Best Time to Eat Oats for Weight Loss: આજના સમયમાં જે લોકો પોતાની ફિટનેસ અને ડાયટ પ્રત્યે જાગૃત છે, તેમના ખોરાકમાં ઓટ્સ ચોક્કસપણે સામેલ હોય છે. ઓટ્સ માત્ર સ્વાદિષ્ટ જ નથી, પરંતુ તે પોષકતત્વોથી ભરપૂર એક સુપરફૂડ માનવામાં આવે છે. જોકે, ઘણા લોકો મૂંઝવણમાં હોય છે કે ઓટ્સ સવારે ખાવા જોઈએ કે સાંજે? વળી ઘણા લોકો એવું પણ માને છે કે ઓટ્સ ખાવાથી વજન વધી જશે તો. આવી સ્થિતિમાં ગુજરાતી જાગરણ તમને જણાવશે કે ઓટ્સ ક્યારે ખાવા જોઈએ અને ઓટ્સ ખાવાથી શું ફાયદા થાય
વજન ઘટાડવા માટે સવારે નાસ્તામાં ખાઓ
જો તમે ઝડપથી વજન ઘટાડવા ઈચ્છતા હોવ તો નિષ્ણાતો સવારે ખાલી પેટે ઓટ્સ ખાવાની સલાહ આપે છે. સવારે 10 વાગ્યા પહેલા જ ઓટ્સનું સેવન કરી લેવામાં આવે. સવારે નાસ્તામાં ઓટ્સ ખાવાથી પેટ લાંબા સમય સુધી ભરેલું લાગે છે, જેના કારણે વારંવાર ભૂખ લાગતી નથી. આનાથી શરીરનું મેટાબોલિઝમ બુસ્ટ થાય છે અને દિવસભર એનર્જી લેવલ જળવાઈ રહે છે. ઓટ્સ પાચન ક્રિયાને સુધારવામાં અને ભૂખને સંતુલિત કરવામાં પણ અત્યંત મદદરૂપ સાબિત થાય છે.
ડાયાબિટીસ અને બ્લડ શુગર પર નિયંત્રણ
ઓટ્સમાં બીટા ગ્લુકોન નામનું તત્વ હોય છે, જે લોહીમાં શુગરના સ્તરને અચાનક વધતું અટકાવે છે. તે ખોરાકમાંથી નીકળતી શર્કરાને ધીમે-ધીમે પચાવવામાં મદદ કરે છે, જે ડાયાબિટીસના દર્દીઓ માટે આશીર્વાદરૂપ છે. આ ઉપરાંત, ઓટ્સમાં રહેલા ફાઈબર બ્લડ શુગર લેવલને ઘટાડવામાં અને ઇન્સ્યુલિન સેન્સિટિવિટી સુધારવામાં મદદ કરે છે.
પાચન અને સારી ઊંઘમાં મદદરૂપ
ઓટ્સ દ્રાવ્ય ફાઈબરથી ભરપૂર હોય છે, જે શરીરમાં પાણીને શોષી લે છે અને મળત્યાગની પ્રક્રિયાને સરળ બનાવે છે. તેથી, નિયમિત ઓટ્સ ખાવાથી કબજિયાત જેવી સમસ્યાઓથી બચી શકાય છે. આશ્ચર્યજનક વાત એ છે કે ઓટ્સ માત્ર શારીરિક જ નહીં પણ માનસિક સ્વાસ્થ્ય માટે પણ સારા છે. તેમાં રહેલા મેલાટોનિન અને કોમ્પ્લેક્સ કાર્બ્સ મગજ સુધી પહોંચીને સારી ઊંઘ મેળવવામાં મદદ કરે છે.
ઓટ્સ બનાવવાની સાચી રીત
સ્વાસ્થ્યનો પૂરો લાભ લેવા માટે ઓટ્સ બનાવવાની રીત પણ મહત્વની છે. ઓટ્સને રાત્રે પલાળીને રાખવા જોઈએ અને સવારે તેને પુષ્કળ બાફેલી શાકભાજી સાથે બનાવવા જોઈએ. ખાસ ધ્યાન રાખવું કે તેમાં વધુ પડતું તેલ કે મસાલાનો ઉપયોગ ન કરવો. જો તમને ગળ્યું પસંદ હોય, તો તમે ઓટ્સનું દૂધ સાથે પણ સેવન કરી શકો છો.
