UpdatedIST

શું તમે જાણો છો? મહાત્મા ગાંધી પહેલા ભારતીય નોટો પર કોનો ફોટો હતો? જાણો ભારતીય ચલણનો રસપ્રદ ઇતિહાસ

શું તમે જાણો છો કે ભારતીય નોટ પર ગાંધીજી પહેલા કોનો ફોટો હતો? જાણો કિંગ જ્યોર્જથી લઈને અશોક સ્તંભ સુધીની ભારતીય ચલણની રસપ્રદ સફર અને ગાંધીજીની તસવીર ક્યારે કાયમી બની તેની જાણો.

By: Dimpal GhoyalEdited By: Dimpal Ghoyal Publish Date: Tue 27 Jan 2026 11:27 AM (IST)Updated: Tue 27 Jan 2026 11:27 AM (IST)
whose-picture-was-on-indian-currency-before-mahatma-gandhi-know-history-680591

Indian Banknotes History: ભારતીય ચલણી નોટોનો ઈતિહાસ ઘણો રસપ્રદ છે. આજે આપણે જે ગાંધીજીના હસતા ચહેરાવાળી નોટો જોઈએ છીએ, તે હંમેશા આવી નહોતી. આઝાદી પછી પણ ઘણા વર્ષો સુધી ભારતીય ચલણ પર બ્રિટિશ પ્રભાવ અને અન્ય પ્રતીકો જોવા મળતા હતા. ચાલો જાણીએ ભારતીય નોટ પર ગાંધીજીના ફોટા પહેલા શું હતું અને આ પરિવર્તન કેવી રીતે આવ્યું.

આઝાદી પછીનો સંક્રમણ કાળ (1947-1949)

15 ઓગસ્ટ 1947ના રોજ ભારત આઝાદ થયું, પરંતુ આર્થિક અને વહીવટી વ્યવસ્થા રાતોરાત બદલી શકાતી નહોતી. આ જ કારણ છે કે આઝાદી પછીના શરૂઆતના બે વર્ષ સુધી એટલે કે 1949 સુધી, ભારતીય નોટો પર બ્રિટિશ રાજા કિંગ જ્યોર્જ (છઠ્ઠા)ની તસવીર જ ચાલુ રહી હતી. તે સમયે ભારત રજવાડાઓ અને સંઘર્ષોમાંથી બહાર આવીને પોતાની નવી ઓળખ ઉભી કરી રહ્યું હતું.

અશોક સ્તંભનું આગમન

વર્ષ 1949માં ભારત સરકારે પહેલીવાર સ્વતંત્ર ભારતની એક રૂપિયાની નોટ ડિઝાઈન કરી. આ ઐતિહાસિક બદલાવમાં કિંગ જ્યોર્જની તસવીર હટાવીને તેના સ્થાને સારનાથના અશોક સ્તંભને સ્થાન આપવામાં આવ્યું. ત્યારબાદ 1950માં જ્યારે ભારત પ્રજાસત્તાક બન્યું, ત્યારે 2, 5, 10 અને 100 રૂપિયાની નવી નોટો બહાર પાડવામાં આવી, જેમાં અશોક સ્તંભ મુખ્ય પ્રતીક તરીકે ઉભરી આવ્યું.

ગાંધીજીની તસવીરનો પ્રવેશ

ઘણાને એમ લાગે છે કે ગાંધીજીની તસવીર શરૂઆતથી જ હતી, પણ હકીકતમાં તે ઘણું મોડું થયું:

1969: મહાત્મા ગાંધીની 100મી જન્મજયંતી નિમિત્તે પહેલીવાર સ્મૃતિ રૂપે તેમની તસવીરવાળી નોટ બહાર પાડવામાં આવી હતી. આ નોટમાં ગાંધીજીની પાછળ 'સેવાગ્રામ આશ્રમ' પણ દેખાતો હતો.

1987: 500 રૂપિયાની નોટ રજૂ કરવામાં આવી ત્યારે ફરી એકવાર ગાંધીજીનો ફોટો છાપવામાં આવ્યો.

1996: આ વર્ષ ભારતીય ચલણ માટે નિર્ણાયક સાબિત થયું. રિઝર્વ બેંક (RBI) એ અશોક સ્તંભના સ્થાને 'મહાત્મા ગાંધી સીરીઝ' કાયમી ધોરણે લોન્ચ કરી. જોકે, અશોક સ્તંભને સંપૂર્ણ હટાવવાને બદલે તેને નોટની ડાબી બાજુએ નીચેના ભાગમાં નાનું સ્થાન આપવામાં આવ્યું.

વિવિધ ડિઝાઇનોનો યુગ

ગાંધીજીની તસવીર કાયમી બની તે પહેલાં, ભારતીય નોટો પર દેશની પ્રગતિ અને વારસાને દર્શાવતી અલગ-અલગ તસવીરો હતી:

કૃષિ અને વિજ્ઞાન: ભારતીય ખેડૂત અને ટ્રેક્ટરના ફોટા.
ટેકનોલોજી: આર્યભટ્ટ સેટેલાઇટની તસવીર.
વારસો: કોણાર્કનું સૂર્યમંદિર અને બૃહદેશ્વર મંદિર જેવા સ્થાપત્યો.

નોટ પર દેખાતી ગાંધીજીની તસવીર પાછળનું રહસ્ય

નોટ પરનો ગાંધીજીનો ફોટો કોઈ પેઇન્ટિંગ નથી, પરંતુ વર્ષ 1946માં કોલકાતાના વાયસરોય હાઉસ (હાલનું રાષ્ટ્રપતિ ભવન) માં લેવાયેલી એક અસલી તસવીરનું કટ-આઉટ છે. તે સમયે ગાંધીજી લોર્ડ પેથિક લોરેન્સને મળવા ગયા હતા. રસપ્રદ વાત એ છે કે આટલા પ્રખ્યાત ફોટાના અસલી ફોટોગ્રાફર કોણ હતા, તેની સત્તાવાર માહિતી હજુ સુધી ઉપલબ્ધ નથી. આજે ગાંધીજીની તસવીર માત્ર ચલણ જ નહીં, પણ સત્ય અને અહિંસાના પ્રતીક તરીકે ભારતીય અર્થતંત્રની ઓળખ બની ગઈ છે.