Putin India Visit:રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન ભારતના પ્રવાસ પર આવી રહ્યા છે, તેઓ ભારતની મુલાકાત લે તે અગાઉ જ બન્ને દેશ વચ્ચે મિત્રતાને વધારે મજબૂત કરવાની વાત કહી હતી. આજે રશિયા, યુક્રેન સામે યુદ્ધ લડી રહ્યું છે અને સંપૂર્ણ NATO તેની વિરુદ્ધ છે,આ સંજોગોમાં ભારત અમેરિકાના દબાણને નજર અંદાજ કરીને રશિયા સાથે ઉભુ છે.
કંઈક આવી જ સ્થિતિ વર્ષ 1971માં જ્યારે ભારત, પાકિસ્તાન સાથે લડાઈ લડી રહ્યું હતું અને અમેરિકા પાકિસ્તાનના પક્ષમાં ભારતની વિરુદ્ધ ઉભુ હતું. આ સંજોગોમાં રશિયા મજબૂતપણે ભારતની સાથે હતું.
વર્ષ 1947થી જ ભારત-રશિયા ઘનિષ્ઠ મિત્ર રહ્યા છે. ભારતના પૂર્વ અને પશ્ચિમ બન્ને તરફથી હિસ્સાને કાપીને પૂર્વી અને પશ્ચિમી પાકિસ્તાન બનાવવામાં આવ્યા હતા. આઝાદી મળ્યા બાદ પાકિસ્તાન, અમેરિકાની નજીક જવાનો પ્રયત્ન કર્યો હતો. જ્યારે વર્ષ 1947માં અંગ્રેજોની ગુલામીમાંથી આઝાદી મળ્યા બાદ ભારત અને રશિયા નજીક આવવા લાગ્યા હતા.
તે સમયે દેશના પ્રથમ વડાપ્રધાન જવાહર લાલ નેહરું સોવિયત સંઘની શાસન વ્યવસ્થાથી ખૂબ જ પ્રભાવિત હતા અને બન્ને દેશ એકબીજાની નજીક આવવાનું શરૂ કર્યું હતું.
રશિયાએ ભારતમાં ઔદ્યોગિકીકરણનો પાયો નાખ્યો
ભારતની સ્વતંત્રતા પછી સૌથી વધુ જરૂરિયાત માળખાગત વિકાસ સાથે ઔદ્યોગિકીકરણની હતી અને રશિયાએ આ પ્રયાસમાં નોંધપાત્ર સહાય પૂરી પાડી હતી. રશિયાએ ભારતને વર્ષ 1955માં ભિલાઈ સ્ટીલ પ્લાન્ટ સ્થાપવામાં મદદ કરી હતી ત્યારબાદ વર્ષ 1964માં બોકારો સ્ટીલ પ્લાન્ટ સ્થાપવામાં આવ્યો. આ રીતે ભારત અને રશિયા વચ્ચે મૈત્રીપૂર્ણ સંબંધો શરૂ થયા હતા.
વર્ષ 1971માં રશિયાએ સાચી મિત્રતા નિભાવી
રશિયન સહાયથી ભારત ધીમે ધીમે ઉદ્યોગો સ્થાપવા તરફ આગળ વધી રહ્યું હતું. આ દરમિયાન વર્ષ 1965માં ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ ફાટી નીકળ્યું હતું. વર્ષ 1965ના યુદ્ધમાં રશિયાએ ભારતને મદદ કરી હતી પરંતુ તેનો ખરો ટેકો વર્ષ 1971ના યુદ્ધમાં મળ્યો હતો. પશ્ચિમ પાકિસ્તાન એટલે કે હાલના પાકિસ્તાનની સેનાએ તે સમયના પૂર્વ પાકિસ્તાન એટલે કે અત્યારના બાંગ્લાદેશમાં તેની ક્રૂરતા શરૂ કરી દીધી હતી.
જ્યારે બાંગ્લાદેશ મુક્તિ વાહિની (બાંગ્લાદેશ લિબરેશન આર્મી) એ પાકિસ્તાની સેનાની લૂંટફાટ, હત્યા અને બળાત્કાર સામે અવાજ ઉઠાવ્યો ત્યારે પાકિસ્તાની સેનાએ તેમનો નરસંહાર શરૂ કર્યો. ભારત યુદ્ધમાં ઝંપલાવેલ ત્યારથી લઈને UN સુધી રશિયાએ ભારતનો બચાવ કર્યો હતો.
રશિયાએ યુએનમાં ભારતના સમર્થનને વીટો કર્યો
ભારતે બાંગ્લાદેશ મુક્તિ યુદ્ધમાં જોડાવાનો નિર્ણય લેતાની સાથે જ, યુનાઇટેડ સ્ટેટ્સ, બ્રિટન અને ઓસ્ટ્રેલિયા સહિત 11 દેશોએ 4 થી 13 ડિસેમ્બર દરમિયાન સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં ભારત વિરુદ્ધ ત્રણ ઠરાવો રજૂ કર્યા. રશિયા જે તે સમયે સોવિયેત યુનિયનનો ભાગ હતું, તેણે ભારતના પક્ષમાં ત્રણેય ઠરાવોને વીટો કર્યો. આ પછી પાકિસ્તાને 16 ડિસેમ્બરે ભારતીય સેના સમક્ષ આત્મસમર્પણ કર્યું હતુ, જેના કારણે અલગ બાંગ્લાદેશનો જન્મ થયો હતો.
