How to Vote Without Voter ID: ભારત એક લોકશાહી દેશ છે અને મતદાન એ દરેક નાગરિકનો સૌથી મોટો અધિકાર છે. વર્ષ 2026 માં આસામ, કેરળ અને પુડુચેરી જેવા રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાઈ રહી છે ત્યારે ઘણા લોકોના મનમાં એક મૂંઝવણ હોય છે: "જો મારી પાસે ચૂંટણી કાર્ડ નથી, તો શું હું વોટ આપી શકીશ?" આ પ્રશ્નનો જવાબ છે હા, ચોક્કસ! ચૂંટણી પંચના નિયમો મુજબ, જો તમારું નામ મતદાર યાદીમાં હોય, તો ફક્ત ચૂંટણી કાર્ડના અભાવે તમને મતદાન કરતા રોકી શકાય નહીં.
સૌથી મહત્વની શરત: મતદાર યાદીમાં નામ
તમારી પાસે ચૂંટણી કાર્ડ હોય કે ન હોય, સૌથી પહેલી અને અનિવાર્ય શરત એ છે કે તમારું નામ 'મતદાર યાદી' (Electoral Roll) માં હોવું જોઈએ. જો તમારું નામ યાદીમાં છે, તો તમે નીચે જણાવેલા વૈકલ્પિક દસ્તાવેજો બતાવીને વોટ આપી શકો છો; જો તમારું નામ યાદીમાં નથી, તો તમારી પાસે અસલી ચૂંટણી કાર્ડ હોવા છતાં પણ તમે મતદાન કરી શકશો નહીં.
ચૂંટણી કાર્ડ ન હોય તો કયા દસ્તાવેજો ચાલશે?
જો તમારું ચૂંટણી કાર્ડ ખોવાઈ ગયું છે, ફાટી ગયું છે અથવા હજુ સુધી તમને મળ્યું નથી, તો ચિંતા કરવાની જરૂર નથી. ભારત સરકાર દ્વારા માન્ય નીચેનામાંથી કોઈ પણ એક દસ્તાવેજ બતાવીને તમે તમારી ઓળખ સાબિત કરી શકો છો:
- આધાર કાર્ડ: ઓળખ માટેનો આ સૌથી સામાન્ય અને માન્ય દસ્તાવેજ છે.
- પાસપોર્ટ: જો તમારી પાસે પાસપોર્ટ હોય, તો તે પણ ફોટો આઈડી તરીકે માન્ય છે.
- ડ્રાઇવિંગ લાઇસન્સ: વાહન ચલાવવાનું લાયસન્સ પણ મતદાન મથકે ઓળખ તરીકે સ્વીકાર્ય છે.
- પાન કાર્ડ (PAN Card): આવકવેરા વિભાગ દ્વારા જારી કરાયેલ કાર્ડ.
- બેંક અથવા પોસ્ટ ઓફિસ પાસબુક: જેમાં તમારો ફોટોગ્રાફ સ્પષ્ટ દેખાતો હોય.
- સરકારી કર્મચારી આઈડી કાર્ડ: કેન્દ્ર કે રાજ્ય સરકાર દ્વારા જારી કરાયેલા ફોટોગ્રાફવાળા સર્વિસ કાર્ડ.
- NPR સ્માર્ટ કાર્ડ: રાષ્ટ્રીય વસ્તી રજિસ્ટર અંતર્ગત જારી કરાયેલ કાર્ડ.
- મનરેગા (MGNREGA) જોબ કાર્ડ: ગ્રામીણ વિસ્તારોમાં શ્રમિકોને મળતું જોબ કાર્ડ.
- આરોગ્ય વીમા સ્માર્ટ કાર્ડ: શ્રમ મંત્રાલયની યોજના હેઠળ જારી કરાયેલ કાર્ડ.
- પેન્શન ડોક્યુમેન્ટ: ફોટોગ્રાફ સાથેના પેન્શનના કાગળો.
- સાંસદ/ધારાસભ્યના ઓળખપત્રો: જનપ્રતિનિધિઓને આપવામાં આવેલા સત્તાવાર કાર્ડ.
તમારે શું કરવું જોઈએ?
નામ ચેક કરો: ચૂંટણી પંચની વેબસાઇટ પર જઈને ખાતરી કરો કે તમારું નામ મતદાર યાદીમાં છે.
દસ્તાવેજ તૈયાર રાખો: જો તમારી પાસે ચૂંટણી કાર્ડ નથી, તો ઉપર જણાવેલા લિસ્ટમાંથી કોઈ પણ એક ઓરિજિનલ ડોક્યુમેન્ટ સાથે રાખો.
નિશ્ચિંત થઈ મતદાન કરો: તમારા મતદાન મથકે જઈને તમારા મનપસંદ ઉમેદવારને મત આપો.
ચૂંટણી કાર્ડ એ માત્ર એક ઓળખનું સાધન છે. જો તમારી પાસે તે ન હોય પણ તમારું નામ યાદીમાં નોંધાયેલું હોય, તો તમે અન્ય સરકારી દસ્તાવેજોના આધારે ચોક્કસપણે મતદાન કરી શકો છો.
