UpdatedIST

ગાંધીનગરના ખેડૂતે છાણિયા ખાતરના જોરે ખેતીમાં સર્જ્યો ચમત્કાર! નિષ્ફળતાને પછાડી મેળવ્યો મબલખ પાક

આજે ધોળાકુવા ગામના આ ખેડૂતની ખેતી જોવા માટે આસપાસના વિસ્તારના ખેડૂતો પણ આવી રહ્યા છે અને પ્રાકૃતિક ખેતી તરફ વળવા પ્રેરાઈ રહ્યા છે.

By: Mukesh JoshiEdited By: Mukesh Joshi Publish Date: Thu 19 Feb 2026 11:33 AM (IST)Updated: Thu 19 Feb 2026 11:33 AM (IST)
a-farmer-from-gandhinagar-created-a-miracle-in-agriculture-with-power-of-chhaniya-khatar-694932

Agriculture News: સામાન્ય રીતે ખેતીને આજે ઘણા લોકો 'ખોટનો સોદો' માને છે, પરંતુ ગાંધીનગરના માણસા તાલુકાના ધોળાકુવા ગામના પ્રગતિશીલ ખેડૂત સેધાજી મંગાજી ઠાકોરે આ ધારણાને ખોટી સાબિત કરી છે. રાસાયણિક ખાતરો અને મોંઘી દવાઓના ચક્રવ્યૂહમાંથી બહાર નીકળીને તેમણે માત્ર છાણિયા ખાતર (દેશી ખાતર)ના જોરે સમૃદ્ધિનો માર્ગ અપનાવ્યો છે.

નિષ્ફળતામાંથી શીખ્યો પાઠ

ગત વર્ષ સેધાજી માટે આર્થિક રીતે ખૂબ જ કપરૂં રહ્યું હતું. તેમણે ફલાવરની ખેતી કરી હતી, પરંતુ જીવાતનો અતિશય ઉપદ્રવ અને રોગોને કારણે તેમને અંદાજે રૂ. 40,000નું મોટું નુકસાન વેઠવું પડ્યું હતું. સમગ્ર પરિવારની મહેનત એળે ગઈ હતી. આ નિષ્ફળતાથી હિંમત હારવાને બદલે સેધાજીએ આત્મમંથન કર્યું અને સમજાયું કે રાસાયણિક ખેતી જમીન અને પાક બંનેને નુકસાન કરી રહી છે. આથી તેમણે આ વર્ષે ખેતીની પદ્ધતિ ધરમૂળથી બદલવાનો મક્કમ નિર્ધાર કર્યો.

દેશી ખાતરનો દમ

આ વર્ષે સેધાજીએ બજારમાં મળતા મોંઘા રાસાયણિક ખાતરોને બદલે પરંપરાગત "છાણિયા ખાતર" પર પૂરો ભરોસો મૂક્યો. આ પ્રયોગના પરિણામો અદભૂત રહ્યા:

  • જમીનની ફળદ્રુપતામાં વધારો: કુદરતી ખાતરને કારણે જમીન નરમ અને ફળદ્રુપ બની છે.
  • જીવાતનો ઓછો ઉપદ્રવ: રાસાયણિક દવાઓ વિના પણ પાક એકદમ સ્વસ્થ અને રોગમુક્ત રહ્યો છે.
  • ખર્ચમાં ઘટાડો: સેધાજીના પત્ની હંસાબેને જણાવ્યું કે કુદરતી પદ્ધતિથી ખેતી ખર્ચમાં મોટો ઘટાડો થયો છે અને સામે ઉત્પાદનની ગુણવત્તા વધી છે.

ખેતરમાં લહેરાતી સમૃદ્ધિ

હાલમાં સેધાજીના ખેતરમાં કુદરતી માવજતની મહેર જોવા મળી રહી છે. તેમના ખેતરમાં સફેદ દૂધ જેવા અને મોટા કદના ફલાવર તેમજ ગુણવત્તાયુક્ત કોબીજ અને વરિયાળીનો પાક લહેરાઈ રહ્યો છે. પાકની ગુણવત્તા એટલી શ્રેષ્ઠ છે કે બજારમાં વેપારીઓ દ્વારા આ માલની ભારે માંગ જોવા મળી રહી છે. ગત વર્ષે જે ખેતીમાં નુકસાન થયું હતું, તે જ જમીન આજે તેમને મબલખ નફો અપાવવા તૈયાર છે.

અન્ય ખેડૂતો માટે પ્રેરણારૂપ કિસ્સો

સેધાજી ઠાકોરની આ સફળતા પાછળ તેમની કોઠાસૂઝ અને સખત પરિશ્રમ રહેલો છે. તેઓ સાબિત કરી રહ્યા છે કે જો ખેતીમાં કુદરતી સંસાધનોનો યોગ્ય ઉપયોગ કરવામાં આવે, તો તે ક્યારેય ખોટનો સોદો સાબિત થતી નથી. રસાયણમુક્ત અને ગુણવત્તાયુક્ત શાકભાજી પકવીને તેમણે ગ્રાહકોના સ્વાસ્થ્ય અને પોતાની આર્થિક સ્થિતિ બંનેમાં સુધારો કર્યો છે.

"જો જમીનને પૂરતું પોષણ અને કુદરતી માવજત મળે, તો ખેતી હીરા જેવું વળતર આપે છે. રાસાયણિક દવાઓ પાકને બચાવવાને બદલે લાંબે ગાળે નુકસાન કરે છે, જ્યારે દેશી ખાતર જ સાચી સમૃદ્ધિ છે." - સેધાજી ઠાકોર