Success Story: "આપણા કામને શોખ બનાવીને ધગશથી કરીએ તો બધું જ શક્ય છે, આત્મનિર્ભર બનવા માટે કોઈ કામ નાનું નથી." આ શબ્દો છે દાહોદ જિલ્લાના લીમડી તાલુકાના મીરાખેડી ગામના પ્રગતિશીલ પશુપાલક અમિતભાઈ ડાંગીના. માત્ર 12 પાસ હોવા છતાં, આજે તેઓ પશુપાલન ક્ષેત્રે એક સફળ ઉદ્યોગસાહસિક તરીકે ઉભરી આવ્યા છે.
8 ભેંસોથી શરૂ થયેલી સફર 48 પશુઓ સુધી પહોંચી
અમિતભાઈની સફર વર્ષ 2015માં માત્ર 7-8 ભેંસોથી શરૂ થઈ હતી. તે સમયે તેઓ ખેતીની સાથે પશુપાલનની તમામ જવાબદારી એકલે હાથે સંભાળતા હતા અને દિવસનું માંડ 70 લીટર દૂધ મેળવતા હતા. પરંતુ, હિંમત હાર્યા વગર તેમણે વૈજ્ઞાનિક અભિગમ અપનાવ્યો. આજે તેમની પાસે 40 ગાયો અને 8 ભેંસોનું પશુધન છે.
આર્થિક સફળતા અને આધુનિક તબેલો
હાલમાં અમિતભાઈ દરરોજ ડેરીમાં 300 લીટર દૂધ ભરે છે. પશુઓના ઘાસચારા અને અન્ય ખર્ચ બાદ કરતાં તેમને દર મહિને 1.50 લાખ રૂપિયાનો ચોખ્ખો નફો મળે છે. પશુઓની માવજત માટે તેમણે 120 ફૂટ લાંબો અને 40 ફૂટ પહોળો આધુનિક તબેલો બનાવ્યો છે, જેમાં, ઓટોમેટિક પાણીની સિસ્ટમ સેટ કરેલી છે. પશુઓને જરૂરી ગરમાવો મળી રહે તે માટે ખાસ શીટની વ્યવસ્થા છે. યોગ્ય લાઈટ અને દાણ-પાણીની સુવિધા ઉપલબ્ધ છે.
રોજગારી અને સામાજિક જવાબદારી
અમિતભાઈ માત્ર પોતે જ આત્મનિર્ભર નથી બન્યા, પરંતુ તેમણે ગામના અન્ય બે વ્યક્તિઓને દર મહિને 16,000 રૂપિયાના પગાર સાથે રોજગારી પણ આપી છે. આ ઉપરાંત, સરકારની પશુપાલન યોજનાઓનો લાભ પોતે લેવાની સાથે ગામના અન્ય ૫ પશુપાલકોને પણ ગાયો મેળવવામાં મદદ કરી તેમને આર્થિક રીતે સદ્ધર કર્યા છે.
વૈવિધ્યસભર પશુધન
તેમના તબેલામાં દેશી અને વિદેશી જાતનું શ્રેષ્ઠ મિશ્રણ જોવા મળે છે:
- 1 ગીર ગાય અને 5 શાહીવાલ ગાય.
- 30થી વધુ એચ.એફ. શંકર (HF Cross) ગાયો.
- 8 મહેસાણી ભેંસો.
અમિતભાઈ ડાંગીની આ સફળતા સાબિત કરે છે કે જો યુવાનો ખેતી અને પશુપાલનને ગૌરવપૂર્ણ વ્યવસાય તરીકે સ્વીકારે, તો ગ્રામીણ સ્તરે પણ લાખોની કમાણી કરી આત્મનિર્ભર બની શકાય છે. તેમની આ મહેનત આજે સમગ્ર દાહોદ જિલ્લાના પશુપાલકો માટે દીવાદાંડી સમાન બની છે.
