Meta vs Government: વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો એક વીડિયો પ્લેટફોર્મ પરથી હટાવવા મુદ્દે સોશિયલ મીડિયા જાયન્ટ મેટા (Meta)ની મુશ્કેલીઓ સતત વધી રહી છે. આ વિવાદ વચ્ચે ગુરુવારે ભારત સરકાર અને મેટાની ગ્લોબલ ટીમ વચ્ચે એક મહત્ત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. કેન્દ્ર સરકારે સ્પષ્ટ શબ્દોમાં સંભળાવી દીધું છે કે ભારતમાં પ્લેટફોર્મ કે અલ્ગોરિધમ અમેરિકી કાયદા મુજબ નહીં, પરંતુ ભારતના સ્થાનિક કાયદા અને નિયમો મુજબ જ ચલાવવા પડશે.
IT મંત્રી અને ટેકનિકલ ટીમો વચ્ચે સમીક્ષા
ન્યૂઝ એજન્સી પટીઆઈ (PTI)ના અહેવાલ મુજબ, મેટાની ગ્લોબલ ટીમ હજુ ત્રણથી ચાર દિવસ ભારતમાં રોકાઈને સરકારી અધિકારીઓ સાથે વધુ બેઠકો યોજે તેવી શક્યતા છે. આ કડક વલણ વચ્ચે કેન્દ્રીય આઈટી મંત્રી અશ્વિની વૈષ્ણવ પણ મેટાના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક કરશે. આ બેઠકોમાં ટેકનિકલ વિગતો, ડેટા લોગ્સ અને વોટ્સએપ (WhatsApp) સાથે જોડાયેલા વિવિધ સુરક્ષા મુદ્દાઓ પર ઊંડાણપૂર્વક ચર્ચા થવાની માહિતી સામે આવી છે.
અલ્ગોરિધમ અને કન્ટેન્ટ મોડરેશન પર કેન્દ્રની લાલ આંખ
સરકાર ખાસ કરીને મેટાના અલ્ગોરિધમ, કન્ટેન્ટ મોડરેશન, ચેક એન્ડ બેલેન્સ અને સુરક્ષાના ઉપાયો અંગે સંપૂર્ણ પારદર્શિતા માંગ કરી રહી છે. આ સમીક્ષામાં મુખ્યત્વે બે ગંભીર વિષયો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે:
બાળ શોષણ સંબંધિત કન્ટેન્ટ (CSAM): આવા કન્ટેન્ટને રોકવા માટે વાપરવામાં આવતી સિસ્ટમ કેટલી અસરકારક છે.
ડીપફેક (Deepfake) કન્ટેન્ટ: AI દ્વારા બનાવવામાં આવતા ફેક વીડિયો અને ભ્રામક સામગ્રી સામે મેટાની કાર્યવાહી.
દરેક પ્લેટફોર્મની સમાજ અને કાયદા પ્રત્યે જવાબદારી: કેન્દ્ર
ન્યૂઝ એજન્સી ANI સાથે વાત કરતા કેન્દ્રીય અધિકારીઓએ સ્પષ્ટ કર્યું હતું કે- ભારતમાં અમેરિકી કાયદાના આધારે ડિજિટલ પ્લેટફોર્મ ચલાવી શકાય નહીં. આ તમામ ટેકનિકલ બાબતો છે અને દરેક પાસાને વિગતવાર સમજવું જરૂરી છે. અધિકારીઓએ વધુમાં ઉમેર્યું કે દેશમાં કાર્યરત તમામ સંસ્થાઓની જેમ દરેક સોશિયલ મીડિયા પ્લેટફોર્મની પણ ભારતીય સમાજ અને કાયદા પ્રત્યે સીધી જવાબદારી બને છે.
નોંધનીય છે કે સરકાર માત્ર મેટા જ નહીં, પરંતુ X (અગાઉનું ટ્વિટર) અને ટેલિગ્રામ (Telegram) જેવા અન્ય મોટા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ સાથે પણ નિયમોના પાલન અંગે સતત સંપર્કમાં છે.
