UpdatedIST

Sweet Ghughra: હોળી પર મોંમાં ઓગળી જાય તેવા ખસ્તા અને મીઠા ઘુઘરા બનાવવાની પરફેક્ટ રીત!

પરંપરાગત ગુજરાતી મીઠા ઘુઘરા બનાવવાની પરફેક્ટ રેસીપી. રવો, ડ્રાયફ્રૂટ્સ અને કોપરાના પુરણ સાથે ક્રિસ્પી ઘુઘરા બનાવવાની સરળ રીત અહીં સ્ટેપ-બાય-સ્ટેપ જુઓ.

By: Dimpal GhoyalEdited By: Dimpal Ghoyal Publish Date: Sat 21 Feb 2026 09:09 AM (IST)Updated: Sat 21 Feb 2026 09:09 AM (IST)
make-perfect-sweet-ghughra-recipe-for-holi-2026-696016

Sweet Ghughra Recipe: ખુશબૂદાર એલચી અને ડ્રાયફ્રૂટ્સના ભરપૂર પુરણ સાથે, મોંમાં ઓગળી જાય તેવા આ પરંપરાગત મીઠા ઘુઘરા દરેક તહેવારની શાન વધારે છે. બહારથી એકદમ ક્રિસ્પી અને અંદરથી મીઠાશથી લથપથ આ ઘુઘરા માત્ર મીઠાઈ નથી, પણ ગુજરાતી મહેમાનગતિનો અનોખો સ્વાદ છે. ચાલો ઘુઘરા બનાવવાની સરળ રીત અહીં સ્ટેપ-બાય-સ્ટેપ જાણીએ.

મીઠા ઘુઘરા બનાવવાની સામગ્રી

પડ (Cover) માટે:

  • મેંદો: 2 કપ
  • મોણ માટે ઘી: 3-4 મોટી ચમચી (ગરમ કરેલું)
  • મીઠું: ચપટી (સ્વાદ વધારવા)
  • પાણી: લોટ બાંધવા માટે

પુરણ (સ્ટફિંગ) માટે

  • ઝીણો રવો (સોજી): 1 કપ
  • દળેલી ખાંડ: 1 કપ (સ્વાદ મુજબ વધુ-ઓછી કરી શકાય)
  • સૂકું કોપરું (છીણેલું): ½ કપ
  • મિક્સ ડ્રાયફ્રૂટ્સ: ¼ કપ (કાજુ, બદામ, પિસ્તાના ટુકડા)
  • ઈલાયચી પાવડર: 1 ચમચી
  • ઘી: 2 મોટી ચમચી (રવો શેકવા માટે)
  • તળવા માટે: તેલ અથવા ઘી

બનાવવાની રીત

સ્ટેપ 1: લોટ બાંધવાની રીત

  • એક મોટા વાસણમાં મેંદો લો, તેમાં ચપટી મીઠું અને ગરમ ઘીનું મોણ નાખો.
  • ઘીને લોટમાં બરાબર મિક્સ કરો. લોટને મુઠ્ઠીમાં પકડતા તે પિંડ જેવો બને તેટલું મોણ હોવું જોઈએ.
  • હવે થોડું થોડું પાણી નાખીને કડક લોટ બાંધી લો.
  • લોટને ભીના કપડાથી ઢાંકીને 20-30 મિનિટ માટે રહેવા દો.

સ્ટેપ 2: પુરણ તૈયાર કરવાની રીત

  • એક પેનમાં 2 ચમચી ઘી ગરમ કરો અને તેમાં રવો નાખો.
  • રવાને ધીમી આંચ પર હલકો ગુલાબી અને સુગંધિત થાય ત્યાં સુધી શેકો.
  • રવો શેકાઈ જાય એટલે તેને એક વાસણમાં કાઢી લો. તેમાં છીણેલું કોપરું, ડ્રાયફ્રૂટ્સ અને ઈલાયચી પાવડર મિક્સ કરો.
  • મિશ્રણ થોડું ઠંડું થાય એટલે તેમાં દળેલી ખાંડ ઉમેરો. (ગરમ રવામાં ખાંડ ન નાખવી, નહીંતર પાણી છૂટશે).

સ્ટેપ 3: ઘુઘરા વણવા અને ભરવા

  • બાંધેલા લોટને ફરી એકવાર મસળી લો અને તેના નાના લુઆ (ગોળા) બનાવો.
  • એક લુઆને પૂરી જેવો વણી લો.
  • પૂરીની વચ્ચે 1 થી 1.5 ચમચી જેટલું પુરણ મૂકો.
  • પૂરીની કિનારી પર સહેજ પાણી લગાવો અને તેને અડધેથી વાળીને બંધ કરી દો.
  • કિનારીને આંગળીથી દબાવીને સીલ કરો. તમે કાંટા ચમચી (Fork) થી ડિઝાઇન પાડી શકો છો અથવા હાથેથી પલટાવીને સરસ કંગરી (ઘાટ) આપી શકો છો.

સ્ટેપ 4: તળવાની રીત

  • એક કડાઈમાં તેલ અથવા ઘી ગરમ કરો.
  • તેલ મધ્યમ ગરમ થાય એટલે તેમાં 3-4 ઘુઘરા નાખો.
  • ધીમી આંચ પર બંને બાજુ ગોલ્ડન બ્રાઉન અને ક્રિસ્પી થાય ત્યાં સુધી તળો.

ખાસ ટિપ્સ

ક્રિસ્પી પડ: જો તમારે ઘુઘરા એકદમ પડવાળા અને કડક કરવા હોય, તો લોટ બાંધતી વખતે 1-2 ચમચી ઝીણો રવો મેંદામાં ઉમેરી શકાય.
સ્ટોરેજ: આ ઘુઘરા સંપૂર્ણ ઠંડા થાય પછી જ એર-ટાઈટ ડબ્બામાં ભરો. તે 15-20 દિવસ સુધી સારા રહે છે.