Vande Mataram Act 2026: ભારતના રાષ્ટ્રગીત 'વંદે માતરમ્'ના સન્માન અને કાનૂની રક્ષણ માટે સંસદમાં એક મોટો નિર્ણય લેવાયો છે. 'રાષ્ટ્રીય સન્માનના અપમાનની રોકથામ (સુધારા) બિલ-2026'ને સંસદના બંને ગૃહોએ મંજૂરી આપી દીધી છે. બુધવારે રાજ્યસભા બાદ ગુરુવારે વિપક્ષના ભારે હોબાળા વચ્ચે પણ લોકસભામાં ધ્વનિમતથી આ બિલ પસાર થઈ ગયું. હવે આ બિલને રાષ્ટ્રપતિની મંજૂરી માટે મોકલવામાં આવશે, ત્યારબાદ તે કાયદાનું રૂપ લેશે.
નવા કાયદા મુજબ કેટલી સજા થશે?
કાયદો બન્યા બાદ 'વંદે માતરમ્'ને પણ રાષ્ટ્રગાન 'જન ગણ મન' સમાન જ કાનૂની સંરક્ષણ મળશે. જો કોઈ વ્યક્તિ 'વંદે માતરમ્'નું અપમાન કરશે, તેના ગાયનમાં ઇરાદાપૂર્વક અડચણ ઊભી કરશે કે અનાદર દાખવશે, તો તેને મહત્તમ 3 વર્ષની જેલ, દંડ અથવા બંને સજા થઈ શકે છે. જો કોઈ ગુનેગાર બીજીવાર આ જ ગુનો આચરે તો તેને ઓછામાં ઓછી 1 વર્ષની જેલની સજા ભોગવવી પડશે.
હોબાળા વચ્ચે પસાર થયું સત્રનું પ્રથમ બિલ
ચોમાસુ સત્ર દરમિયાન વિપક્ષના સતત ચાલી રહેલા વિરોધ અને હોબાળા બાદ આ બિલ બંને ગૃહોમાંથી પાસ થનારું આ પ્રથમ બિલ છે. સરકાર આ બિલ થકી રાષ્ટ્રીય પ્રતીકો સાથે જોડાયેલા પોતાના મુખ્ય એજન્ડાને આગળ વધારવામાં સફળ રહી છે. આ સુધારાનો મુખ્ય ઉદ્દેશ્ય રાષ્ટ્રગીતને રાષ્ટ્રધ્વજ અને બંધારણ જેટલું જ સન્માન આપવાનો છે.
સંસદમાં પક્ષ-વિપક્ષ વચ્ચે ઉગ્ર ચર્ચા
સતત ચાલી રહેલા હંગામાને કારણે લોકસભામાં આ બિલ પર મર્યાદિત ચર્ચા જ થઈ શકી. ગૃહ રાજ્યમંત્રી નિત્યાનંદ રાયે રાષ્ટ્રીય પ્રતીકોના સન્માનને રાજકારણથી પર ગણાવ્યું હતું. તેમણે કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું કે અગાઉની સરકારોએ 'વંદે માતરમ્'ને તેનો યોગ્ય દરજ્જો આપ્યો ન હતો. તેમણે પોતાનું ભાષણ 'વંદે માતરમ્'ના નારા સાથે પૂર્ણ કર્યું હતું. ભાજપના સાંસદ સંબિત પાત્રાએ પણ આ મુદ્દે કોંગ્રેસ સરકારની નીતિઓની ટીકા કરી હતી.
બીજી તરફ, વિપક્ષે આ બિલનો સખત વિરોધ નોંધાવ્યો હતો. DMK સાંસદ કે. કનિમોઝીએ આરોપ લગાવ્યો કે સરકાર રાષ્ટ્રવાદના નામે હિન્દુત્વનો એજન્ડા લાગુ કરવા પ્રયાસ કરી રહી છે. તેમણે દલીલ કરી કે બંધારણ નિર્માતાઓએ માત્ર શરૂઆતના બે પદોને જ સત્તાવાર માન્યતા આપી હતી, ત્યારે હવે સંપૂર્ણ ગીતને કાનૂની સ્વરૂપ આપવું એ બિનસાંપ્રદાયિક અને સંઘીય માળખાની ભાવનાની વિરુદ્ધ છે.
વિપક્ષ દ્વારા કેટલાક સુધારાના પ્રસ્તાવ પણ મુકાયા હતા, જેને ગૃહે ફગાવી દીધા હતા. બિલ પસાર થયા બાદ પણ નારેબાજી ચાલુ રહેતાં લોકસભાની કાર્યવાહી દિવસભર માટે સ્થગિત કરી દેવી પડી હતી.
