્સ' માં નોમિનેટ કરાવી આપવામાં આવે છે. આ પહેલથી બાળકોમાં ગૌરવની લાગણી જન્મે છે અને તેઓ માતૃભાષા પ્રત્યે વધુ આકર્ષાય છે.

ઋચા પંડ્યાએ જણાવ્યું કે, અમારો ઉદ્દેશ્ય માત્ર ભાષા શીખવવાનો નથી, પણ દરેક ગુજરાતી બાળકના હૃદયમાં પોતાની સંસ્કૃતિ અને ભાષા માટે ગૌરવ જગાડવાનો છે.

GUJiPEDiAમાં ઉપયોગ થતો લેટર I small i એટલા માટે છે, કારણ કે એ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સેલ્ફ લર્નિંગ મિશનને રિપ્રેઝન્ટ કરે છે, એટલે કે માતા પિતાએ બાજુમાં બેસી રહીને બાળકોને શીખવાડવાની જરૂર નહીં પડે… ગુજિપીડિયાથી બાળકને જાતે શીખવાની ઇચ્છા થશે.

આ ઉપરાંત ગુજિપીડિયા માતા પિતા માટે ખાસ પેરેન્ટિંગ ટીપ્સ લઈને આવી રહ્યા છે, જેમાં આજના આધુનિક યુગના બાળક સાથે કેવી રીતે વર્તવું, તેમના બાળકમાં રહેલી કળા કેવી રીતે શોધવી જેવા અનેક વિષય પર વીડિયો રજૂ કરી તેમજ તેના માટે વિશેષ સેશન યોજવામાં આવશે. એટલે ન માત્ર બાળક, માતા પિતાને પણ GUJiPEDiA થી લાભ થશે.

તો શું તમે પણ તમારા બાળકને માતૃભાષાના રંગે રંગવા માંગો છો? જો હા, તો આજે જ ગુજિપીડિયાના સોશિયલ મીડિયા પેજની મુલાકાત લઈ આપની ભાવિ પેઢીને આપણી ભાષા અને તેના ગૌરવવંતા વારસાથી જોડીએ..