UpdatedIST

પશુ પાલન, મત્સ્ય ઉદ્યોગ અને પ્રાકૃતિક ખેતીઃ ત્રણ આયામો થકી અઢળક આવક રળતા વાઘોડિયાના પ્રગતિશીલ ખેડૂતની પ્રેરણાદાયી સફળતા

ખેડૂતોની આવક બમણી થાય તે માટે પ્રતિબદ્ધ સરકાર સામે ત્રણ ઘણી આવક મેળવનારા ખેડૂતનો પ્રેરણાદાયી દાખલો

By: Sanket ParekhEdited By: Sanket Parekh Publish Date: Sun 22 Feb 2026 06:00 PM (IST)Updated: Sun 22 Feb 2026 06:00 PM (IST)
vadodara-farmer-success-story-triple-income-model-natural-farming-dairy-and-fishery-696708
HIGHLIGHTS
  • ગુલાબપુરા ગામના લક્ષ્મણભાઈ ગોવર્ધનભાઈ જાદવની ત્રણ સ્ત્રોતથી ત્રણ ઘણી આવક
  • પશુપાલનથી મળતું ખાતર પ્રાકૃતિક ખેતીમાં ઉપયોગી બને છે

Vadodara Farmer Success Story: ખેડૂતોની આવક બમણી થાય તે માટે મથામણ કરતી સરકારને પ્રેરણા આપે એવો કિસ્સો વડોદરા જિલ્લામાં જોવા મળે છે, જ્યાં એક પ્રગતિશીલ ખેડૂત બમણી નહીં પરંતુ ત્રણ ઘણી આવક મેળવી યુવા ખેડૂતોને પ્રોત્સાહિત કરી રહ્યા છે.

વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકાના ગુલાબપુરા ગામના પ્રગતિશીલ ખેડૂત લક્ષ્મણભાઈ ગોવર્ધનભાઈ જાદવ છેલ્લા 10 વર્ષથી પોતાની 10 વીઘા જમીનમાં ખેતીના ત્રણ આયામો અપનાવી અઢળક આવક મેળવી રહ્યા છે અને યુવા ખેડૂતો માટે પ્રેરણારૂપ બન્યા છે. તેમણે સુચારૂ આયોજન અને સંકલિત ખેતી પદ્ધતિ દ્વારા સાબિત કર્યું છે કે યોગ્ય સંચાલન થકી ખેડૂત બમણી નહીં પરંતુ ત્રણ ઘણી આવક મેળવી શકે છે.

ખેડૂત લક્ષ્મણભાઈ પાસે 6 પશુધન છે, જેના આધાર પર તેઓ 7 વીઘા જમીનમાં પ્રાકૃતિક ખેતી કરે છે. પ્રાકૃતિક ઘાસચારાના ઉપયોગથી તેઓ દુધ ઉત્પાદનમાંથી સારી આવક મેળવે છે. સાથે સાથે 3 વીઘામાં મત્સ્યઉત્પાદન માટે તળાવ બનાવ્યું છે, જે સમયાંતરે આવકનું મહત્વપૂર્ણ સાધન બન્યું છે. આમ એક ખેડૂતે ત્રણ આયામો દ્વારા આવકના ત્રણ મજબૂત સ્ત્રોત ઉભા કર્યા છે.

લક્ષ્મણભાઈની આ ત્રિમુખી ખેતી પદ્ધતિ જેમાં પશુપાલન, મત્સ્યઉદ્યોગ અને પ્રાકૃતિક ખેતી ખેડૂતોની આવક વધારવાના સરકારના અભિગમ માટે એક ઉત્તમ મોડેલ સાબિત થાય છે. તેમની સફળતા આસપાસના ગામોના ખેડૂતો તેમજ સમગ્ર રાજ્યના ખેડૂતો માટે પ્રેરણાસ્ત્રોત બની રહી છે. ખેતીમાં વિવિધતા, પશુપાલન, દુધ ઉત્પાદન અને મત્સ્યપાલનથી વધતી આવક ખેડૂતોને આકર્ષી રહી છે.

તેઓ છેલ્લા ૩ વર્ષથી પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે. જેમાં ડાંગર, ઘઉં, મકાઈ, કપાસ, તુવેર, રાય, જુવાર અને ઘાસચારો ઉગાડે છે. પોતાના અનુભવ અંગે તેઓ જણાવે છે કે પ્રાકૃતિક ખેતીથી પાકમાં કુદરતી મીઠાશ આવે છે. જમીન અને પાકની ગુણવત્તામાં વધારો થવાથી ગ્રાહકોની માંગ વધે છે. રસાયણમુક્ત અનાજના સેવનથી રોગોથી દૂર રહેવામાં મદદ મળે છે અને જમીન પણ સ્વસ્થ રહે છે.

પ્રાકૃતિક ખેતીમાં ઉગાડેલા રસાયણમુક્ત ઘાસચારાથી પશુઓ સ્વસ્થ રહે છે અને દૂધ ઉત્પાદનમા દેખીતો ફરક જોવા મળે છે. તેમની પાસે 2 ગાય અને 4 ભેંસ છે. સરકાર તરફથી દેશી ગાય આધારિત સંપૂર્ણ પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને ગાયના નિભાવ ખર્ચમાં સહાયની યોજનાનો પણ તેમણે લાભ મેળવ્યો છે.

જેના પરિણામે દૂધ ઉત્પાદન સારું થાય છે અને આવકમાં વધારો થયો છે. આ ઉપરાંત તેઓ મત્સ્ય ઉત્પાદન પણ કરે છે, જેના કારણે દર 3 થી 6 મહિને નિયમિત આવક થાય છે. આ રીતે ઘરઆંગણે જ આવકનું એક વધારાનું સાધન ઉભું થયું છે.

ખેતીમાં નવી વિચારસરણી અને વિવિધતા અપનાવવાથી જોખમ ઘટે છે અને આવકના અનેક સ્ત્રોત ઊભા થાય છે. પશુપાલનથી મળતું ખાતર પ્રાકૃતિક ખેતીમાં ઉપયોગી બને છે. પ્રાકૃતિક ખેતી થકી સ્વસ્થ અનાજ અને સ્વસ્થ ઘાસચારો પ્રાપ્ત થાય છે, જેના કારણે પશુઓ પણ તંદુરસ્ત રહે છે. પ્રાકૃતિક ખેતી અને તળાવનું સંકલન ખેડૂતને આત્મનિર્ભર બનાવે છે.

સરકારની વિવિધ યોજનાઓનો યોગ્ય લાભ લેવાથી ખેડૂતો આર્થિક રીતે વધુ મજબૂત બની શકે છે, ત્યારે વડોદરા જિલ્લાના ખેડૂત લક્ષ્મણભાઈની જેમ પરંપરાગત ખેતી સાથે નવી પદ્ધતિઓ અને નવા આવકના સ્ત્રોત ઉભા કરવું આજના સમયની આવશ્યકતા બની ગઈ છે.