12 વર્ષથી નાની ઉંમરના બાળકોને મોબાઈલ આપતા પહેલા સાવધાન: લેન્સેટ રિપોર્ટની ચેતવણી

12 વર્ષથી નાની ઉંમરે બાળકોને સ્માર્ટફોન આપવો એ ડિપ્રેશન, સ્થૂળતા અને નબળા માનસિક વિકાસનું મુખ્ય કારણ બની રહ્યું છે, જેનાથી બચવા શારીરિક પ્રવૃત્તિઓ તરફ વાળવા જોઈએ.

By: Dimpal GhoyalEdited By: Dimpal Ghoyal Publish Date: Wed 15 Apr 2026 10:08 AM (IST)Updated: Wed 15 Apr 2026 10:08 AM (IST)
giving-smartphones-to-children-before-12-years-of-age-is-dangerous-lancet-report-big-warning-728238

Adolescent mental health: આજે આપણે જોઈએ છીએ કે નાનું બાળક રડતું હોય તો મા-બાપ તરત તેના હાથમાં મોબાઈલ પકડાવી દે છે. આપણને લાગે છે કે બાળક શાંત થઈ ગયું, પણ 'ધ લેન્સેટ' જેવી મોટી સંસ્થાનો રિપોર્ટ કહે છે કે આ બાબત ખૂબ જ ખતરનાક છે. ખાસ કરીને 12 વર્ષની ઉંમર પહેલાં જે બાળકોના હાથમાં સ્માર્ટફોન આવી જાય છે, તેમનામાં ડિપ્રેશન એટલે કે માનસિક હતાશાના લક્ષણો સૌથી વધુ જોવા મળી રહ્યા છે.

સમસ્યા શું છે?

રિપોર્ટ મુજબ, અત્યારે આપણે એક એવા વળાંક પર ઉભા છીએ જ્યાં બાળકોનું માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય જોખમમાં છે. જો આપણે અત્યારે નહીં જાગીએ, તો 2030 સુધીમાં દુનિયાના અબજો કિશોરો એવી હાલતમાં હશે જ્યાં તેમને ડિપ્રેશન, જાડાપણું અને ગંભીર માનસિક રોગો ઘેરી લેશે.

જ્યારે બાળક 12 વર્ષથી નાનું હોય, ત્યારે તેનું મગજ વિકાસ પામતું હોય છે. આ ઉંમરે સ્માર્ટફોન મળવાથી તેની દુનિયા નાની થઈ જાય છે. તે બહાર રમવા જવાને બદલે રૂમમાં ભરાઈ રહે છે. આનાથી તે શારીરિક રીતે નબળું પડે છે અને માનસિક રીતે એકલું પડી જાય છે. રિપોર્ટ કહે છે કે 2030 સુધીમાં લગભગ 46 કરોડ યુવાનો સ્થૂળતા એટલે કે મેદસ્વીપણાનો શિકાર બનશે, જેના કારણે નાની ઉંમરે જ ડાયાબિટીસ અને હૃદયની બીમારીઓ ઘર કરી જશે.

સ્માર્ટફોનની આડઅસરો

ઊંઘનો અભાવ: ફોનના કારણે બાળકો મોડે સુધી જાગે છે. પૂરતી ઊંઘ ન મળવાને કારણે તેમના સ્વભાવમાં ચીડિયાપણું આવે છે અને મગજ થાકેલું રહે છે.
સાયબર ધમકી: ઈન્ટરનેટ પર બાળકો ઘણીવાર એવી વાતો કે લોકોના સંપર્કમાં આવે છે જે તેમને ડરાવે છે અથવા શરમાવે છે. આ 'સાયબર બુલિંગ' બાળકને અંદરથી તોડી નાખે છે.
જ્ઞાનના વિકાસમાં અવરોધ: સતત વીડિયો અને ગેમ્સ જોવાથી બાળકની વિચારવાની અને શીખવાની શક્તિ ઓછી થઈ જાય છે.

આપણે શું કરી શકીએ?

આ પરિસ્થિતિમાંથી બહાર નીકળવા માટે કોઈ મોટું વિજ્ઞાન નથી, બસ થોડી સમજદારીની જરૂર છે. સૌથી પહેલા તો 12-13 વર્ષ સુધી બાળકને પોતાનો પર્સનલ ફોન આપવાનું ટાળો. જો આપવો જ પડે, તો તેનો 'સ્ક્રીન ટાઈમ' નક્કી કરો. બાળકને ફોન આપવાને બદલે તેને મેદાનમાં રમવા મોકલો અથવા તેની સાથે બેસીને વાતો કરો.

ઘણીવાર બાળક કંઈક કહેવા માંગતું હોય છે પણ આપણે ફોનમાં વ્યસ્ત હોઈએ છીએ. જો બાળક અચાનક ચૂપ થઈ જાય, ખાવા-પીવામાં ફેરફાર કરે અથવા સતત ગુસ્સામાં રહે, તો સમજી લેવું કે કંઈક ગડબડ છે. તેની સાથે મિત્ર બનીને વાત કરો.

આ રિપોર્ટ આપણા માટે એક લાલબત્તી છે. સ્માર્ટફોન એ સુવિધા છે, પણ બાળકો માટે તે સાયલન્ટ કિલર બની રહ્યો છે. જો આપણે ઈચ્છીએ છીએ કે આપણું બાળક ભવિષ્યમાં માનસિક રીતે મજબૂત બને, તો અત્યારે તેના હાથમાંથી મોબાઈલ લઈને તેને તમારો સમય અને ખુલ્લું મેદાન આપવું પડશે.