Cabinet Approval: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વડપણ હેઠળ કેબિનેટની આજે યોજાયેલી બેઠકમાં 4 મહત્વના નિર્ણય કરવામાં આવ્યા છે. આ ચાર નિર્ણયને લઈ કૂલ રૂપિયા 20 હજાર કરોડની દરખાસ્તોને મંજૂરી આપવામાં આવી છે.
આશરે રૂપિયા 7300 કરોડના રેર અર્થ મેગ્નેટ મેન્યુફેક્ચરિંગ સ્કીમ, આશરે રૂપિયા 10 હજાર કરોડની પુણે મેટ્રો વિસ્તરણ યોજના, દેવભૂમિ દ્વારકાને કનસુલ રેલવે લાઈનને ડબલ કરવા માટે રૂપિયા 1500 કરોડની યોજના તથા બદલાપુર કરજત રુટ પર ત્રીજી તથા ચોથી રેલવે લાઈન માટે રૂપિયા 1300 કરોડની યોજનાનો સમાવેશ થાય છે.
- દેવભૂમિ દ્વારકા રેલવે લાઈન ડબલિંગ પ્રોજેક્ટ-આ ઉપરાંત દેવભૂમિ દ્વારકા (ઓખા)થી કનાલુસ ડબલિંગ પ્રોજેક્ટને પણ મંજૂરી આપવામાં આવી છે. આ દરખાસ્ત રૂપિયા 1457 કરોડની છે. આ પ્રોજેક્ટની મદદથી વાર્ષિક 2.8 કરોડ ડીઝલની બચત થશે તથા લોજિસ્ટિક કોસ્ટ વાર્ષિક ધોરણે રૂપિયા 311 કરોડ ઘટશે. આ પ્રોજેક્ટથી દ્વારકાધીશ મંદિર સુધી વધુ સારી કનેક્ટીવિટી ઉપલબ્ધ બનશે. દ્વારકા તરફ જનારી અને પરત આવનારી ટ્રેનોના નિયત સમયમાં બચત થશે.
- કેબિનેટના નિર્ણયોની જાણ કરતા કેબિનેટ મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે રેર અર્થ અને પર્મનેન્ટ મેગ્નેટ હવે વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ બની ગયા છે. COVID-19 દરમિયાન ચિપ અને મેગ્નેટની અછતથી અનેક ઉદ્યોગોમાં ઉત્પાદન પર અસર પડી છે. આ સ્થિતિને જોતા સેમિકન્ડક્ટર માટે સૌપ્રથમ એક યોજના રજૂ કરવામાં આવી હતી અને આજે વડા પ્રધાનની અધ્યક્ષતામાં પર્મનેન્ટ મેગ્નેટ મેન્યુફેક્ચરિંગ માટેની એક મોટી યોજનાને મંજૂરી આપવામાં આવી છે.
- તેનાથી એન્ડ-ટુ-એન્ડ ઉત્પાદન પ્રણાલી બનાવવામાં મદદ મળશે. રૂપિયા 7280 કરોડના રોકાણનું આયોજન છે. આ યોજનાનો સમયગાળો સાત વર્ષનો છે, જેમાં પ્લાન્ટ સ્થાપના માટે બે વર્ષનો સમાવેશ થાય છે. આ યોજના હેઠળ 1200 MTPAની કુલ ક્ષમતા ધરાવતા પાંચ એકમો સ્થાપિત કરવામાં આવશે.
- કેબિનેટે રૂપિયા 9,858 કરોડના ખર્ચે પુણે મેટ્રોના વિસ્તરણને પણ મંજૂરી આપી.લાઇન 4 25.5 કિલોમીટર લાંબી હશે, જેમાં 22 સ્ટેશન હશે અને લાઇન 4A 6.1 કિલોમીટર લાંબી હશે, જેમાં છ સ્ટેશન હશે. આ પ્રોજેક્ટ્સ પાંચ વર્ષમાં પૂર્ણ થશે જેનાથી પુણે મેટ્રો નેટવર્કની કુલ લંબાઈ 100 કિલોમીટરથી વધુ થશે.
- બદલાપુર અને કરજત વચ્ચે ત્રીજી અને ચોથી લાઇન માટેના પ્રસ્તાવોને પણ મંજૂરી આપવામાં આવી છે. તેની લંબાઈ 65 કિલોમીટરના છે અને તેને લીધે રૂપિયા 1324 કરોડ ફાળવવામાં આવ્યા છે. રાજ્ય સરકાર આ ખર્ચનો અડધો ભાગ ભોગવશે. આ રૂટ પર 8 મોટા અને 106 નાના પુલ પણ બનાવવામાં આવશે.
