Childhood Cancer Symptoms in Children: કેન્સર એક ગંભીર બીમારી છે, પરંતુ જો તેને શરૂઆતના તબક્કામાં જ ઓળખી લેવામાં આવે, તો તેની સારવાર શક્ય છે. બાળપણમાં થતાં કેન્સરમાં બ્લડ કેન્સર (લ્યૂકેમિયા),બ્રેન ટ્યૂમર,લિમ્ફોમા,ન્યૂરો બ્લાસ્ટોમા અને બૉન કેન્સર જેા પ્રકાર સૌથી વધુ જોવા મળે છે. બાળકોમાં કેન્સરના શરૂઆતના સ્ટેજમાં ઘણી વખત અન્ય બીમારીઓ જેવા સામાન્ય લક્ષણો જ જોવા મળે છે, જેને મોટાભાગના બાળકો નજરઅંદાજ કરતા હોય છે.
બાળકોમાં કેન્સર એક ગંભીર અને દુર્લભ બીમારી છે. જો સમયસર તેની ખબર પડી જાય, તો કેન્સરની સારવાર શક્ય છે. હંમેશા માતા-પિતા સાધારણ બીમારી અને કેન્સરના લક્ષણો વચ્ચે ફરક નથી કરી શકતા. જેના પરિણામે ગંભીર સ્વરૂપ ધારણ કરે તેનો ખતરો વધી જાય છે. તો ચાલો બાળકોમાં કેન્સરના 8 શરૂઆતના લક્ષણો અને તેને કેવી રીતે ઓળખશો
કોઈ કારણ વિના બાળક પીળું પડવું
જો બાળક નોર્મલ કરતાં વધારે પીળું લાગે, તો શરીરમાં લોહીની ઉણપ કે બ્લડ કેન્સરનો સંકેત હોઈ શકે છે. કેન્સરના કારણે રેડ બ્લડ સેલ્સને અસર કરે છે. જેના પરિણામે શરીરમાં ઑકિસજનની ઉણપ થઈ જાય છે. જેના પરિણામ સ્વરૂપ સ્કીન પીળી પડવા લાગે છે અને બાળકને હંમેશા નબળાઈનો અહેસાસ રહે છે. જો આ લક્ષણો લાંબા સમય સુધી રહે, તો તાત્કાલિક તબીબનો સંપર્ક કરવો જોઈએ.
નાક કે મોંઢામાંથી લોહી પડવું
જો બાળકના નાક અથવા પેઢામાંથી વારંવાર લોહી નીકળતું હોય, તો તે લોહી સબંધિત કેન્સરનો સંકેત હોઈ શકે છે. લ્યૂકેમિયાના કારણે શરીરમાં પ્લેટલેટ્સની સંખ્યા ઓછી થઈ જાય છે, જેના પરિણામે બ્લડના ક્લોટ બનવામાં તકલીફ થાય છે. સામાન્ય ઈજા અથવા કોઈ કારણ વિના લોહી વહેવા માંડે છે. જો બાળક વારંવાર આ સમસ્યાનો સામનો કરી રહ્યું હોય, તો તાત્કાલિક તબીબ પાસે તપાસ કરાવવી જોઈએ.
અચાનક વજન ઉતરે અને ભૂખ ના લાગે
જો કોઈ કારણ વિના બાળકનું વજન અચાનક ઘટવા અને ભૂખ પણ ઓછી થઈ રહી હોય, તો તે પણ એક ગંભીર બીમારીનો સંકેત હોઈ શકે છે. કેન્સરની કોશિકાઓ શરીરની એનરજીને ઝડપથી ખતમ કરે છે, જેનાથી બાળકનો વિકાસ અટકી જાય છે. જો બાળક સામાન્ય ખોરાક પણ ના ખાઈ રહ્યો હોય અને તેની એનર્જી સતત ઘટી રહી હોય, તો તેને સાધારણ સમજવાની ભૂલ ભારે પડી શકે છે.
કોઈ કારણ વિના લાંબા સમય સુધી તાવ રહે
જો બાળકને વારંવાર તાવ આવતો હોય, તો તે પણ કેન્સરનો સંકેત હોઈ શકે છે.ખાસ કરીને રાતના સમયે તાવ આવે અને વધારે પરસેવો વળતો હોય, તો તે લ્યૂકેમિયા કે લિમ્ફોમા જેવા બ્લડ કેન્સરના લક્ષણ હોઈ શકે છે. જો બાળક કોઈ ઈન્ફેક્શન વિના વારંવાર બીમાર પડી જતું હોય, તો તાત્કાલિક તબીબની સલાહ લેવી આવશ્યક છે.

