Diwali Vacation 2025: દિવાળી વેકેશનમાં ડાંગ જવાનો પ્લાન બનાવી લો, જાણો ડોન હિલ સ્ટેશન, શબરી ધામ, પાંડવ ગુફા સહિત શું ખાસ જોવા જેવું છે

જંગલ અને નદી-ઝરણાંને કારણે ખીલી ઉઠતી પ્રકૃતિને કારણે ડાંગ હંમેશાથી પ્રવાસીઓની પહેલી પસંદ બની રહ્યું છે. ચાલો જાણીએ ડાંગમાં ફરવાલાયક સ્થળો વિશે.

By: Kajal ChauhanEdited By: Kajal Chauhan Publish Date: Tue 14 Oct 2025 06:29 PM (IST)Updated: Tue 14 Oct 2025 06:29 PM (IST)
tourist-places-to-visit-in-dang-during-diwali-vacation-2025-620692

Dang Tourist Places, Diwali Vacation 2025: દિવાળી વેકેશન શરૂ થવા જઈ રહ્યું છે. આ સમયે લોકો એવા સ્થળો પસંદ કરે છે જ્યાં લોકોની વધારે ભીડ પણ ન હોય અને પરિવાર સાથે આરામથી વેકેશનનો આનંદ પણ માણી શકાય. જો તમે આ દિવાળી પર ગુજરાતમાં ફરવાલાયક સ્થળો શોધી રહ્યા છો તો આ વર્ષે તમે દિવાળી વેકેશન ડાંગમાં વિતાવી શકો છો. જંગલ અને નદી-ઝરણાંને કારણે ખીલી ઉઠતી પ્રકૃતિને કારણે ડાંગ હંમેશાથી પ્રવાસીઓની પહેલી પસંદ બની રહ્યું છે. ચાલો જાણીએ ડાંગમાં ફરવાલાયક સ્થળો વિશે.

ગીરા ધોધ

ડાંગમાં ગીરા ધોધ હંમેશાથી પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર રહ્યો છે. ગીરા ધોધ વઘઈ શહેરથી પાંચ કિલોમીટર દૂર સાપુતારા રોડ પર આવેલો છે. આ ધોધ સુધી પહોંચવા માટે મુખ્ય રોડ પરથી એક કિલોમીટર અંદરની સફર કરવી પડે છે. ધોધની ઊંચાઈ આશરે 30 મીટર છે. વહેલી સવારે અહીં ગાઢ ઘુમ્મસભર્યું વાતાવરણ છવાયેલું હોય છે.

ડોન હિલ સ્ટેશન

ડાંગ જિલ્લામાં વસેલું ડોન હિલ સ્ટેશન કુદરતી સૌંદર્ય અને શાંત સ્થળ છે. ઍડવેન્ચર પ્રેમીઓ માટે આ સ્થળ હંમેશાથી પહેલી પસંદગી રહ્યું છે. ડોન હિલ સ્ટેશન સાપુતારાથી લગભગ 1000 મીટરની ઊંચાઈ પર વસેલું છે. સહ્યાદ્રી પર્વતમાળાની સુંદરતા, રસ્તાઓ, હરિયાળી, નદીઓ અને ઝરણાઓ અહીંના મુખ્ય આકર્ષણ છે. ડોન સ્થળ વિશે એવું કહેવામાં આવે છે કે અહીં અહલ્યા પર્વત પાસે ગુરૂ દ્રોણાચાર્યનો આશ્રમ હતો. રામાયણ કાળમાં રામ અને સીતાજી અહીં પધાર્યા હતાં. તે સમયે આ સ્થળ 'દ્રોણ' તરીકે ઓળખાતું હતું. જે સમય જતાં ડ્રોન તરીકે જાણીતું બન્યું.

