Samosa Recipe: બજાર જેવા સમોસા ઘરે નથી બનતા, અજમાવો આ રીત

સાંજનો સમય હોય અને ગરમા ગરમ સમોસાની વાત આવે તો કોને ન ભાવે. બાળકોથી લઈ તમામની પ્રિય વાનગી એટલે સમોસા. આજે બજાર જેવા ટેસ્ટ સમોસા ઘરે કેવી રીતે બનાવા તેની રેસિપી ગુજરાતી જાગરણ તમને અહીં જણાવશે. તો ચાલો બનાવીએ સમોસા.

By: Hariom SharmaEdited By:Hariom SharmaPublish Date: Mon, 29 Jun 2026 07:19 PM (IST)Updated: Mon, 29 Jun 2026 07:19 PM (IST)
samosa-recipe-in-gujarati

Samosa Recipe: સાંજનો સમય હોય અને ગરમા ગરમ સમોસાની વાત આવે તો કોને ન ભાવે. બાળકોથી લઈ તમામની પ્રિય વાનગી એટલે સમોસા. આજે બજાર જેવા ટેસ્ટ સમોસા ઘરે કેવી રીતે બનાવા તેની રેસિપી ગુજરાતી જાગરણ તમને અહીં જણાવશે. તો ચાલો બનાવીએ સમોસા.

સમોસા માટે જરૂરી સામગ્રી:

લોટ માટે:

મેંદો: 2 કપ
અજમો: અડધી ચમચી
મીઠું: 1 ચમચી
તેલ: 5 ચમચી, મોણ માટે
પાણી: જરૂર મુજબ

મસાલા માટે:

તેલ: વઘાર માટે
હિંગ: સ્વાદ મુજબ
જીરું: 1 ચમચી
વરિયાળી: 1 ચમચી
આખા ધાણા: 1 ચમચી
લસણ: 6-7 કળી (ઝીણું સમારેલું)
આદુ: 1 ઇંચનો ટુકડો (ઝીણો સમારેલો)
મીઠો લીમડો: 10-12 પાન
લીલા મરચાં: 5-6 નંગ (જાડા સમારેલા)
બટાકા: 4 નંગ (બાફેલા)
ડુંગળી: 1 મોટી (મોટી અને જાડી સમારેલી)
મસાલા: અડધી ચમચી હળદર, 1 ચમચી લાલ મરચું, 1 ચમચી મીઠું, 1 ચમચી આમચૂર પાવડર
લીલા ધાણા: સમારેલા

સમોસા બનાવવાની રીત:

1). આ રીતે બાંધો લોટ:

સૌ પ્રથમ એક વાસણમાં મેંદો લો. તેમાં અજમો, મીઠું અને મોણ માટે તેલ ઉમેરો. તેલ નાખવાથી સમોસા લાંબા સમય સુધી કડક અને ક્રિસ્પી રહે છે. લોટમાં તેલને બરાબર મિક્સ કરો. હવે તેમાં થોડું-થોડું કરીને પાણી ઉમેરો. સમોસાનો લોટ એકદમ ટાઈટ બાંધવો જોઈએ અને તેને બહુ મસળવો નહીં. આ લોટને ઓછામાં ઓછા 30 મિનિટ માટે ઢાંકીને રહેવા દો.

2). આ રીતે તૈયાર કરો મસાલો:

એક પેનમાં થોડું તેલ ગરમ કરો. તેમાં હિંગ, જીરું, વરિયાળી અને આખા ધાણા નાખીને હળવા સાંતળો. ત્યારબાદ ઝીણું સમારેલું લસણ, આદુ, લીમડો અને જાડા સમારેલા લીલા મરચાં ઉમેરો. હવે તેમાં બાફેલા બટાકાને હાથેથી મસળીને નાખો. સાથે હળદર, લાલ મરચું અને મીઠું ઉમેરી બરાબર મિક્સ કરો. બટાકા સાંતળતી વખતે થોડું પાણી છાંટો જેથી વરાળ બને અને બટાકાનું ટેક્સચર સરસ આવે. છેલ્લે ગેસ બંધ કરી દો. હવે તેમાં આમચૂર પાવડર, લીલા ધાણા અને ખાસ કરીને જાડી સમારેલી કાચી ડુંગળી ઉમેરો. ગેસ બંધ કર્યા પછી જ ડુંગળી નાખવી જેથી તે સમોસાની અંદર ચડી જશે અને સ્વાદમાં મીઠાશ આપશે. આ મસાલાને સંપૂર્ણ ઠંડો થવા દો.

3). આ રીતે સમોસા વાળો:

લોટના લુઆ કરી તેને લંબગોળ આકારમાં વણો,બહુ પાતળું ન વણવું. તેને વચ્ચેથી બે ભાગમાં કાપી લો. હવે જે સીધી કિનારી છે ત્યાં પાણી લગાવો અને બંને ખૂણા જોડીને કોન જેવો આકાર આપો. આ કોનમાં 2 ટેબલસ્પૂનથી વધારે મસાલો ન ભરવો, નહિતર સમોસા ફાટી શકે છે. સમોસાને સીલ કરતી વખતે પાછળના ભાગમાં એક નાનો ફોલ્ડ લો અને દબાવીને બરાબર પેક કરો જેથી તે તળતી વખતે ખુલે નહીં.

4). સમોસાને આ રીતે તળી લો:

કડાઈમાં તેલ લો અને ગેસને એકદમ ધીમી આંચ પર રાખો. તેલ સરસ રીતે ગરમ થય એટલે બધા સમોસાને તળી લો. ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લો. પછી બહાર કાઢી ગરમા ગરમ સમોસાને ચટણી કે ચા સાથે સર્વ કરો.