Heart Attack: હ્રદય આપણાં શરીરનું ખૂબ જ અગત્યનું અને એકદમ નાજુક અંગ છે, પરંતુ કોવિડ પહેલા આપણે તેના સ્વાસ્થ્ય પ્રત્યે વધારે સજાગ નહતા. કોવિડ પછી હાર્ટ એટેકથી મૃત્યુના બનાવોમાં ચિંતાજનક વધારો જોવા મળી રહ્યો છે.
દર વર્ષે લાખો લોકો હાર્ટ એટેકનો ભોગ બને છે, ત્યારે સૌથી નવાઈની વાત એ છે કે, ઘણાં કેસોમાં તો દર્દીઓને પહેલા કોઈ ગંભીર લક્ષણો નથી જણાતા અથવા સામાન્ય સંકેતોને નજરઅંદાજ કરી દેવામાં આવે છે.
આપણે મોટાભાગે એવું જ સમજી છીએ કે, હાર્ટ એટેક આવે એટલે છાતીમાં દુખાવો ઉપડે અને વ્યક્તિ ઢળી પડે, કારણ કે ફિલ્મોમાં પણ હાર્ટ એટેકનું દ્રશ્ય આવી રીતે જ ફિલ્માવવામાં આવે છે. જો કે હકીકતમાં વાસ્તવિક જીવનમાં પણ આવું જ થાય તે જરૂરી નથી.
હાર્ટ એટેકના સંકેત ખૂબ જ સાધારણ હોવાથી મોટાભાગના લોકો તેને અવગણતા હોય છે. જો આવા સંકેતોને સમયસર ઓળખીને સારવાર લેવામાં આવે, તો વ્યક્તિનો જીવ બચવાના ચાન્સ વધી જતા હોય છે. એવામાં વરિષ્ઠ કાર્ડિયોલૉજિસ્ટે હાર્ટ એટેકના એવા સંકેતો વિશે લોકોને એલર્ટ કર્યાં છે.
મહિલાઓ અને વૃદ્ધો હાર્ટ એટેકના વિચિત્ર લક્ષણો વધારે જોવા મળે છે (Heart Attack Hidden Symptoms)
ન્યૂયોર્કના 30 વર્ષનો અનુભવ ધરાવતા કાર્ડિયોવેસ્ક્યુલર નિષ્ણાત ડો. ઈવાન લેવિને એક ગંભીર ચેતવણી આપી છે કે, 40 ટકા હાર્ટ એટેકના દર્દીઓમાં છાતીમાં દુખાવો, શરીર જકડાઈ જવું જેવા સામાન્ય લક્ષણો જોવા મળતા નથી. ખાસ કરીને મહિલાઓ અને વૃદ્ધોમાં હ્રદય રોગના હુમલા વખતે અલગ-અલગ લક્ષણો દેખાવવાની આશંકા વધારે જોવા મળી રહી છે.
મહિલાઓમાં ઘણીવાર હાર્ટ એટેકના લક્ષણોને ચિંતા, એસિડિટી અથવા તણાવ કહીને અવગણે છે, જ્યારે વૃદ્ધોમાં બેહોશી, અચાનક ભ્રમ કે હાથના દુખાવા જેવા સંકેતો દેખાઈ શકે છે.
પોતાના અનુભવથી ડૉ. લેવિને એક કિસ્સો શેર કર્યો છે. જેમાં એક વૃદ્ધ મહિલાને હાથમાં દુખાવો હોવાથી હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા, પરંતુ ડોક્ટરોએ તેને 'મસલ સ્ટ્રેન' (સ્નાયુનો ખેંચાણ) ગણાવીને ઘરે મોકલી દીધા. જો કે ઘરે પહેંચ્યાના 30 મિનિટ બાદ તે મહિલા ગેરેજમાંથી મૃત હાલતમાં મળી આવી હતી. આ કિસ્સો સાબિત કરે છે કે માત્ર છાતીના દુખાવાની રાહ જોવી જીવલેણ સાબિત થઈ શકે છે.
