Agriculture News: વર્તમાન સમયમાં જ્યારે ખેતીમાં વધતા જતા રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાઓના ખર્ચને કારણે ખેડૂતો દેવાના ડુંગર નીચે દબાતા જાય છે, ત્યારે મહેસાણા જિલ્લાના કરલી ગામના પ્રગતિશીલ ખેડૂત રમેશભાઈ સુથારે એક નવો રાહ ચીંધ્યો છે. તેમણે રાસાયણિક ખેતીનો સંપૂર્ણ ત્યાગ કરી 'ગૌ-આધારિત પ્રાકૃતિક ખેતી' અપનાવીને સફળતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.
એક ગાય, શૂન્ય ખર્ચ અને લાખોની કમાણી
રમેશભાઈ પાસે માત્ર એક કાંકરેજી ગાય છે. આ એક જ ગાયના છાણ અને ગૌમૂત્રમાંથી તેઓ 'જીવામૃત' અને 'બીજામૃત' તૈયાર કરે છે. ખેતીમાં કોઈપણ પ્રકારના મોંઘા ખાતરો કે ઝેરી દવાઓનો ઉપયોગ કર્યા વગર તેઓ બાગાયતી પાકો અને શાકભાજીની ખેતી કરી રહ્યા છે. આ પદ્ધતિને કારણે તેમનો ખેતી ખર્ચ નહિવત થઈ ગયો છે, જ્યારે પાકની ગુણવત્તા અને સ્વાદમાં અનેકગણો વધારો થયો છે. પરિણામે, તેઓ વર્ષે 4 થી 5 લાખની માતબર આવક મેળવી રહ્યા છે.
FPO દ્વારા ખેડૂત સંગઠનનું નિર્માણ
રમેશભાઈ માત્ર પોતાની સફળતા સુધી સીમિત નથી રહ્યા. તેમણે 'ખેડૂત ઉત્પાદક સંગઠન' (FPO) ની સ્થાપના કરી છે. આ સંગઠન મારફતે તેઓ આસપાસના અન્ય ખેડૂતોને પણ પ્રાકૃતિક ખેતીના ફાયદા સમજાવી રહ્યા છે અને તેમને આ અભિયાનમાં જોડી રહ્યા છે. જમીનની ફળદ્રુપતા વધારવાની સાથે સાથે લોકોના સ્વાસ્થ્યને ઝેરમુક્ત આહાર મળી રહે તે તેમનો મુખ્ય ઉદ્દેશ્ય છે.
સરકારની સહાય અને પ્રોત્સાહન
રમેશભાઈ જણાવે છે કે, તેઓ સરકારની 'દેશી ગાય નિભાવ યોજના' હેઠળ દર મહિને ₹900ની સહાય પણ મેળવે છે. આ સહાય ગાયના નિભાવમાં મદદરૂપ થાય છે અને તેના બદલામાં ગાય દ્વારા મળતું ખાતર ખેતીને સમૃદ્ધ બનાવે છે. રમેશભાઈની આ સફળતા આજે આખા મહેસાણા જિલ્લામાં ચર્ચાનો વિષય બની છે.
રમેશભાઈ સુથાર (ખેડૂત): "રાસાયણિક ખેતીથી જમીન બંજર બની રહી હતી અને ખર્ચ વધતો જતો હતો. ગૌ-આધારિત ખેતીથી હવે જમીન જીવંત થઈ છે અને આર્થિક રીતે પણ અમે મજબૂત બન્યા છીએ. દરેક ખેડૂતે ઓછામાં ઓછી એક ગાય રાખીને પ્રાકૃતિક ખેતી તરફ વળવું જોઈએ."
