Jantar Mantar Violence Conspiracy: દિલ્હીના જંતર-મંતર ખાતે CJP દ્વારા આયોજિત 'સંસદ માર્ચ' દરમિયાન થયેલી હિંસા અંગે ચોંકાવનારા ખુલાસા થયા છે. દિલ્હી પોલીસની તપાસમાં સામે આવ્યું છે કે આ હિંસા માત્ર વિદ્યાર્થીઓના આક્રોશનું પરિણામ નહોતી, પરંતુ રાજકીય પક્ષોના ઇશારે રચાયેલું એક સુઆયોજિત કાવતરું હતું. સંસદ માર્ગ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી FIR મુજબ દિલ્હીની આમ આદમી પાર્ટી (AAP), ઉત્તર પ્રદેશની સમાજવાદી પાર્ટી (SP) અને ભીમ આર્મી સાથે સંકળાયેલા અસામાજિક તત્વોએ હિંસા ભડકાવી હતી. મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તપાસ સ્પેશિયલ સેલને સોંપવામાં આવી છે.
ભીડને ઉશ્કેરવા અને પોલીસ પર હુમલો કરવાનું કાવતરું
ઇન્સ્પેક્ટર ઇન્દ્રજીતની ફરિયાદના આધારે નોંધાયેલી FIRમાં જણાવાયું છે કે, 20 જુલાઈની સવારે CJP પ્રમુખના 'સંસદ માર્ચ'ના આહ્વાન બાદ હજારો લોકો ભેગા થયા હતા. CCTV ફૂટેજ અને ડિજિટલ પુરાવાઓ દર્શાવે છે કે ૧૬ મેથી લઈને ૨૦ જુલાઈની સવાર સુધી AAP નેતાઓએ ભીડને સંબોધિત કરીને ઉશ્કેરી હતી.
ભીડમાં રહેલા અસામાજિક તત્વોએ લોકોને એવું કહીને ઉશ્કેર્યા હતા કે, "સુરક્ષા કર્મચારીઓના માથા પર લાકડીઓ અને પથ્થરોથી પ્રહાર કરો, વિજય ત્યારે જ મળશે જ્યારે પોલીસકર્મીઓના માથા ફાટશે." આ ઉશ્કેરણી બાદ બેકાબૂ બનેલા ટોળાએ સુરક્ષા ઘેરો તોડીને પોલીસ પર હુમલો કર્યો અને જાહેર સંપત્તિને ભારે નુકસાન પહોંચાડ્યું.
BNS, આર્મ્સ એક્ટ સહિત 15 ગંભીર કલમો હેઠળ ગુનો દાખલ
દિલ્હી પોલીસે આ હિંસા અંગે કુલ 21 FIR નોંધી છે, જેમાંથી મુખ્ય FIRમાં 15 જેટલી ગંભીર કલમો ઉમેરવામાં આવી છે. જેમાં:
- BNS કલમ 109: હત્યાનો પ્રયાસ
- BNS કલમ 61: ગુનાહિત કાવતરું
- BNS કલમ 191(2,3) અને 181: હુલ્લડ, ઘાતક શસ્ત્રો ધારણ કરવા અને ગેરકાયદેસર સભા
- BNS કલમ 121: જાહેર સેવકને ફરજ રોકવા ગંભીર ઈજા પહોંચાડવી
- આર્મ્સ એક્ટ કલમ 25(1AB): બળજબરીથી પોલીસનું હથિયાર છીનવી લેવું
ફંડિંગ અને નેતાઓની પૂછપરછની શક્યતા
પોલીસના દાવો મુજબ ઉપલબ્ધ ડિજિટલ પુરાવા અને સોશિયલ મીડિયા કન્ટેન્ટ સ્પષ્ટપણે દર્શાવે છે કે આ ઘટના પાછળ મોટું આયોજિત કાવતરું હતું અને તેના માટે નોંધપાત્ર નાણાકીય સહાય (ફંડિંગ) પૂરી પાડવામાં આવી હતી. તપાસકર્તા અધિકારીઓના જણાવ્યા અનુસાર, ટૂંક સમયમાં જ સંબંધિત રાજકીય પક્ષોના નેતાઓને પૂછપરછ માટે સમન્સ અને નોટિસ જારી કરવામાં આવી શકે છે.