માયા દેવી

ભેંસકાતરી ગામથી નજીકમાં કાકરદા નામનું એક નાનકડું ગામ પૂર્ણા નદીના ઉત્તર તટ પર આવેલ છે. અહીં પૂર્ણા નદીના ખડકોમાં માયાદેવીનું ગુફા મંદિર આવેલ છે, જ્યાં પાણીમાંથી પસાર થઈ જઈ શકાય છે. આ સ્થળ ધાર્મિક રીતે ૫ણ સ્થાનિક લોકોમાં ખૂબ મહત્વ ધરાવે છે. અહીં પૂર્ણા નદી ૫થ્થ૨ની બનેલી કુદ૨તી નહેરમાંથી ૫સા૨ થાય છે, જે જોવાલાયક છે. ઉ૫૨વાસથી જોતાં એમ લાગે છે કે નદી સીધી નહેરમાં જાય છે. આ સ્થળ વ્યારાથી આહવા જતા ભેંસકાતરીથી આશરે 3 કિલોમીટરના અંતરે આવેલ છે. આ સ્થળ નજીક રામેશ્વર મહાદેવ નામનું શિવમંદિર અને તેની સાથે હનુમાન મંદિર પણ આવેલ છે.

પાંડવ ગુફા

ડાંગના જાવતલા ગામ નજીક આવેલી પ્રાચીન પાંડવ ગુફા આવેલી છે, જે મહાભારતના પાંડવો સાથે જોડાયેલી છે. કહેવાય છે કે વનવાસ દરમિયાન પાંડવોએ અહીં આશ્રય લીધો હતો. આ ગુફા લગભગ 60 મીટર લાંબી અને 15 મીટર પહોળી છે. ગુફાની અંદર પ્રવેશતાં જ તમને એવું લાગશે જાણે તમે સતયુગમાં ફરી પાછા ફર્યા છો. અંદર એક શિવલિંગ છે, જેની પાંડવોએ પૂજા કરી હતી. ગુફામાં હજુ પણ પાંડવોએ બનાવેલાં માટી પથ્થરમાંથી બનાવેલી કોઠીઓ છે. ગુફાની સામે જ એક 100 ફૂટ ઊંચો ધોધ છે. આ ધોધને 'પાંડવ ધોધ' અથવા 'અંજની ધોધ' તરીકે પણ ઓળખવામાં આવે છે.

શબરી ધામ

ડાંગ જિલ્લામાં આવેલું શબરીધામ ભક્તિ અને પ્રકૃતિનું અદ્ભુત સંગમ માનવામાં આવે છે. રામાયણ અનુસાર ભગવાન શ્રી રામે અહીં શબરીના મીઠા બોર ખાધા હતા. હરિયાળા જંગલોની વચ્ચે સ્થિત શબરી ધામ પ્રવાસીઓ માટે આકર્ષક સ્થળ છે. શબરી ધામની નજીક પંપા સરોવર પણ આવેલું છે. તમે અહીં પણ મુલાકાત લઈ શકો છો.

બોટનિકલ ગાર્ડન

ડાંગના વધઈમાં રાજ્યનું સૌથી મોટું બોટનિકલ ગાર્ડન આવેલું છે. સૌંદર્યથી ભરપૂર એવા ડાંગ જિલ્લાનાં પ્રવેશદ્વાર વઘઇ નજીક આવેલ 24 હેક્ટરમાં આ ગાર્ડન બનાવવામાં આવ્યું છે. અહીં તમને એવી વનસ્પતિઓ પણ જોવા મળશે જેના વિશે તમે ખાલી સાંભળ્યુ જ હશે અને શહેરી વિસ્તારોમાં જોવા મળતી નથી. આ એક એવી જગ્યા છે કે જ્યા 100 વર્ષ જુના અને 100 ફૂટ કરતા પણ વધારે ઉંચા ઝાડ જોવા મળશે. ઉદ્યાનમા લાયબ્રેરી, હર્બેરીયમ રૂમ, ડાંગ હરબેરીયા, નર્સરી અને ગ્રીનહાઉસ, ભગત કુટીર, રેસ્ટ હાઉસ, સેલ્ફી એરીયા, રમત ગમતના સાધનો, સૌવેનિયર શોપ, કેંન્ટિન, કિચન એરિયા, તેમજ પાર્કિગ એરીયા જેવી સુવિધાઓ પણ છે.