Gujarat High Court: ગુજરાત હાઈકોર્ટે પિતૃત્વ (Paternity) સ્થાપિત કરવા માટે DNA ટેસ્ટ કરાવવાનો આદેશ આપતા ફેમિલી કોર્ટના ફેસલાને રદ કરી દીધો છે. હાઈકોર્ટે અત્યંત મહત્વપૂર્ણ ટિપ્પણી કરતા જણાવ્યું છે કે, ડીએનએ ટેસ્ટ એ કોઈ નિયમિત પ્રક્રિયા નથી અને માત્ર શંકાના આધારે આવી ટેસ્ટનો આદેશ આપી શકાય નહીં. કોર્ટે સ્પષ્ટ કર્યું કે જ્યારે બાળક પુખ્ત વયનું અને પરિણીત હોય, ત્યારે તેની સંમતિ વિના આવો આદેશ આપવો એ તેની ગોપનીયતાનું ઉલ્લંઘન ગણાય.
2010 માં કરવામાં આવી હતી DNA ટેસ્ટની માંગ
કેસની વિગતો અનુસાર, વર્ષ 1994 માં એક મહિલાએ વડોદરાની ફેમિલી કોર્ટ સમક્ષ પોતાની 15 મહિનાની બાળકી માટે ભરણપોષણની માંગ કરતી અરજી દાખલ કરી હતી. આ કાનૂની કાર્યવાહી ચાલુ હતી તે દરમિયાન, મહિલાએ બાળકના પિતૃત્વની ચકાસણી માટે વર્ષ 2010 માં ડીએનએ ટેસ્ટ કરાવવાની માંગ કરતી અલગ અરજી કરી હતી. અરજીને ધ્યાનમાં રાખીને વડોદરા ફેમિલી કોર્ટે વર્ષ 2012 માં બાળકના પિતૃત્વનો નિર્ણય કરવા માટે ડીએનએ ટેસ્ટ કરવાનો આદેશ આપ્યો હતો.
હાઇકોર્ટે ફેમિલી કોર્ટના આદેશને કર્યો રદ
ફેમિલી કોર્ટના આ નિર્ણયને હાઈકોર્ટમાં પડકારવામાં આવ્યો હતો. આ કેસની સમીક્ષા કરતી વખતે જસ્ટિસ જે.સી. દોશીએ ફેમિલી કોર્ટના આદેશને રદ કર્યો હતો. તેમણે નોંધ્યું કે જે દીકરી માટે 31 વર્ષ પહેલાં 15 મહિનાની ઉંમરે ભરણપોષણની અરજી કરવામાં આવી હતી, તે દીકરી આજે 32 વર્ષની પુખ્ત વયની થઈ ગઈ છે અને પરિણીત છે.
ન્યાયાધીશે અવલોકન કર્યું કે ભરણપોષણ જેવા કેસનો ઉકેલ બહુ વહેલો આવી જવો જોઈતો હતો. કોઈ વ્યક્તિના અંગત જીવન અને ગોપનીયતાના અધિકારને ધ્યાનમાં રાખ્યા વિના તથા માત્ર શંકાના આધારે ડીએનએ ટેસ્ટ કરવાનો આદેશ જારી કરી શકાય નહીં. પુખ્ત અને પરિણીત સંતાનની સંમતિ વિના આ પ્રકારનો આદેશ આપવો કાયદાકીય રીતે યોગ્ય નથી.