ગળા, છાતી, બગલ કે કમરમાં સોજો
જો બાળકના ગળા, છાતી, બગલ કે કમરમાં કોઈ ગાંઠ કે સોજો દેખાય, તો તે લિમ્ફોમા કે અન્ય કેન્સરનો સંકેત હોઈ શકે છે. આ પ્રકારનો સોજામાં મોટાભાગે દુખાવો નથી થતો, પરંતુ તે ધીમે-ધીમે વધી શકે છે. જો બાળક સોજાને લઈને કોઈ ફરિયાદ કરે, તો તાત્કાલિક તબીબી તપાસ કરાવવી જોઈએ.
આંખોની આસપાસ લાલ કે સફેદ ધબ્બા
જો બાળકની આંખોમાં અસામાન્ય સફેદ કે લાલ ધબ્બા દેખાતા હોય કે રાતે આંખોનું તેજ ઘટી જતું હોય તેવું લાગે, તો તે રેટિનોબ્લાસ્ટોમા નામના કેન્સરનો સંકેત હોઈ શકે છે. આવી સ્થિતિમાં માતા-પિતાએ બાળકની આંખોમાં થતા ફેરફારો પણ ખાસ ધ્યાન આપવું જોઈએ. જો આંખની કીકીમાં કોઈ વિચિત્ર ચમક કે રંગ પરિવર્તન દેખાય, તો આંખના નિષ્ણાંત તબીબને બતાવવું જોઈએ.
હાડકા કે સાંધામાં દુખાવો
જો બાળક હાડકામાં દુખાવાની ફરિયાદ કરતો હોય અને કોઈ કારણ વિના લંગડાતો ચાલવા લાગે, તો તે બોન અર્થાત હાડકાના કેન્સર કે બ્લડ કેન્સરનો સંકેત હોઈ શકે છે. માતા-પિતાએ ધ્યાન રાખવું જોઈએ કે, આ દુખાવો લાંબા સમય સુધી રહે છે અને કોઈ ઈજા ના થઈ હોય, તો તેને સામાન્ય સમજવાની ભૂલ ના કરવી જોઈએ.
શરીર પર ઈજાના નિશાન કે લાલ ધબ્બા
જો બાળકના શરીરમાં કોઈ ઈજા થયા વિના લીલા કે લાલ ધબ્બા થવા લાગે, તો તે બ્લડ કેન્સરનું કારણ હોઈ શકે છે. લ્યૂકેમિયાના કારણે બ્લડ સેલ્સ યોગ્ય રીતે કામ નથી કરી શકતા, જેનાથી શરીર પર વિચિત્ર પ્રકારના નિશાન પડવા લાગે છે. આ સંકેત પ્લેટલેટ્સની કમીની તરફ ઈશારો કરે છે.
માતા-પિતા માટે જરૂરી સૂચના
જો કોઈ માતા-પિતાને તેમના બાળકમાં ઉપરમાંથી કોઈ પણ અસામાન્ય લક્ષણો દેખાય, તો તાત્કાલિક તબીબની સલાહ લેવી જોઈએ. કેન્સરને સમયસર ઓળખવાથી તેની સારવાર સરળ અને સફળ બને છે. ઘણી વખત માતા-પિતા આવા લક્ષણોને સાધારણ સ્વાસ્થ્ય સમસ્યા સમજીને નજરઅંદાજ કરી દેતા હોય છે, જેના પરિણામે આગળ જતાં બીમારી ગંભીર સ્વરૂપ ધારણ કરે છે.

બાળપણમાં જ કેન્સરના શરૂઆતના લક્ષણો સમજવા ખૂબ જ જરૂરી છે. માતા-પિતાએ પોતાના બાળકના સ્વાસ્થ્ય પર વિશેષ ધ્યાન આપવું જોઈએ. જો કોઈ પણ અસામાન્ય લક્ષણ 2-3 સપ્તાહ કરતાં વધારે સમય સુધી રહે, તો તાત્કાલિક તબીબનો સંપર્ક કરવો જોઈએ. સમયસર તપાસ અને યોગ્ય સારવારથી કેન્સરને હરાવી શકાય છે.
