હરિવંશ નારાયણ સિંહ સતત ત્રીજી વખત રાજ્યસભાના ઉપસભાપતિ પદે બિનહરીફ ચૂંટાયા, વડાપ્રધાન મોદીએ પાઠવી શુભેચ્છા

વિપક્ષે આ ચૂંટણી પ્રક્રિયાનો બહિષ્કાર કરવાનો નિર્ણય લીધો હતો. 

By: Purvalak DabhiEdited By: Purvalak Dabhi Publish Date: Fri 17 Apr 2026 01:44 PM (IST)Updated: Fri 17 Apr 2026 01:44 PM (IST)
harivansh-narayan-singh-elected-unopposed-as-rajya-sabha-deputy-chairman-729665
HIGHLIGHTS
  • રાજ્યસભાના ઉપસભાપતિની ચૂંટણી
  • હરિવંશ નારાયણ બિનહરીફ ચૂંટાયા
  • વિપક્ષ દ્વારા ચૂંટણીનો બહિષ્કાર કરાયો

Harivansh Narayan Singh: રાજ્યસભાના મનોનીત સાંસદ હરિવંશ નારાયણ સિંહ સતત ત્રીજી વખત રાજ્યસભાના ઉપસભાપતિ (ઉપાધ્યક્ષ) તરીકે ચૂંટાઈ આવ્યા છે. ગત 9 એપ્રિલના રોજ તેમનો કાર્યકાળ પૂર્ણ થતાં આ પદ ખાલી પડ્યું હતું. શુક્રવારે સત્તાવાર રીતે તેમના નામની જાહેરાત કરવામાં આવી હતી.

હરિવંશ નારાયણ બિનહરીફ ચૂંટાયા

સભાપતિ અને ઉપરાષ્ટ્રપતિ સી.પી. રાધાકૃષ્ણને 'રાજ્યોની પરિષદમાં કાર્ય-પ્રણાલી અને કાર્ય-સંચાલન નિયમો' ના નિયમ 7 અંતર્ગત ચૂંટણી માટે શુક્રવારનો દિવસ નક્કી કર્યો હતો. ગુરુવારે બપોરે 12 વાગ્યા સુધી દરખાસ્તો માટેની અંતિમ સમય-મર્યાદા હતી. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, હરિવંશ નારાયણ સિંહની ઉમેદવારીના સમર્થનમાં 5 નોટિસ મળી હતી. 

વિપક્ષે કર્યો ચૂંટણીનો બહિષ્કાર

વિપક્ષ તરફથી એકપણ નોટિસ દાખલ કરવામાં આવી ન હતી, જેના કારણે હરિવંશ નારાયણ સિંહ બિનહરીફ ચૂંટાયા હતા. વિપક્ષે આ ચૂંટણી પ્રક્રિયાનો બહિષ્કાર કરવાનો નિર્ણય લીધો હતો. મોદી સરકાર દ્વારા છેલ્લા 7 વર્ષથી લોકસભામાં કોઈ ઉપાધ્યક્ષની નિમણૂક ન કરવામાં આવતા વિપક્ષ દ્વારા બહિષ્કાર કરી આ વાતનો વિરોધમાં કરવામાં આવ્યો હતો.

પીએમ મોદીએ પાઠવી શુભેચ્છા

રાજ્યસભામાં ઉપસભાપતિ પદે હરિવંશ નારાયણ સિંહની બિનહરીફ વરણી થવા પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમને વિશેષ અભિનંદન પાઠવ્યા હતા. રાજ્યસભામાં PM મોદીએ કહ્યું કે, "સતત ત્રીજી વખત ઉપસભાપતિ તરીકે ચૂંટાવું એ બાબતનું પ્રમાણ છે કે આ ગૃહને તમારા પર કેટલો ઊંડો વિશ્વાસ છે. ભૂતકાળમાં ગૃહને તમારા અનુભવનો લાભ મળ્યો છે, અને તમે સૌને સાથે લઈને ચાલવા માટે પ્રયાસો કરો છો."

વડાપ્રધાન મોદીએ વધુમાં ઉમેર્યું કે, હરિવંશજીના નેતૃત્વ હેઠળ ગૃહની તાકાત વધુ અસરકારક બની છે. તેઓ માત્ર ગૃહની કાર્યવાહીનું સંચાલન જ નથી કરતા, પરંતુ પોતાના અગાઉના અનુભવોનો ઉપયોગ કરીને ગૃહને ખૂબ જ ઝીણવટપૂર્વક સમૃદ્ધ પણ કરે છે. ઉપસભાપતિ તરીકેનો તેમનો આ નવો કાર્યકાળ પણ એ જ ભાવના, સંતુલન અને સમર્પણ સાથે આગળ વધશે, અને સૌના પ્રયાસોથી ગૃહની ગરિમા નવી ઊંચાઈઓને આંબશે.